પ્રેમની ભેટ
પ્રેમની ભેટ
પ્રકરણ 1
યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો. તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, ને તેનું નામ એલિસાબેત હતું. તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં. તેઓને સંતાન નહોતું, કારણ કે એલિસાબેત નિસંતાન હતી; અને તેઓ બન્ને ઘણાં ઘરડાં હતાં. હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ ઈશ્વરની આગળ કરતો હતો, એવામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચઢાવવાનો તેનો વારો આવ્યો. ધૂપ કરતી વેળાએ લોકોની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી. એવામાં ધૂપવેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઊભેલો તેને દેખાયો. તેને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી. પણ દૂતે તેને કહ્યું, “ગભરાઈશ નહિ ઝખાર્યા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે, ને તારી પત્ની એલિસાબેતને દીકરો થશે. તેનું નામ તું યોહાન પાડશે. તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મને લીધે ઘણાં હરખાશે કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે, ને દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહિ. તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર હશે. તે ઇઝરાયલના ઘણા વંશજોને તેઓના ઈશ્વર પ્રભુ તરફ ફેરવશે. તે એલિયાના આત્માએ તથા પરાક્રમે પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન છોકરાં તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, અને પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.”
ઝખાર્યાએ દૂતને પૂછ્યું, “એ મને શાથી જણાય? કેમ કે હું ઘરડો છું, ને મારી પત્ની ઘણાં વરસની થઈ છે.” દૂતે તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરની આગળ ઊભો રહેનાર ગાબ્રીએલ હું છું. અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા માટે મને મોકલવામાં આવ્યો છે. અને જો, એ વાત બનશે તે દિવસ સુધી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ તેં કર્યો નહિ.” લોકો ઝખાર્યાની રાહ જોતા હતા, ને તેને મંદિરમાં વાર લાગી, એથી તેમને નવાઈ લાગતી હતી. તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ. મંદિરમાં તેને કંઈ દર્શન થયું હશે એવું તેઓ સમજ્યા. તે તેઓને ઇશારો કરતો હતો, ને મૂંગો રહ્યો. તેના સેવા કરવાના દિવસો પૂરા થયા પછી તે પોતાને ઘેર ગયો. .તે દિવસો પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો; અને પાંચ મહિના સુધી તે ગુપ્ત રહી, ને કહ્યું, માણસોમાં મારું મહેણું ટાળવા માટે મારા પર પ્રભુએ પોતાની [કૃપા] દષ્ટિ કરવાના સમયમાં મને આવું કર્યું છે.”
છઠ્ઠે મહિને ગાબ્રીએલ દૂતને નાસરેથ નામે ગાલીલના એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું, “હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે.” પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી, “આ તે કઈ જાતની સલામ હશે!” દૂતે તેને કહ્યું, “હે મરિયમ, ગભરાઈશ નહિ! કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. જો, તને ગર્ભ રહેશે, ને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે, ને પરાત્પરનો દીકરો કહેવાશે; અને પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, ને તેના રાજ્યનો અંત આવશે નહિ.” મરિયમે દૂતને કહ્યું, “એ કેમ કરીને થશે? કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી.” દૂતે તેને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદાન કરશે; માટે જે [તારાથી] જનમશે તે પવિત્ર, ઈશ્વરનો દીકરો, કહેવાશે જો, તારી સગી એલિસાબેતે પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે. અને જે વાંઝણી કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે. કેમ કે ઈશ્વર પાસેથી [આવેલું] કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહિ થશે.” મરિયમે તેને કહ્યું, “જુઓ, હું પ્રભુની દાસી છું; તમારા કહ્યા પ્રમાણે મને થાઓ.” ત્યારે દૂત તેની પાસેથી ગયો.
હવે એલિસાબેતના દિવસ પૂરા થયા, એટલે તેને દીકરો થયો. તેના પાડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે હર્ષ પામ્યાં. આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડત. પણ તેની માએ તેઓને કહ્યું, “એમ નહિ; પણ તેનું નામ યોહાન પાડવું.” તેઓએ તેને કહ્યું, “તારા સગાંમાંના કોઈનું એવું નામ પાડેલું નથી.” તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું, “તું તેનું નામ શું પાડવા ચાહે છે?” ત્યારે તેણે પાટી માગીને તેના પર લખ્યું, “તેનું નામ યોહાન છે.” એથી તેઓ સર્વ નવાઈ પામ્યા. તરત તેનું મોં ઊઘડી ગયું, ને તેની જીભ [છૂટી થઈ] , ને તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો. તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, ને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં એ સર્વ વાતોની ચર્ચા ચાલી. વળી જેઓએ તે વાતો સાંભળી તે બધાએ તે પોતાના મનમાં રાખીને કહ્યું, “ત્યારે આ છોકરો કેવો થશે?” કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.
પ્રકરણ 2
હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેમની મા મરિયમનું વેવિશાળ યૂસફ સાથે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ. અને તેનો પતિ યૂસફ જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતાં, તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “ઓ યૂસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહિ, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.” હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધકોની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય એટલે, “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.” ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું, એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો. અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહિ અને .
તે દિવસોમાં કાઈસાર ઑગસ્તસે એવો ઠરાવ બહાર પાડયો, “સર્વ દેશોના લોકોનાં નામ નોંધાય.” કુરેનિયસ સિરિયા [પ્રાંત] નો હાકેમ હતો. તેના વખતમાં વસતિની એ પ્રથમ ગણતરી થઈ હતી. બધાં પોતાનાં નામ નોંધાવવા માટે પોતપોતાનાં શહેરમાં ગયાં. અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ અને કુળમાંનો હતો. તેઓ ત્યાં હતાં, એટલામાં તેના દિવસ પૂરા થયા, અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લૂગડામાં લપેટીને ગભાણમાં સૂવાડ્યો, કારણ કે તેઓને માટે ધર્મશાળામાં કંઈ જગા ન હોતી.
તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ટોળાંને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો, ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો. તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આજે દાઉદના શહેરમાં તમારે માટે એક તારનાર, એટલે ખ્રિસ્ત પ્રભુ, જન્મ્યા છે. તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને લૂગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો.” પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા હતા, “પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ,તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે,તેઓને શાંતિ થાઓ.” દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી, તે ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે બેથલેહેમ જઈએ, અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.” તેઓ ઉતાવળથી ગયા, અને મરિયમને, યૂસફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ જોયાં. તેઓને જોયા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓને જાહેર કરી. જે વાતો ઘેટાંપાળકોએ તેમને કહી, તેથી સર્વ સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા. પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિષે વિચાર કરતી. ઘેટાંપાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેને લીધે તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. આઠ દિવસ પૂરા થયા પછી તેની સુન્નત કરવાનો વખત આવ્યો, ત્યારે તેઓએ તેનું નામ ઈસુ પાડયું. તેનું ગર્ભાધાન થયા પહેલાં દૂતે એ નામ પાડયું હતું.
પ્રકરણ 3
હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યા, ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું, “યહૂદીઓના જે રાજા જન્મ્યા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને અમે તેમનું ભજન કરવા આવ્યા છીએ.” અને એ સાંભળીને હેરોદે રાજા ગભરાયો, ને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું. એટલે તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું, “ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?” ત્યારે તેઓએ તેને કહ્યું, “યહૂદિયાના બેથલેહેમમાં; કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે,
“ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી. કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે.” ત્યારે હેરોદે તે માગીઓને ખાનગીમાં બોલાવીને, તારો કઈ વેળાએ દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું, “તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો, ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું.” ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા, ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો, ને બાળક હતો તે સ્થળ ઉપર આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયો, ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી છોડીને તેને સોના, લોબાન તથા બોળનું નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહિ, એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.
અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન આપીને કહ્યું, “ઊઠ, ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા, ને હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહે; કેમ કે બાળકને મારી નાખવા માટે હેરોદ તેની શોધ કરવાનો છે.” ત્યારે તે ઊઠીને બાળક તથા તેની માને લઈને રાત્રે મિસરમાં ગયો અને હેરોદના મૃત્યુ સુધી તે ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય કે, “મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.”જ્યારે હેરોદને માલૂમ પડયું કે માગીઓએ મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો, ને [માણસો] મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં જેટલાં બાળકો બેથલેહેમમાં તથા તેની બધી સીમમાં હતાં, તેઓ સર્વને તેણે મારી નંખાવ્યાં. ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું, “રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામામાં સંભળાયો. એટલે રાહેલ પોતાનાં બાળકો માટે રડતી, ને તે દિલાસો પામવાને નહોતી ચાહતી, કેમ કે તેઓ નથી.”
અને હેરોદના મૃત્યુ પછી, જુઓ, પ્રભુના દૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “ઊઠ, ને બાળક તથા તેની માને લઈને ઇઝરાયેલ દેશમાં જા; કેમ કે બાળકનો જીવ લેવાની જેઓ શોધ કરતા હતા, તેઓ મરી ગયા છે.” ત્યારે તે ઊઠીને બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં આવ્યો. પણ આર્ખિલાઉસ તેના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતાં બીધો. તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો. અને તે ‘નાઝારી કહેવાશે, ’ એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે તે નાઝરેથ નામના નગરમાં જઈ રહ્યો.
મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધીકરણના દિવસ પૂરા થયા, ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે, ‘પહેલો અવતરેલો દરેક નર પ્રભુને માટે પવિત્ર કહેવાય.’ તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને, તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબૂતરનાં બે બચ્ચાંનો યજ્ઞ કરવા માટે, તેઓ તેને યરુશાલેમ લાવ્યાં. પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી તેઓ ગાલીલમાં પોતાને શહેર નાઝરેથ પાછાં ગયાં.
તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો. અને ઈશ્વરની કૃપા તેના પર હતી. તેનાં માબાપ વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતાં હતાં. તે બાર વરસનો થયો ત્યારે તેઓ રીત પ્રમાણે પર્વમાં ગયાં. [પર્વના] દિવસો પૂરા કરીને તેઓ પાછાં જવા લાગ્યાં, ત્યારે છોકરો ઈસુ યરુશાલેમમાં પાછળ રહ્યો. અને તેનાં માબાપને તેની ખબર પડી નહિ. પણ તે સંઘમાં હશે, એમ ધારીને તેઓએ એક આખો દિવસ ચાલ્યા પછી પોતાનાં સગાંઓમાં તથા ઓળખીતાંઓમાં તેને શોધ્યો. તે તેઓને જડ્યો નહિ, ત્યારે તેઓ તેને શોધતાં શોધતાં યરુશાલેમ પાછાં ગયાં. ત્રણ દિવસ પછી તેઓએ તેને મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલો, તેઓનું સાંભળતો તથા તેઓને સવાલો પૂછતો જોયો. જેઓએ તેનું સાંભળ્યું તેઓ બધા તેની બુદ્ધિથી તથા તેના ઉત્તરોથી આશ્ચર્ય પામ્યા. તેને જોઈને તેનાં માબાપ પણ આશ્ચર્ય પામ્યાં; તેની માએ તેને પૂછ્યું, “દીકરા, તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા પિતાએ તથા મેં દુ:ખી થઈને તારી શોધ કરી!” તેઓને તેણે કહ્યું, “તમે શા માટે મારી શોધ કરી? શું તમે જાણતાં નહોતા કે મારા પિતાને ત્યાં મારે હોવું જોઈએ?” આ જે વાત તેણે તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ. તે તેઓની સાથે ગયો, અને નાસરેથ આવીને તે તેઓને આધીન રહ્યો, અને તેની માએ એ સર્વ વાતો પોતાના મનમાં રાખી. ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ને ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વધતો ગયો.
હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વરસે, જ્યારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ હતો, તથા હેરોદ ગાલીલનો રાજા હતો, તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજા હતો, તથા લુસાનિયસ આબીલેનેનો રાજા હતો, અને આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા, તે વખતે ઝખાર્યાના દીકરા યોહાનની પાસે રાનમાં ઈશ્વરનું વચન આવ્યું. યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખેલું છે, રાનમાં ઘાંટો પાડનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા પાધરા કરો. દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચો કરાશે. વાંકું સીધું કરવામાં આવશે, ખાડાટેકરાવાળા માર્ગ સપાટ થશે. અને સર્વ દેહધારી ઈશ્વરનું તારણ જોશે.” એ પ્રમાણે યોહાન અરણ્યમાં બાપ્તિસ્મા આપતો, અને પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો હતો. “પસ્તાવો કરો; કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને તે યોહાનનાં લૂગડાં ઊંટનાં રૂઆંનાં હતાં, ને તેની કમરે ચામડાનો પટો હતો, ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો. ત્યારે યરુશાલેમના તથા યહૂદિયાના તથા યર્દનના આખા પ્રદેશના લોકો તેની પાસે આવ્યા. અને પોતાનાં પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
પ્રકરણ 5
ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તા છે. એનો આરંભ આરંભે શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સંઘાતે હતો. અને શબ્દ ઈશ્વર હતો. તે જ આરંભે ઈશ્વરની સંઘાતે હતો. તેનાથી સર્વ ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહિ. તેનામાં જીવન હતું. તે જીવન માણસોનું અજવાળું હતું. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે. પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહિ. ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો. તેનું નામ યોહાન હતું. તે સાક્ષીને માટે આવ્યો કે અજવાળા વિષે તે સાક્ષી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. તે [યોહાન] તો તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિષે સાક્ષી આપવાને [તે આવ્યો હતો]. ખરું અજવાળું તે હતું કે, જે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે. તે જગતમાં હતો, અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તોપણ જગતે તેને ઓળખ્યો નહિ. તે પોતાનાંની પાસે આવ્યો, પણ પોતાના [લોકો] એ તેનો અંગીકાર કર્યો નહિ. પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, માણસની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી જન્મ પામ્યાં. શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. યોહાન તેમના વિષે સાક્ષી આપે છે અને પોકારીને કહે છે, “જેમના વિષે મેં કહ્યું છે કે, મારી પાછળ જે આવે છે તે મારી આગળ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા, તે એ જ છે. કેમ કે અમે સર્વ તેમના ભરપૂરીપણામાંથી કૃપા પર કૃપા પામ્યા. કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકીજનિત દીકરો કે, જે પિતાની ગોદમાં છે, તેમણે તેમને પ્રગટ કર્યા છે.
ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યા. પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?” પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો. અને જુઓ, આવી આકાશવાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.”
બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે! જેના વિષે મેં કહ્યું કે, મારી પાછળ એવા એક પુરુષ આવે છે કે જે મારી આગળ થયા છે; કેમ કે તે મારી અગાઉ હતા, તે એ જ છે. મેં તેમને ઓળખ્યા ન હતા; પણ ઇઝરાયલની આગળ તે પ્રગટ થાય, એ માટે હું પાણીથી બાપ્તિસ્મા કરતો આવ્યો છું.” યોહાને સાક્ષી આપી કે, “આત્માને કબૂતરની જેમ આકાશથી ઊતરતો મેં જોયો; તે તેમના પર રહ્યો. મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો, તેમણે જ મને કહ્યું કે, ‘જેમના પર તું આત્માને ઊતરતો તથા રહેતો જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે.’ મેં જોયું છે, અને સાક્ષી આપી છે કે એ જ ઈશ્વરના દીકરા છે.”
ઈસુ પોતે [બોધ] કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષના હતા, અને (લોકોની માન્યતા પ્રમાણે) તે યૂસફનો દીકરો હતો, જે એલીનો [દીકરો] , જે મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નાયનો, જે યૂસફનો, જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો, જે માહથનો, જે મત્તિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો, જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શલ્તીએલનો, જે નેરીનો, જે મલ્ખીનો, જે અદ્દિનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો, જે યેશુનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો, જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલ્યાકિમનો, જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે દાઉદનો,
જે યશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો, જે અમિનાદાબનો, જે અનીનો, જે હેસ્ત્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો, જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો, જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો, જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો, જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો, જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો [દીકરો હતો.]
પ્રકરણ 6
ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને રાનમાં લઈ ગયો. અને ચાળીસ રાતદિવસ સુધી ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. અને પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરને કહે કે, તેઓ રોટલી થઈ જાય.” પણ તેમણે ઉત્તર દીધો, “એમ લખેલું છે કે, માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ જાય છે, ને મંદિરના બુરજ પર તેમને બેસાડે છે, અને તેમને કહે છે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર સાથે અફળાય.” ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ તું ન કર.” પછી તે તેમને ઊંચી જગાએ લઈ ગયો, અને એક પળમાં જગતનાં તમામ રાજ્ય તેમને બતાવ્યાં. શેતાને તેમને કહ્યું, “આ બધાંનો અધિકાર તથા મહિમા હું તને આપીશ, કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે. અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. માટે જો તું મારી આગળ [પડીને] ભજન કરશે તો તે બધું તારું થશે.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “એમ લખેલું છે કે તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું, ને એકલા તેમની જ સેવા કરવી.” ત્યારે શેતાન તેમને મૂકીને જાય છે; અને જુઓ દૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી. પછી શેતાન સર્વ પરીક્ષણ પૂરું કરીને કંઈક મુદત સુધી તેમની પાસેથી ગયો.
ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા; અને તેમના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. તે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, અને બધાંથી તે માન પામતા. નાસરેથ જ્યાં તે ઊછર્યા હતા, ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈ ને તે વાંચવા માટે ઊભા થયા. યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે પ્રમાણે લખેલું છે, તે જગા કાઢી “પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા માટે તેમણે મને મોકલ્યો છે.” તેમણે પુસ્તક બંધ કર્યું, અને સેવકને પાછું આપીને તે બેસી ગયા; અને સભામાં સહુની નજર તેમના પર ઠરી રહી હતી. તે તેઓને કહેવા લાગ્યા, “આજે આ ધર્મલેખ તમારા સાંભળતાં પૂરો થયો છે.” બધાએ તેમને વિષે સાક્ષી આપી, અને તેમનાં મોંમાંથી જે કૃપાની વાતો નીકળી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું, “શું એ યૂસફનો દીકરો નથી?”
તેમણે તેઓને કહ્યું, “આ કહેવત તમે નિશ્ચે મને કહેશો કે વૈદ, તું પોતાને સાજો કર! કપર-નાહૂમમાં કરેલાં જે જે કામો વિષે અમે સાંભળ્યું છે તેવાં કામો અહીં તારા પોતાના વતનમાં પણ કર.” તેમણે કહ્યું, “હું તમને ખરેખર કહું છું, કોઈ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી. પણ હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વરસ સુધી આકાશ બંધ રહ્યું, અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો, તે વખતે ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી અને એલિયાને તેઓમાંની કોઈને ત્યાં નહિ, પણ સિદોનના સારફતમાં એક વિધવા હતી તેને ત્યાં મોકલવામાં આવ્યો હતો. વળી એલિશા પ્રબોધકના જમાનામાં ઇઝરાયલ દેશમાં ઘણા કોઢિયા હતા; પણ અરામી નામાન સિવાય તેઓમાંનો કોઈ શુદ્ધ કરાયો ન હતો. એ વાત સાંભળીને સભામાંના બધા ક્રોધે ભરાયા. અને તેઓએ ઊઠીને તેમને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા માટે જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કોરે તેઓ તેમને લઈ ગયા. પણ તે તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.
પ્રકરણ 7
પણ હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાને લીધે, તથા જે ભૂંડાં કામ તેણે કર્યાં હતાં તે બધાંને લીધે યોહાને ઠપકો આપ્યો હતો. તેથી તે સર્વ ઉપરાંત તેણે યોહાનને બંદીખાનામાં પૂર્યો. યોહાનને બંદીવાન કરવામાં આવ્યો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા ગયા. અને નાઝરેથ મૂકીને ઝબૂલોનની તથા નફતાલીની સીમમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા : એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, “ઝબુલોનના પ્રાંતના તથા નફતાલીના પ્રાંતના, યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલીલમાંના જે લોકો અંધારામાં બેઠેલા હતાં, તેઓએ મોટું અજવાળું જોયું, ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.” ઈસુ ગાલીલમાં આવ્યા, ને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું, “સમય પૂરો થયો છે, ને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો, ને સુવાર્તા પર વિશ્વાસ કરો.”
અને તે ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતા હતા તેવામાં તેમણે સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા; કેમ કે તેઓ માછલાં પકડનારા હતા. અને ઈસુએ તેઓને કહ્યું, “મારી પાછળ આવો, ને હું તમને માણસોને પકડનારા કરીશ.” અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેમની સાથે ગયા. અને ત્યાંથી થોડું આગળ જઈને તેમણે ઝબદીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણમાં જાળો સાંધતા જોયા. અને તરત તેમણે તેઓને બોલાવ્યા. અને તેઓ પોતાના પિતા ઝબદીને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેમની પાછળ ગયા.
ત્રીજે દિવસે ગાલીલના કાનામાં લગ્ન હતું. ત્યાં ઈસુનાં મા હતાં. ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં નોતર્યા હતા. દ્રાક્ષારસ ખૂટયો ત્યારે ઈસુનાં મા તેમને કહે છે, “તેઓની પાસે દ્રાક્ષારસ નથી.” ઈસુ તેમને કહે છે, “બાઈ, મારે ને તમારે શું? મારો સમય હજી આવ્યો નથી.” તેમની માતા ચાકરોને કહે છે, “જે કંઈ તે તમને કહે તે કરો.” હવે યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે દરેકમાં બબ્બે કે ત્રણ ત્રણ મણ પાણી માય એવાં પથ્થરનાં છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં. ઈસુ તેઓને કહે છે, “તે કુંડાંમાં પાણી ભરો.” એટલે તેઓએ તેઓને છલાછલ ભર્યાં. પછી તે તેઓને કહે છે, “હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ.” તેઓ તે લઈ ગયા. જયારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, અને તે કયાંથી આવ્યો એ તે જાણતો નહોતો (પણ જે ચાકરોએ પાણી કાઢયું હતું તેઓ જાણતા હતા), ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને કહે છે, “દરેક માણસ પહેલા સારો દ્રાક્ષારસ મૂકે છે. અને માણસોએ સારીપેઠે પીધા પછી હલકો. ૫ણ તમે અત્યાર સુધી સારો દ્રાક્ષારસ રાખ્યો છે.” ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા બતાવ્યો; અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો. એ પછી તે, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપર-નાહૂમમાં ઊતરી આવ્યાં પણ ત્યાં તેઓ ઘણા દિવસ રહ્યાં નહિ.
પ્રકરણ 8
યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા. મંદિરમાં ગોધા, ઘેટાં તથા કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા તેમણે જોયા. ત્યારે તેમણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં તથા ગોધા સહિત, મંદિરમાંથી કાઢી મૂકયાં. નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને બાજઠો ઊંધા વાળ્યા. અને કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું, “એ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન કરો.” તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, “તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે.” એ માટે યહૂદીઓએ તેમને પૂછયું, “તમે એ કામો કરો છો, તો અમને શી નિશાની બતાવો છો?” ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “આ મંદિરને પાડી નાખો, તો હું એને ત્રણ દિવસમાં ઊભું કરીશ.” ત્યારે યહૂદીઓએ કહ્યું, “આ મંદિરને બાંધતાં છેંતાળીસ વર્ષ લાગ્યાં છે, અને શું તમે એને ત્રણ દિવસમાં ઊભું કરશો?” પણ તે તો પોતાના શરીરરૂપી મંદિર વિષે બોલ્યા હતા. તે માટે જ્યારે તેમને મરી ગયેલાંઓમાંથી ઉઠાડવામાં આવ્યા ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું. અને તેઓએ લેખ પર તથા ઈસુના બોલેલા વચન પર વિશ્વાસ કર્યો. હવે પાસ્ખાપર્વને વખતે તે યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારો તે કરતા હતા તે જોઈને ઘણાએ તેમના નામ પર વિશ્વાસ કર્યો, પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા, અને માણસ વિષે કોઈ સાક્ષી આપે એવી તેમને અગત્ય ન હતી; કેમ કે માણસમાં શું છે એ તે પોતે જાણતા હતા.
ફરોશીઓમાં નિકોદેમસ નામે એક જણ હતો. તે યહૂદીઓનો અધિકારી હતો. તેણે રાત્રે [ઈસુની] પાસે આવીને તેમને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે કરી નહિ શકે.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું, “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી’ નિકોદેમસ તેમને કહે છે, “માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજીવાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે; અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતો ના. વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ તું નથી જાણતો. દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.”
નિકોદેમસે તેમને કહ્યું, “એ વાતો કેમ બની શકે?” ઈસુએ તેને કહ્યું, “તું ઇઝરાયલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો? હું તને ખચીત ખચીત કહું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ, અને જે જોયું છે તેની સાક્ષી પૂરીએ છીએ. પણ તમે અમારી સાક્ષી માનતા નથી. જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો? આકાશમાંથી ઊતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચઢયું. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે. એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંતજીવન પામે. કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ તેમનાથી જગતનું તારણ થાય, તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ઠરી ચૂકયો છે, કેમ કે ઈશ્વરના એકના એક દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાનાં કરતાં અંધારું ચાહ્યું; કેમ કે તેઓનાં કામ ભૂંડાં હતાં. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને પોતાનાં કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાયાં છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે”
જે ઉપરથી આવે છે તે સર્વની ઉપર છે. જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે, અને પૃથ્વીનું બોલે છે. જે આકાશથી આવે છે તે સર્વની ઉપર છે. તેણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેની સાક્ષી કોઈ માનતું નથી. જેણે તેની સાક્ષી માની છે, તેણે ઈશ્વર ખરો છે, એ વાત પર મહોર મારી છે. કેમ કે જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરનાં વચન બોલે છે; કેમ કે [ઈશ્વર] માપથી આત્મા નથી આપતા. પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે બધું તેમના હાથમાં સોપ્યું છે. દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરાનું જે માનતો નથી, તે જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.”
પ્રકરણ 9
હવે ફરોશીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતાં ઈસુ ઘણાને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે. (ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા), એ પ્રભુએ જાણ્યું, ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા. સમરૂનમાં થઈને તેમને જવું પડયું. માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરૂનના સૂખાર નામે એક શહેર આગળ તે આવે છે. ત્યાં યાકૂબનો કૂવો હતો. માટે ઈસુ ચાલવાથી થાકેલા હોવાથી કૂવા પર એવા ને એવા જ બેઠા. તે સમયે આશરે બપોર થયા હતા. એક સમરૂની સ્ત્રી પાણી ભરવાને આવી. ઈસુ તેને કહે છે, “મને પાણી પા.” (તેમના શિષ્યો ખાવાનું વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.) ત્યારે તે સમરૂની સ્ત્રી તેમને કહે છે, “હું સમરૂની સ્ત્રી છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?” (કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.) ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત, તો તું તેમની પાસે માગત, અને તે તને જીવતું પાણી આપત.” સ્ત્રી તેમને કહે છે, “પ્રભુ, તમારી પાસે [પાણી] કાઢવાનું કંઈ નથી ને કૂવો ઊંડો છે! તો તે જીવતું પાણી તમારી પાસે કયાંથી હોય? અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો, અને પોતે, તેમનાં છોકરાંએ તથા ઢોરોએ એમાંનું પીધું, તેમના કરતાં શું તમે મોટા છો?” ઈસુએ તેને કહ્યું, “જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે; પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યા કરશે.” સ્ત્રી તેમને કહે છે, “પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.” ઈસુ તેને કહે છે, “જા, તારા પતિને અહીં તેડી લાવ.” સ્ત્રીએ તેમને કહ્યું, “મારે પતિ નથી.” ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘મારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી, એ તેં ખરું કહ્યું.”
સ્ત્રી તેમને કહે છે, “પ્રભુ તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે. અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.” ઈસુ તેને કહે છે, “બાઈ, મારું માન; એવો સમય આવે છે કે જયારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન નહિ કરશો. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ! કેમ કે તારણ યહૂદીઓમાંથી છે. પણ એવો સમય આવે છે, અને હાલ આવ્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે. ઈશ્વર આત્મા છે; અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ.” સ્ત્રી તેમને કહે છે, “મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે તે) આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.” ઈસુ તેને કહે છે, “તારી સાથે જે બોલે છે તે હું તે છું.”
એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને સ્ત્રીની સાથે તે વાત કરતા હતા માટે તેઓ આશ્ચર્ય પામ્યા. તોપણ તમે શું ચાહો છો, અથવા તેની સાથે તમે શા માટે વાત કરો છો, એમ કોઈએ પૂછયું નહિ. ત્યારે તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં મૂકીને શહેરમાં ગઈ, અને લોકોને કહે છે, “આવો, જેટલું મેં કર્યું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?” તેઓ શહેરમાંથી નીકળીને તેમની પાસે આવવા લાગ્યા. તેટલામાં શિષ્યોએ તેમને વિનંતી કરી, “રાબ્બી, જમો.” પણ તેમણે તેઓને કહ્યું, “મારી પાસે ખાવાનું અન્ન છે કે જે વિષે તમને ખબર નથી.” માટે શિષ્યોએ અંદરોઅંદર કહ્યું, “એમને માટે શું કોઈ કંઈ ખાવાનું લાવ્યો હશે?” ઈસુ તેઓને કહે છે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવી, અને તેમનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. તમે શું નથી કહેતા કે ચાર મહિના પછી ફસલ આવશે? જુઓ, હું તમને કહું છું કે, તમારી નજર ઊંચી કરીને ખેતરો જુઓ કે, તેઓ કાપણીને માટે પાકી ચૂકયાં છે. જે કાપે છે તે પગાર પામે છે, અને અનંતજીવનદાયક ફળનો સંગ્રહ કરે છે; તેથી વાવનાર અને કાપનાર બન્ને સાથે હર્ષ પામે. કેમ કે આમાં એ કહેવત ખરી પડે છે કે, ‘એક વાવે અને બીજો કાપે છે.’ જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે, અને તેઓની મહેનતમાં તમે પ્રવેશ્યા છો.”
જે સ્ત્રીએ સાક્ષી આપી કે, “જેટલું મેં કર્યું તે બધું તેમણે મને કહી બતાવ્યું,” તેની વાતથી તે શહેરના ઘણા સમરૂનીઓએ તેમના પર વિશ્વાસ કર્યો. માટે સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, “તમે અમારી સાથે રહો”; અને બે દિવસ સુધી તે ત્યાં રહ્યા. તેમની વાતથી બીજા ઘણાએ વિશ્વાસ કર્યો; તેઓએ તે સ્ત્રીને કહ્યું, “હવે અમે [એકલા] તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા, કેમ કે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે જે જગતનો ત્રાતા તે નિશ્ચે એ જ છે.” એ બે દિવસ પછી તે ત્યાંથી નીકળીને ગાલીલમાં ગયા. કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, “પ્રબોધકને પોતાના દેશમાં કંઈ માન નથી.” હવે તે ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો અંગીકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વને સમયે કર્યાં હતાં, તે બધાં તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.
ગાલીલમાંનું કાના, જયાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં તે ફરી આવ્યા. ત્યાં એક અમીર હતો, તેનો દીકરો કપર-નાહૂમમાં માંદો હતો. તેણે સાંભળ્યું કે, ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, “આવીને મારા દીકરાને સાજો કરો.” કેમ કે તે મરવાની અણી પર હતો. ત્યારે ઈસુએ તેને કહ્યું, “ચિહ્નો તથા ચમત્કારો જોયા વગર તમે વિશ્ચાસ કરવાના નથી.” અમીર તેમને કહે છે, “પ્રભુ, મારા દીકરાના મરવા અગાઉ આવો.” ઈસુ તેને કહે છે, “ચાલ્યો જા; તારો દીકરો જીવતો રહ્યો છે.” જે વાત ઈસુએ તેને કહી તે પર વિશ્વાસ કરીને તે માણસ ચાલ્યો ગયો. તે ચાલ્યો જતો હતો, એટલામાં તેના ચાકરો તેને સામા મળ્યા, તેઓએ તેને કહ્યું, “તમારો દીકરો જીવી ગયો છે.” તેણે તેઓને પૂછયું, “કઈ ઘડીએ તે સાજો થવા લાગ્યો?” ત્યારે તેઓએ તેને કહ્યું, કાલે બપોર પછી એક વાગે તેનો તાવ જતો રહ્યો.” એથી પિતાએ જાણ્યું કે, જે ઘડીએ ઈસુએ મને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે જ ઘડીએ એ થયું;” અને તેણે પોતે તથા તેના ઘરનાં બધાંએ વિશ્વાસ કર્યો. ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને આ બીજો ચમત્કાર કર્યો.
પ્રકરણ 10
પછી યહૂદીઓનું એક પર્વ હતું. તે વખતે ઈસુ યરુશાલેમ ગયા. હવે યરુશાલેમમાં મેઢાંભાગળની પાસે એક કુંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને [લગતી] પાંચ પરસાળ છે. તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલાં અંગોવાળા, ઘણા માણસો પડી રહેલા હતા. [તેઓ પાણી હાલવાની રાહ જોતા હતા. કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કુંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નીરોગી થતો.] ત્યાં એક જણ હતો, તે આડત્રીસ વરસથી માંદો હતો. તેને પડેલો જોઈને તથા ઘણા સમયથી તે એવો જ છે, એ જાણીને ઈસુ તેને પૂછે છે, “શું તું સાજો થવા ચાહે છે?” તે માંદાએ તેમને ઉત્તર આપ્યો, “પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.” ઈસુ તેને કહે છે, “ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલ.” તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઊંચકીને ચાલતો થયો.
તે માટે જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું, “આજે વિશ્રામવાર છે એટલે તારે બિછાનું ઊંચકવું વાજબી નથી.” પણ તેણે તેઓને એવો ઉત્તર આપ્યો, “જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે, તારું બિછાનું ઊંચકીને ચાલ.” તેઓએ તેને પૂછયું, “તને જેણે એમ કહ્યું કે, ‘બિછાનું ઊંચકીને ચાલ’, તે માણસ કોણ છે?” પણ તે કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે ઠેકાણે ભીડ હતી, માટે ઈસુ ત્યાંથી ખસી ગયા હતા. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું, “જો, તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ [વિપત્તિ] આવી પડે.” તે માણસે જઈને યહૂદીઓને કહ્યું, જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે.” એ કામો ઈસુએ વિશ્રામવારે કર્યાં હતાં, માટે યહૂદીઓ તેમની પાછળ લાગ્યા. પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મારા પિતા અત્યાર સુધી કામ કરે છે, અને હું પણ કામ કરું છું.” તે માટે તેમને મારી નાખવાને યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો, કેમ કે તેમણે વિશ્રામવાર ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા.
ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે. કેમ કે પિતા દિકરા પર પ્રેમ કરે છે, અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે; અને તે તેને એ કરતાં મોટાં કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો. કેમ કે જેમ પિતા મરી ગયેલાંઓને ઉઠાડીને તેમને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ ચાહે તેઓને સજીવન કરે છે. કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતા નથી, પણ ન્યાય ચૂકવવાનું બધું કામ તેમણે દીકરાને સોંપ્યું છે. કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે, દીકરાને જે માન નથી આપતો, તે તેના મોકલનાર પિતાને પણ માન નથી આપતો. હું તમને ખચીત ખચીત કહું છું કે, જે મારાં વચન સાંભળે છે, અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી નહિ ઠરશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. હું તમને ખચીત ખચીત કહું છું કે, એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મરી ગયેલાંઓ ઈશ્વરના દીકરાની વાણી સાંભળશે; અને સાંભળનારાં જીવતાં થશે. કેમ કે જેમ પિતાને પોતામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. ન્યાય ચૂકવવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. એથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે. અને જેઓએ સારાં કામ કર્યાં છે, તેઓ જીવનનું ઉત્થાન પામવા માટે, અને જેઓએ ભૂંડાં કામ કર્યાં છે, તેઓ દંડનું ઉત્થાન પામવા માટે નીકળી આવશે.
હું મારી જાતે કંઈ કરી શકતો નથી; જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય ઠરાવું છું. અને મારો ન્યાય અદલ છે, કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું. જો હું પોતાના વિષે સાક્ષી આપું તો મારી સાક્ષી ખરી નથી. મારા વિષે જે સાક્ષી આપે છે, તે બીજો છે; અને જે સાક્ષી મારા વિષે તે આપે છે, તે ખરી છે, એ હું જાણું છું. તમે યોહાન પાસે માણસ મોકલ્યા, તમને તેણે સત્ય વિષે સાક્ષી આપી છે. તોપણ જે સાક્ષી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી. પણ તમે તારણ પામો માટે હું એ વાતો કહું છું. 35તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો! તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા. પણ યોહાનની [સાક્ષી] કરતાં મારી પાસે મોટી સાક્ષી છે; કેમ કે જે કામો પિતાએ મને પૂરાં કરવાને આપ્યાં છે, એટલે જે કામો હું કરું છું, તે જ મારે વિષે સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે. વળી પિતાએ મને મોકલ્યો છે, તેમણે પણ મારા વિશે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી નથી સાંભળી, અને તેમનું રૂપ પણ જોયું નથી. તેમની વાત તમારામાં રહેલી નથી; કેમ કે જેને તેમણે મોકલ્યો, તેના પર તમે વિશ્વાસ નથી કરતા. તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો.અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે. જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી. હું માણસો તરફથી મહિમા લેતો નથી. પણ હું જાણું છું કે ઈશ્વર પરનો પ્રેમ તમારામાં નથી. હું મારા પિતાને નામે આવ્યો છું, પણ તમે મારો અંગીકાર કરતા નથી! જો કોઈ બીજો પોતાને નામે આવશે, તો તેનો તમે આવકાર કરશો. તમે એકબીજાથી માન પામો છો, પણ જે માન એકલા ઈશ્વરથી છે તે તમે શોધતા નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો? હું પિતાની આગળ તમારા પર દોષ મૂકીશ, એમ ન ધારો. તમારા પર દોષ મૂકનાર એક, એટલે મૂસા છે, તેના પર તમે ભરોસો રાખો છો. કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત, તો તમે મારા પર પણ વિશ્વાસ કરત; કેમ કે તેણે મારા વિષે લખેલું છે. પણ જો તમે તેના લેખો પર વિશ્વાસ નથી કરતા, તો મારી વાતો પર તમે કેમ વિશ્વાસ કરશો?”
પ્રકરણ 11
તે ગાલીલનાં કપર-નાહૂમ નામે શહેરમાં આવ્યા. વિશ્રામવારે તે તેઓને બોધ કરતા હતા, અને તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેમનું બોલવું અધિકારયુકત હતું. સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે મોટે અવાજે બૂમ પાડીને કહ્યું, “અરે, ઈસુ નાઝારી, તમારે ને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરનો પવિત્ર.” ઈસુએ તેને ધમકાવીને કહ્યું, “છાનો રહે, ને તેનામાંથી નીકળ.” અશુદ્ધ આત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ પણ નુકસાન કર્યા વિના તેમાંથી નીકળી ગયો. તેથી બધાને આશ્ચર્ય થયું. તેઓએ અંદરઅંદર કહ્યું, “આ તે કેવું વચન છે! કેમ કે તે અધિકારથી તથા પરાક્રમથી અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, એટલે તેઓ નીકળી જાય છે.” આસપાસના પ્રદેશની સર્વ જગ્યાએ તેમને વિષે ચર્ચા ફેલાઈ ગઈ.
સભાસ્થાનમાંથી નીકળીને તે સિમોનને ઘેર ગયા. સિમોનની સાસુને સખત તાવ આવતો હતો, ને તેના હકમાં તેઓએ તેમને વિનંતી કરી. 39તેમણે તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, એટલે તેનો તાવ ઊતરી ગયો; અને તરત ઊઠીને તે તેઓની સરભરા કરવા લાગી. અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂતવળગેલાઓને તેમની પાસે લાવ્યા, ને તેમણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા, ને બધાં માંદાંઓને સાજાં કર્યાં. સૂરજ આથમતી વખતે જેઓને ત્યાં વિધવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓ તેમને તેમની પાસે લાવ્યા; અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ પણ નીકળ્યા. તેઓ ઘાંટો પાડીને કહેતા હતા, “તમે ઈશ્વરના દીકરા છો.” તેમણે તેઓને ધમકાવ્યા, અને બોલવા દીધા નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે તો ખ્રિસ્ત છે.’ એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, ‘તેણે પોતે આપણી માંદગીઓ લીધી, ને આ૫ણા રોગ ભોગવ્યા.’
અને સવારે મળસ્કું થતાં પહેલાં ઘણા વહેલા ઊઠીને તે બહાર ગયા, ને ઉજ્જડ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી. અને સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની પાછળ ગયા. અને તે તેઓને મળ્યા ત્યારે તેઓ તેમને કહે છે, “સહુ તમને શોધે છે.” અને તે તેઓને કહે છે, “આપણે પાસેનાં ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.” અને ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને લોકોમાં દરેક પ્રકારનો રોગ તથા દુ:ખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા. ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, ને સર્વ માંદાઓને, એટલે અનેક જાતનાં રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂતવળગેલાંઓને તથા ફેફરાંવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેમની પાસે લાવ્યા, અને તેમણે તેઓને સાજાં કર્યાં. અને ગાલીલથી તથા દશનગરથી તથા યરુશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયાં.
પ્રકરણ 12
ત્યારે ઘણા લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢી ગયા, અને તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. અને તેમણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું, “આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે,કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે. સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે. ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવી છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોકો તમારી નિંદા કરશે, ને પાછળ લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહતરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા. પણ તમ શ્રીમંતોને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો. ઓ હમણાંના ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હમણાંના હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો ને રડશો. જ્યારે સર્વ માણસો તમારું સારું બોલશે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના બાપદાદાઓ જૂઠા પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા.
તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી. તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી. અને દીવો કરીને તેને માપ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંનાં બધાંને તે અજવાળું આપે છે. તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. નિયમશાસ્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારો. હું નાશ કરવા તો નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું. કેમ કે હું તમને ખચીત કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી બધાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહિ. એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે, ને માણસોને એવું કરતાં શીખવશે, તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો.
‘હત્યા ન કર, ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે’ એમ પુરાતન કાળમાં લોકોને કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે પોતાના ભાઈને ‘પાજી’ કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે તેને કહેશે કે, ‘તું મૂર્ખ છે,’ તે અગ્નિની ગેહેન્નાના જોખમમાં આવશે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે, ‘મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે.’ તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ. જ્યાં સુધી તું તારા વાદીની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખેને વાદી તને ન્યાયાધીશને સોંપે, ને ન્યાયાધીશ તને સિપાઈને સોંપે, ને તું કેદખાનામાં નંખાય. હું તને ખચીત કહું છું કે તું પાઈએ પાઈ ચૂકવીશ નહિ, ત્યાં સુધી તું ત્યાંથી બહાર નીકળનાર જ નથી.
‘વ્યભિચાર ન કર’ એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે. અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે. અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે. જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેને ફારગતી લખી આપે’, એમ પણ કહેવામાં આવ્યું હતું. પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે. અને જે કોઈ તે મૂકી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.
તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર, ’ એમ પુરાતન સમયમાં લોકોને કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે, કંઈ જ સમ ન ખાઓ; આકાશના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે; અને પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે. અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે. અને તું તારા માથાના પણ સમ ન ખા, કેમ કે તારાથી એક વાળ પણ ધોળો અથવા કાળો કરી શકાતો નથી. પણ તમારું બોલવું તે ‘હા તે હા, ને ‘ના તે ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે.
‘આંખને બદલે આંખ, ને દાંતને બદલે દાંત’ એમ કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાઓ:પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ. અને જે તારો કોટ લેવા માટે તારા પર દાવો કરે, તેને તારું પહેરણ પણ લેવા દે. અને જે કોઈ બળજબરીથી તને એક માઇલ લઈ જાય, તેની સાથે બે માઇલ જા. જે કોઈ તારી પાસે માગે છે તેને તું આપ, ને તારી પાસે જે ઉછીનું લેવા ઇચ્છે છે, તેનાથી મોં ન ફેરવ. માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો. કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધક [ની વાતોનો સાર] એ જ છે.
તું તારા પડોશી પર પ્રેમ કર, ને તારા વૈરી ઉપર દ્વેષ કર,’ એમ કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે: પણ હું તમ સાંભળનારાઓને કહું છું કે, તમારા વૈરીઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો. જેઓ તમને શાપ આપે છે તેઓને આશીર્વાદ આપો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને માટે પ્રાર્થના કરો. એ માટે કે તમે આકાશમાંના તમારા પિતાના દીકરા થાઓ; કારણ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ધર્મી તથા અધર્મી પર વરસાદ વરસાવે છે. કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શું ફળ છે? જકાતદારો પણ શું એમ નથી કરતા? અને જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તેમાં તમે વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા? જેઓ તમારું ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે. વળી જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાછું લેવા માટે પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે. પણ તમે તમારા વૈરીઓ પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, ને કચવાયા વગર ઉછીનું આપો; એથી તમને ઘણું પ્રતિફળ મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો; કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે. માટે જેવા તમારા પિતા દયાળુ છે, તેવા તમે દયાળુ થાઓ. એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો.
પ્રકરણ 13
માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહિ તો આકાશમાંના તમારા પિતા પાસેથી તમને ફળ મળવાનું નથી. ‘એ માટે જ્યારે તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ. હું તમને ખચીત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાનધર્મ કરે, ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે. એ માટે કે તારાં દાનધર્મ ગુપ્તમાં થાય; અને ગુપ્તમાં જોનાર તારા પિતા તને તેનો બદલો આપશે. અને જ્યારે તમે પ્રાર્થના કરો છોત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને ગમે છે. હું તમને ખરેખર કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે. વળી જ્યારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની જેમ લેવાઈ ગયેલા મોંના ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાનાં મોં કસાણાં કરે છે. હું તમને ખરેખર કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું ઉપવાસ કરે, ત્યારે તારા માથા પર તેલ ચોપડ, ને તારું મોં ધો. એ માટે કે માણસોને નહિ, પણ તારા પિતા જે ગુપ્તમાં છે તેમને તું ઉપવાસી દેખાય, ને ગુપ્તમાં જોનારા તારા પિતા તને બદલો આપશે.
અને તમે પ્રાર્થના કરતાં વિદેશીઓની જેમ અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે, ‘અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે.’ એ માટે તમે તેઓના જેવા ન થાઓ. કેમ કે જેની તમને અગત્ય છે, તે તેની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. તમારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારાં ઋણો અમને માફ કરો. અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. [કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન. કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો તમારા આકાશમાંના પિતા તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહિ કરશે.
તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્રવ્ય, પોતાને માટે મેળવો; ત્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી. પૃથ્વી પર પોતાને માટે દ્રવ્ય એકત્ર ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. કોઈ માણસ દીવો સળગાવીને ભોંયરામાં કે માપ નીચે તેને મૂકતો નથી, પણ દીવી પર [મૂકે છે], એ માટે કે માંહે આવનારાઓ તેનું અજવાળું જુએ. તારા શરીરનો દીવો તારી આંખ છે. જ્યારે તારી આંખ નિર્મળ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે. પણ તે ભૂંડી હોય છે, ત્યારે તારું શરીર પણ અંધકારે ભરેલું હોય છે. તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે. માટે જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ [તારું શરીર] પ્રકાશથી ભરેલું થશે.”
કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ, કેમ કે તે એક ૫ર દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે, ઈશ્વરની તથા દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહિ. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને માટે ચિંતા ન કરો કે, ‘અમે શું ખાઈશું અથવા શું પીશું;’ અને તમારા શરીરને માટે ચિંતા ન કરો કે ‘અમે શું પહેરીશું.’ શું જીવ ખોરાક કરતાં, ને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? આકાશનાં પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, ને કાપતાં નથી, ને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું? અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા તો બીજા વિષે તમે કેમ ચિંતા કરો છો?
અને વસ્ત્રો સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે! તેઓ મહેનત કરતાં નથી, તેઓ કાંતતાં પણ નથી! તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના તમામ મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજે છે, ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહિ પહેરાવશે? માટે અમે શું ખાઈએ, અથવા શું પીએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો. કારણ કે એ બધાં વાનાં વિદેશીઓ શોધે છે. કેમ કે તમારા આકાશમાંના પિતા જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે. પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે. ઓ નાની ટોળી, ગભરાશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે. તે માટે આવતી કાલને માટે ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતા [ની વાતો] ની ચિંતા કરશે. દિવસને માટે તે દિવસનું દુ:ખ બસ છે.
પ્રકરણ 14
તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે. કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. અને જે માપથી તમે માપી આપો છો, તેથી જ તમને માપી આપવામાં આવશે.
આપો ને તમને અપાશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.” તેમણે તેઓને એક દ્દષ્ટાંત પણ કહ્યું, “શું આંધળો આંધળાને દોરી શકે? શું બન્ને ખાડામાં નહિ પડે? તારી પોતાની આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં લીધા વિના તારા ભાઈની આંખમાંનું તણખલું કેમ જુએ છે? અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે, ‘તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે.’ પણ જો, તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે! ઓ ઢોંગી, પહેલા તું પોતાની જ આંખમાંથી ભારોટિયો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી રીતે સૂઝશે. જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, ને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; રખેને તેઓ તે પોતાના પગ નીચે છૂંદે, ને તમને ફાડી નાખે.
તેમણે તેઓને કહ્યું, “તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, ‘મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ; કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, અને તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી.’ તો શું, તે અંદરથી ઉત્તર આપતાં એમ કહેશે કે, ‘મને તસ્દી ન દે, હમણાં બારણું બંધ છે, અને મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે. હું તો ઊઠીને તને આપી શકતો નથી?” હું તમને કહું છે કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને નહિ આપે, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને જોઈએ તેટલી [રોટલી] તેને આપશે. હું તમને કહું છે કે, માગો, તો તમને આપવામાં આવશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે માટે ઉઘાડવામાં આવશે, કેમ કે જે કોઈ માગે છે તે પામે છે; જે શોધે છે તેને જડે છે; અને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે. વળી તમારામાંના કોઈ પિતાની પાસેથી જો તેનો છોકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી [માગે] તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? અથવા તે ઈંડું માગે તો તેને શું તે તેને વીંછું આપશે? માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?” તમે સાંકડે બારણેથી અંદર પેસો. કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે પહોળો છે, ને તેનું બારણું મોટું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું નાનું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.
જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુ [ના જેવા] છે, તેઓ સંબંધી સાવધાન રહો. તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષા, અથવા ઊંટકટા પરથી અંજીર તોડે છે? તેમ જ હરેક સારું ઝાડ સારાં ફળ આપે છે, ને ખરાબ ઝાડ નઠારાં ફળ આપે છે. 18સારું ઝાડ નઠારાં ફળ આપી શકતું નથી, ને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી. હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે. તે માટે તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે; અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે: કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે.
જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે]. તે દિવસે ઘણા મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી? અને તમારે નામે ભૂતોને કાઢયાં નથી? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી?’ ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો, માટે તે પડયું નહિ. અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળતો નથી, તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું. અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા, ને તે પડી ગયું, અને તેનો નાશ મોટો થયો.”
અને ઈસુ એ વાતો કહી રહ્યા, ત્યારે એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી અચરત થયા. કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે, તેની જેમ તે તેઓને ઉપદેશ કરતા હતા.
પ્રકરણ 15
અને પહાડ પરથી તે ઊતર્યા, ત્યારે અતિ ઘણા લોકો તેમની પાછળ ગયા. તે એક શહેરમાં હતા, ત્યારે જુઓ, એક રક્તપિત્તિયો માણસ ત્યાં હતો, તે ઈસુને જોઈને તેમને પગે પડ્યો, અને તેમને વિનંતી કરી, “હે પ્રભુ, જો તમે ચાહો તો તમે મને શુદ્ધ કરી શકો છો.” અને ઈસુને દયા આવી, ને હાથ લાંબો કરીને તે તેને અડક્યા, ને તેને કહ્યું, “મારી ઇચ્છા છે; તું શુદ્ધ થા.” અને તરત તેનો કોઢ ગયો, ને તે શુદ્ધ થયો. અને ઈસુએ સખત ચેતવણી આપીને તરત તેને બહાર મોકલ્યો. અને તે તેને કહે છે, “જોજે, કોઈને કંઈ કહેતો ના. પણ જઈને પોતાને યાજકને બતાવ, અને જે કંઈ મૂસાએ ફરમાવ્યું તેનું, તારા શુદ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.” પણ તે નીકળી જઈને તે વાત એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગાઓમાં રહ્યા; અને લોકો ચારે તરફથી તેમની પાસે આવતા હતા.
અને કેટલાક દિવસ પછી તે ફરી કપર-નાહૂમમાં ગયા, ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે, ‘તે ઘરમાં છે’ અને એટલા બધા લોકો એકત્ર થયા કે દરવાજા પાસે પણ જગા નહોતી અને તે તેઓને વાત સંભળાવતા હતા. સાજા કરવા માટે પ્રભુનું પરાક્રમ તેમની પાસે હતું. જુઓ, કેટલાક જણ એક પક્ષઘાતી માણસને ખાટલા પર લાવ્યા. તેને અંદર લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો. પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાનો લાગ ન મળ્યાથી તેઓએ ધાબા પર ચઢીને છાપરામાં થઈને તેને ખાટલા સહિત ઈસુની આગળ વચ્ચે ઉતાર્યો.
ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું, “દીકરા, હિમ્મત રાખ, તારાં પાપ તને માફ થયાં છે.” પણ કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાનાં હ્રદયોમાં વિચારતા હતા, “આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે: એક, એટલે ઈશ્વર, તે વિના પાપની માફી કોણ આપી શકે?” અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે એ ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું, “તમે તમારાં હ્રદયોમાં એવા વિચાર કેમ કરો છો? આ બેમાંનું વધારે સહેલું કયું છે, એટલે પક્ષઘાતીને એમ કહેવું કે, તારાં પાપ તને માફ થયાં છે; અથવા એમ કહેવું કે, ઊઠ, ને તારો ખાટલો ઊંચકીને ચાલ? પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો, માટે (પક્ષઘાતીને તે કહે છે, ) હું તને કહું છું કે, ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા.” અને તે તરત ઊઠ્યો, ને ખાટલો ઊંચકીને સહુના જોતાં ચાલ્યો ગયો; આથી સહુએ નવાઈ પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું, “અમે કદી આવું જોયું નથી.”
અને તે ફરી સમુદ્રને કાંઠે આવ્યા; અને બધા લોકો તેમની પાસે આવ્યા, ને તેમણે તેઓને બોધ કર્યો. તે પછી તે ત્યાંથી નીકળ્યો, ને લેવી નામે એક જકાતદારને જકાતની ચોકી પર બેઠેલો જોઈને તેમણે કહ્યું, “મારી પાછળ ચાલ.” તે બધું મૂકીને ઊઠયો ને તેમની પાછળ ગયો. લેવીએ પોતાને ઘેર તેમને માટે મોટી મિજબાની કરી, અને જકાતદારો તથા બીજા ઘણા માણસો તેઓની સાથે જમવા બેઠા હતા. ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું, “તમે જકાતદારો તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?” ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જેઓ સાજાં છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદાં છે તેઓને છે, ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને માટે બોલાવવા હું આવ્યો છું.”
તેઓએ તેમને કહ્યું, યોહાનના શિષ્યો તેમ જ ફરોશીઓના શિષ્યો પણ વારંવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે. પણ તમારા શિષ્યો તો ખાયપીએ છે.” ઈસુએ તેઓને કહ્યું, “વર જાનૈયાઓની સાથે હોય ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો શું? 35પણ એવા દિવસ તો આવશે. વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે સમયે તેઓ ઉપવાસ કરશે.” તેમણે તેઓને એક દ્દષ્ટાંત પણ કહ્યું, “નવા કપડાંમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી. જો તે મારે તો તે નવું ફાડી નાખશે, અને વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવશે. વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ નથી ભરતું. જો ભરે તો મશકો ફાટી જાય, ને દ્રાક્ષારસ વહી જાય ને મશકોનો નાશ થાય. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે જેથી બન્નેનું રક્ષણ થાય છે.” વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો પીવા માગતો નથી, કેમ કે તે કહે છે કે, જૂનો સારો છે.”
પ્રકરણ 16
એ અરસામાં ઈસુ વિશ્રામવારે અનાજનાં ખેતરોમાં થઈને જતા હતા. તેમના શિષ્યોને ભૂખ લાગી હતી, ને તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા. ત્યારે ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું, “જો વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.” પણ તેમણે તેઓને કહ્યું, “જ્યારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી. અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એમ નથી વાંચ્યું કે, વિશ્રામવારે મંદિરમાં યાજકો વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે? પણ હું તમને કહું છું કે મંદિર કરતાં અહીં એક મોટો છે. વળી ‘યજ્ઞ કરતાં હું દયા ચાહું છું.’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત, અને તેમણે કહ્યું, “વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ. માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
એક બીજે, વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા. ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. વિશ્રામવારે તે કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તાકી રહ્યા હતા, એ માટે કે તેમના પર દોષ મૂકવાને તેઓને નિમિત્ત મળે. પણ તેઓના વિચારો જાણી લઈને જે માણસનો હાથ સુકાઈ ગયેલો હતો તેને તેમણે કહ્યું, “ઊઠીને વચમાં ઊભો રહે.” એટલે તે ઊઠીને વચમાં ઊભો રહ્યો. અને ઈસુ પર આરોપ મૂકવા માટે તેઓએ તેમને પૂછ્યું, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?” પછી ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું છું કે, વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું? જીવને બચાવવો કે તેનો નાશ કરવો? એ બેમાંથી ક્યું ઉચિત છે?” ત્યારે તેમણે તેઓને કહ્યું. “તમારામાં એવું કયું માણસ હશે કે, જેને એક ઘેટું હોય, ને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તે તેને પકડીને બહાર નહિ કાઢશે? તો માણસ ઘેટા કરતાં કેટલું ઉત્તમ છે? એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.” અને તેઓનાં હ્રદયની કઠણતાને લીધે તે દુ:ખી થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓ તરફ જોઈને તે માણસને કહે છે, “તારો હાથ લાંબો કર.” અને તેણે તે લાંબો કર્યો; ને તેનો હાથ સાજો થયો. અને શી રીતે તેનો નાશ કરવો તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ ઠરાવ કર્યો.
પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા, અને ઘણા લોકો તેમની પાછળ ગયા. અને બધાને સાજા કરીને તેમણે તેઓને સખત આજ્ઞા આપી, ‘તમારે મને પ્રગટ નહિ કરવો.” એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, “જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેના પર મારો જીવ પ્રસન્ન છે. તે પર હું મારો આત્મા મૂકીશ. અને તે અન્ય દેશનાઓને ન્યાયીકરણ પ્રગટ કરશે. તે ઝઘડો નહિ કરશે, ને બૂમ નહિ પાડશે, અને તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે. જ્યાં સુધી ન્યાયીકરણને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નાખશે નહિ, ને ધૂંઆતું શણ ૫ણ તે નહિ હોલવશે. અને વિદેશીઓ તેના નામ પર આશા રાખશે.” અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની પાસે ગયા; અને ગાલીલમાંથી ઘણા લોકો તેમની પાછળ ગયા. તેમ જ યહૂદિયામાંથી તથા યરુશાલેમમાંથી તથા અદુમમાંથી તથા યર્દનને પેલે પારથી તથા તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેમણે જે જે [કાર્યો] કર્યાં તે સાંભળીને તેમની પાસે આવ્યા. અને લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણથી પોતાને માટે હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું, કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતા, અને તેથી જેટલાં માંદાં હતાં તેટલાં તેમને અડકવા માટે તેમના પર તૂટી પડતાં હતાં. અને અશુદ્ધ આત્માઓએ જ્યારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડીને પોકારી ઊઠ્યા, “તમે ઈશ્વરના પુત્ર છો.” અને તેમણે તેઓને બહુ ચેતવણી આપી, “મને પ્રગટ ન કરો.”
પ્રકરણ 17
તે દિવસોમાં તે ઘેરથી નીકળીને [કોઈ એક] પહાડ પર પ્રાર્થના કરવા ગયા અને તેમણે ઈશ્વરની પ્રાર્થનામાં આખી રાત કાઢી. દિવસ ઊગ્યો ત્યારે તેમણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી બારને પસંદ કર્યા. તેઓને તેમણે પ્રેરિતો પણ કહ્યા. અને તેમણે બારને નીમ્યા. એ માટે કે તેઓ તેમની સાથે રહે, અને તે તેમને ઉપદેશ આપવા મોકલે, અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓ કાઢે. અને તે બાર પ્રેરિતનાં નામ આ છે: પહેલો, સિમોન, જે પિતર કહેવાય છે તે, ને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન; ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થાદી; સિમોન કનાની, તથા યહૂદા ઈશ્કારિયોત, જે તેને પરસ્વાધીન કરનાર પણ હતો.
તે કપર-નાહૂમ આવ્યા. એક સૂબેદારનો ચાકર જે તેને વહાલો હતો તે માંદો પડીને મરવાની અણી પર હતો 3ઈસુ સંબંધી તેણે સાંભળ્યું, ત્યારે તેણે તેમની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેમને વિનંતી કરી, “તમે આવીને મારા ચાકરને બચાવો.” તેઓએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરી, “જેને માટે તમે આટલું કરો તેને તે યોગ્ય છે. કેમ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે; વળી તેણે [પોતાને ખરચે] આપણું સભાસ્થાન બંધાવ્યું છે.”
ઈસુ તેઓની સાથે ગયા. તે તેના ઘરથી દૂર નહોતા એટલામાં સૂબેદારે તેમની પાસે પોતાના કેટલાક મિત્રોને મોકલીને તેમને કહેવડાવ્યું, “પ્રભુ, તમે તસ્દી ન લો:કેમ કે તમે મારા છાપરા નીચે આવો, એવો હું યોગ્ય નથી; એ કારણથી મેં પણ તમારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહિ. પણ તમે શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે. કેમ કે હું પણ તાબેદાર માણસ છું, ને મારે તાબે સિપાઈઓ છે; એકને હું કહું છું કે, ‘જા,’ એટલે તે જાય છે; બીજાને કહું છું કે, ‘આવ,’ અને તે આવે છે; અને મારા ચાકરને હું કહું છું કે, ‘આ કર,’ અને તે તે કરે છે.” 9એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા અને પાછા ફરીને તેમણે પાછળ આવતા લોકોને કહ્યું, “આટલો વિશ્વાસ ઇઝરાયેલમાં પણ મારા જોવામાં આવ્યો નથી.” અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે, ને ઇબ્રાહિમની અને ઇસહાકની અને યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે. પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે.” અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો. [સૂબેદારે] જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા, ત્યારે તેઓએ માંદા ચાકરને સાજો થયેલો જોયો.
થોડી મુદત પછી નાઈન નામના શહેરમાં તે આવ્યા. અને તેમના શિષ્યો તથા ઘણા લોક પણ તેમની સાથે આવ્યા. હવે શહેરના દરવાજા પાસે તે આવ્યા, ત્યારે, જુઓ, તેઓ એક મૂએલા માણસને બહાર લઈ જતા હતા; અને તે તેની માનો એકનો એક દીકરો હતો, તે તો વિધવા હતી. અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા. વિધવાને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેમણે તેને કહ્યું, “રડ નહિ.” તે પાસે આવીને ઠાઠડીને અડક્યા; એટલે ખાંધિયા ઊભા રહ્યા. તેમણે કહ્યું, “જુવાન, હું તને કહું છું કે, ઊઠ.” ત્યારે જે મૂએલો હતો તે બેઠો થયો, અને બોલવા લાગ્યો. તેમણે તેને તેની માને સોંપ્યો. એથી સર્વને ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકો પર રહેમનજર કરી છે.” તેમના સંબંધીની આ વાત આખા યહૂદિયામાં તથા આસપાસના બધા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
કોઈક ફરોશીએ પોતાની સાથે જમવા માટે તેમને વિનંતી કરી, ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠા. ત્યારે જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી. તેણે જ્યારે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠા છે. ત્યારે અત્તરની સંગેમરમરની એક ડબ્બી લાવીને, તે તેમના પગ પાસે રડતી રડતી પછવાડે ઊભી રહી, અને પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યા, અને તેમને અત્તર ચોળ્યું. તે જોઈને જે ફરોશીએ તેમને નોતર્યા હતા તે વિચાર કરવા લાગ્યો, “જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેને અડકે છે, તે કોણ ને કેવી છે, તે તે જાણત, એટલે કે તે પાપી છે.” ઈસુએ તેને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે તેમને કહ્યું, “ઉપદેશક, કહો.” [ઈસુએ કહ્યું,] “એક લેણદારને બે દેવાદાર હતા. એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું. જ્યારે તેઓની પાસે વાળી આપવાનું કંઈ નહોતું, ત્યારે તેણે બન્નેને માફ કર્યું. તો તેના પર તેઓમાંનો કોણ વિશેષ પ્રેમ રાખશે?” સિમોને ઉત્તર આપ્યો, “મને લાગે છે કે જેને તેણે વિશેષ માફ કર્યું તે.” તેમણે કહ્યું, “તેં વાજબી નિર્ણય કર્યો.” પછી તેમણે પેલી સ્ત્રી તરફ મોં ફેરવીને સિમોનને કહ્યું, “આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગ [ધોવા] ને માટે તેં મને પાણી આપ્યું નહિ; પણ એણે મારા પગ આંસુથી પલાળીને તેમને પોતાના ચોટલાથી લૂછયા છે. તેં મને ચુંબન કર્યું નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારા પગને ચુંબન કર્યા કરે છે. તેં મારે માથે તેલ ચોળ્યું નહિ; પણ એણે મારા પગે અત્તર ચોળ્યું છે. માટે હું તને કહું છું કે, એનાં પાપ ઘણાં છે તે તેને માફ થયાં છે. કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો; પણ જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.” ત્યાર પછી તેમણે એ સ્ત્રીને કહ્યું, “તારાં પાપ માફ થયાં છે.” તેમની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ વિચાર કરવા લાગ્યા કે, “એ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?” પછી તેમણે તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિથી જા.”
પ્રકરણ 18
થોડી મુદત પછી તે શહેરેશહેર તથા ગામેગામ ઉપદેશ કરતા તથા ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા ફર્યા, અને તેમની સાથે બાર શિષ્યો હતા. કેટલીક સ્ત્રીઓ જેઓને ભૂંડા આત્માઓથી તથા મંદવાડમાંથી સાજી કરવામાં આવી હતી, એટલે મગ્દલાની મરિયમ જેનામાંથી સાત ભૂંડા આત્મા નીકળ્યા હતા તે, હેરોદના કારભારી ખૂઝાની પત્ની યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ જેઓ પોતાના પૈસામાંથી તેમની સેવા કરતી હતી તેઓ પણ [તેમની સાથે] હતી.
અને ફરી એટલા બધા લોકો એકત્ર થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા. તે વખતે દુષ્ટાત્મા વળગેલા કોઈ આંધળા, મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા, અને તેમણે તેને સાજો કર્યો, એટલે જે આંધળો તથા મૂંગો હતો તે બોલવા ને જોવા લાગ્યો. અને સર્વ લોકોએ અચરત થઈને કહ્યું, શું એ દાઉદનો દીકરો નથી?” પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું, “દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલ [ની મદદ] વગર તે દુષ્ટાત્માઓને કાઢતો નથી.” અને તેમણે તેઓને પાસે બોલાવીને દ્દષ્ટાંતોમાં તેઓને કહ્યું, “શેતાન શેતાનને કેમ કાઢી શકે? અને જો કોઈ રાજ્યમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે રાજ્ય સ્થિર રહી શક્તું નથી. અને જો કોઈ ઘરમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ. અને જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો. તો પછી તેનું રાજ્ય શી રીતે ટકી રહે?
તમે કહો છો કે, બાલઝબૂલ [ની મદદ] થી હું દુષ્ટાત્માઓને કાઢું છું. જો હું બાલઝબૂલ [ની મદદથી] દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા દીકરાઓ કોનાથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારામાં આવ્યું છે. બળવાનના ઘરમાં પેસી જઈને જો કોઈ તે બળવાનને પહેલાં ન બાંધે તો તે તેનો સરસામાન લૂંટી શક્તો નથી! [પણ તેને બાંધ્યા] પછી તે તેનું લૂંટી લેશે. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, ને જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વેરી નાખે છે.
માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા ઉજ્જડ જગામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. ત્યારે તે કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ, અને જ્યારે તે આવે છે ત્યારે તે ઘરને ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે. પછી તે જઈને પોતાના કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને પોતાની સાથે લેતો આવે છે, ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ભૂંડી થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.’
હું તમને ખરેખર કહું છું કે, માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે જે દુર્ભાષણો તેઓ કરે તે સર્વની તેમને માફી મળશે. પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે, તેને માફી કદી મળશે નહિ! પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહેલો છે! અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરવામાં આવે; આ યુગમાં નહિ, ને આવનાર યુગમાં પણ નહિ. ઝાડ સારું અને તેનું ફળ સારું કરો, અથવા ઝાડ નઠારું ને તેનું ફળ પણ નઠારું કરો, કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે. ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં તમારી વાતો સારી શી રીતે હોઈ શકે? કેમ કે મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે. સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે. વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે. કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે, અને તારી વાતોથી તું અન્યાયી પણ ઠરાવાશે. કેમ કે તેઓ કહેતા હતા, “તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.”
તે આ વાતો કહેતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું, “જે ઉદરમાં તમે રહ્યા, અને જે થાનને તમે ધાવ્યા તેઓને ધન્ય છે!” પણ તેમણે કહ્યું, “તે કરતાં જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!”ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપ્યો, “ઓ ઉપદેશક, અમારે કંઈ નિશાની જોવી છે.” પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પણ યૂના પ્રબોધકની નિશાની સિવાય કોઈ નિશાની તેને અપાશે નહિ. કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટમાં રહેશે. ન્યાયકાળે નિનવેનાં માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભાં રહેશે, ને તેને અ૫રાધી ઠરાવશે, કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે. દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી. પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.
લોકોને તે હજુ વાત સંભળાવતા હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ આવીને બહાર ઊભાં હતાં, ને તેમની સાથે વાત કરવા ઇચ્છતાં હતાં. ત્યારે કોઈએ તેમને કહ્યું, “જુઓ તમારાં મા, ને તમારા ભાઈઓ બહાર ઊભાં છે, ને તેઓ તમારી સાથે વાત કરવા માગે છે.” પણ પેલા કહેનારને તેમણે ઉત્તર આપ્યો, “મારાં મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?” અને જેઓ તેમની આસપાસ બેઠેલા હતા, તેઓની સામે ચારે તરફ જોઈને તે કહે છે, “જુઓ મારાં મા તથા મારા ભાઈઓ! કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી મા છે.” “આ જેઓ ઈશ્વરની વાત સાંભળે છે, તથા પાળે છે તેઓ મારાં મા તથા મારા ભાઈઓ છે.”
પ્રકરણ 19
અને તે સમુદ્રને કાંઠે ફરી બોધ કરવા લાગ્યા. અને અતિ ઘણા લોકો એકત્ર થયા હતા, માટે તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠા; અને બધા લોકો સમુદ્રની પાસે જમીન પર હતા. અને દ્દષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને તેમના બોધમાં તેમણે તેઓને ક્હ્યું, “સાંભળો; જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. અને એમ થયું કે, તે વાવતો હતો ત્યારે કેટલાંક [બી] રસ્તાની કોરે પડ્યાં, ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં. અને બીજાં પથ્થરવાળી જમીનમાં પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી, અને જમીન ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યાં! અને સૂરજ ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયાં; અને તેને જડ ન હતી માટે તે સુકાઈ ગયાં. અને બીજાં કાંટાનાં જાળામાં પડ્યાં! અને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યાં! અને તેણે ફળ ન આપ્યું. અને બીજાં સારી જમીનમાં પડ્યાં; અને તેણે ઊગનારું તથા વધનારું ફળ આપ્યું; ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં.” અને તેમણે તેઓને કહ્યું, “જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.” પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું, “તમે તેઓની સાથે દ્દષ્ટાંતોમાં શા માટે બોલો છો?” અને તેમણે તેઓને કહ્યું, “ઈશ્વરના રાજ્યનો મર્મ તમને આપવામાં આવ્યો છે. પણ જેઓ બહારના છે તેઓને સર્વ વાતો દ્દષ્ટાંતોમાં અપાય છે; એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ! રખેને તેઓ ફરે, ને તેઓને [પાપની] માફી મળે.” કેમ કે જેની પાસે છે તેને અપાશે, ને તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે. અને યશાયાની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે, તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; ને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ.’ કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે; ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને તેઓને આંખે સૂઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે; અને હું તેઓને સાજા કરું. પણ તમારી આંખોને ધન્ય છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનોને [ધન્ય છે] કેમ કે તેઓ સાંભળે છે. કારણ કે હું તમને ખચીત કહું છું કે, તમે જે જે જુઓ છો તે તે ઘણા પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ઇચ્છયાં, પણ જોયાં નહિ, અને તમે જે જે સાંભળો છો તે સાંભળવા તેઓએ ઇચ્છ્યાં, પણ સાંભળ્યાં નહિ.’”
તેમના શિષ્યોએ તેમને પૂછ્યું, “એ દ્દષ્ટાંત [નો અર્થ] શો છે?” અને તે તેઓને કહે છે, “શું તમે આ દ્દષ્ટાંત સમજતા નથી? તો સર્વ દ્દષ્ટાંતો શી રીતે સમજશો? દ્દષ્ટાંત [નો અર્થ] આ છે: બી તો ઈશ્વરનું વચન છે. માર્ગની કોરે પડેલાં તો સાંભળનારા છે; શેતાન આવીને તેઓના મનમાંથી વચન લઈ જાય છે, રખેને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે. પથ્થર પર પડેલાં તો એ છે કે, જેઓ વચન સાંભળીને હર્ષથી તેને માની લે છે, પણ તેઓને મૂળ ન હોવાથી તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, અને પરીક્ષણની વેળાએ પાછા હઠી જાય છે. જે કાંટાઓમાં પડ્યાં તે એ છે કે, જેઓએ વચન સાંભળ્યું અને પોતાને માર્ગે ચાલતાં ચાલતાં સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી. સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે, ને ધીરજથી ફળ આપે છે.
ઈસુએ તેઓની આગળ બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારું બી વાવનાર માણસના જેવું છે. પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વૈરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે છોડવા ઊગ્યા, ને તેમને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા. ત્યારે તે ઘરધણીના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?’ અને તેણે તેઓને કહ્યું, કોઈ વૈરીએ એ કર્યું છે.’ ત્યારે ચાકરોએ તેને કહ્યું, ‘તમારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ.’ પણ તેણે કહ્યું, ‘ના, રખેને તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો. કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, તમે પહેલા કડવા દાણાને એકઠા કરો, ને બાળવા માટે તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.’”
ત્યાર પછી લોકોને મૂકીને તે ઘરમાં ગયા. અને તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, ખેતરના કડવા દાણાના દ્દષ્ટાંતનો અર્થ અમને કહો.” ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે. અને ખેતર જગત છે અને સારાં બી રાજ્યનાં સંતાન છે. પણ કડવા દાણા શેતાનનાં સંતાન છે. અને જે વૈરીએ તે વાવ્યાં તે શેતાન છે. અને કાપણી જગતનો અંત છે. અને કાપનારા દૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકત્ર કરવામાં આવે છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે પણ થશે. માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભૂંડું કરનારાંઓને તેના રાજ્યમાંથી એકત્ર કરશે, અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે. જ્યાં રડવું ને દાંત પીસવું થશે. ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
અને તેમણે કહ્યું, “ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી નાખે; અને રાતદિન ઊંઘે તથા જાગે, અને તે બી ઊગે ને વધે, પણ તે શી રીતે એ તે જાણતો નથી. જમીન તો પોતાની મેળે ફળ આપે છે. પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલામાં પૂરાં દાણા. પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું લગાડે છે, કેમ કે કાપણીનો વખત થયો છે.”અને તેમણે કહ્યું, “ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ? અથવા તેને શાની ઉપમા આપીએ? તે તો રાઈના દાણા જેવું છે! જમીનમાં તે વવાય છે ત્યારે પૃથ્વી પરનાં સર્વ બી કરતાં તે નાનું હોય છે! પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે, ને સર્વ છોડવા કરતાં મોટું થાય છે, ને તેને એવી મોટી ડાળી પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે.” તેમણે તેઓને બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.” એ બધી વાતો ઈસુએ લોકોને દ્દષ્ટાંતોમાં કહી. અને દ્દષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ. જેથી કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, “હું મારું મોં ઉઘાડીને દ્દષ્ટાંતો કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાનાં રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”
વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે, જે એક માણસને જડ્યું. પછી તેણે તે છાનું રાખ્યું, ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું. વળી આકાશનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે. તેને એક અતિ મૂલ્યવાન મોતી મળી આવ્યું, ત્યાર પછી તેણે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું. વળી આકાશનું રાજ્ય જાળના જેવું છે, જેને લોકોએ સમુદ્રમાં નાખી, ને દરેક જાતનું તેમાં સમેટાયું. અને જ્યારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, ને બેસીને જે સારું હતું તે તેઓએ વાસણોમાં એકત્ર કર્યું, પણ નઠારું ફેંકી દીધું. એમ જ જગતને અંતે પણ થશે. દૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદા પાડશે, અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; જ્યાં રડવું ને દાંત પીસવું થશે.” “શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓ તેને કહે છે, “હા”. ત્યારે તેમણે તેઓને કહ્યું, “દરેક શાસ્ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરધણી કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”અને એવાં ઘણાં દ્દષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતા હતા. અને દ્દષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતા નહોતા; પણ તે પોતાના શિષ્યોને એકાંતમાં સર્વ વાતોનો ખુલાસો કરતા.
અને તેમણે તેઓને કહ્યું, વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી, પણ અંદર આવનારાઓને અજવાળું મળે માટે દીવી પર મૂકે છે. કેમ કે જે કંઈ છાનું છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય, અને જે ગુપ્ત રાખેલું તે એ માટે છે કે તે પ્રગટમાં આવે. જો કોઈને સાંભળવાને કાન હોય તો તેણે સાંભળવું.” અને તેમણે તેઓને કહ્યું, “તમે શું સાંભળો છો તે વિષે સાવધાન રહો. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે; અને તમને વધતું અપાશે.માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો.” કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે, ને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે.”
પ્રકરણ 20
અને એમ થયું કે ઈસુ એ દ્દષ્ટાંતો કહી રહ્યા, અને ત્યાંથી નીકળીને પોતાના દેશમાં આવ્યા; અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા. અને વિશ્રામવાર આવ્યો ત્યારે ઈસુ સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાએ એ સાંભળીને છક થઈને કહ્યું, “આ બધું તેમની પાસે ક્યાંથી? અને તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે? અને એમના હાથથી આવાં પરાક્રમી કામો ક્યાંથી થાય છે? શું એ સુથાર નથી? શું એ મરિયમનો દીકરો, યાકૂબ તથા યોસે તથા યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એમની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું, “પોતાના દેશ તથા પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય પ્રબોધક [બીજે સ્થળે] માન વિનાનો નથી.” અને તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં, એ વિના તે ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યા. અને તેઓના અવિશ્વાસને લીધે તે નવાઈ પામ્યા.
અને ઈસુએ લોકોનો મોટો સમુદાય પોતાની આસપાસ ભેગો થયેલો જોયો, ત્યારે સામે પાર જવાની તેમણે આજ્ઞા કરી. અને એક શાસ્ત્રીએ પાસે આવીને તેમને કહ્યું, “ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” ત્યારે ઈસુ તેને કહે છે, “લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, ને માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી.” તેમણે બીજાને કહ્યું, “મારી પાછળ આવ.” પણ તેણે તેમને કહ્યું, “પ્રભુ, મને રજા આપો કે હું પહેલાં જઈને મારા પિતાને દાટું.” પણ તેમણે તેને કહ્યું, “મૂએલાંઓને પોતાનાં મૂએલાંઓને દાટવા દે, પણ તું જઈને ઈશ્વરના રાજ્ય [ની વાત] પ્રગટ કર.” એક બીજાએ પણ તેમને કહ્યું, “પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલવહેલાં જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.” પણ ઈસુએ તેને કહ્યું, “કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.”
અને તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે, “આપણે પેલે પાર જઈએ.”અને હોડી પર તે ચઢયા ત્યારે તેમના શિષ્યો તેમની સાથે ગયા. અને લોકોને મૂકીને તે હતા એમ ને એમ તેઓ તેમને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેમની સાથે હતી. અને પવનનું મોટું તોફાન થયું, ને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી. અને ડબૂસાએ ઓશીકાં પર [માથું ટેકવીને] , તે ઊંઘતા હતા તેઓએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું, “હે સ્વામી, સ્વામી, અમારો નાશ થાય છે.” પછી તેમણે ઊઠીને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તેઓ બંધ પડ્યાં, ને શાંતિ થઈ. અને તેમણે તેઓને કહ્યું, “તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?” તેઓ બીને આશ્ચર્ય પામ્યા, અને અંદરોઅંદર કહ્યું, “આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે, અને તેઓ તેમનું માને છે?”
ગાલીલની સામેના ગેરાસીનીઓના દેશમાં તેઓ જઈ પહોંચ્યા. તે કાંઠે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમને મળ્યો, જેને દુષ્ટાત્માઓ વળગેલા હતા; તે ઘણી મુદતથી લૂગડાં પહેરતો ન હતો, ને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો. કેમ કે તે ઘણી વાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો, ને તે સાંકળો તોડી નાંખતો તથા બેડીઓ ભાંગી નાખતો! અને કોઈ તેને વશ કરી શકતો નહોતો. અને તે નિત્ય રાતદિન પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો રહેતો, ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો, ને તેમને પગે લાગ્યો. અને મોટે અવાજે પોકારીને બોલ્યો, “ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ દઉં છું કે, તમે મને દુ:ખ ન દો.” કેમ કે તેમણે એને કહ્યું હતું, “અરે અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.”
અને તેમણે તેને પૂછ્યું, “તારું નામ શું?” અને તેણે તેમને ઉત્તર આપ્યો, “મારું નામ સેના છે; કેમ કે અમે ઘણા છીએ.” અને એણે તેમને ઘણી વિનંતી કરી કે, તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ. હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. અને તેઓએ તેમને વિનંતી કરી, “તે ભૂંડોમાં અમે પેસીએ માટે અમને તેઓમાં મોકલ.” અને તેમણે તેઓને રજા આપી. અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં પેઠા! અને તે ટોળામાં આશરે બે હજાર [ભૂંડ] હતાં. અને તેઓ કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યાં, ને સમુદ્રમાં ગૂંગળાઈ મર્યાં. જે થયું તે જોઈને ચરાવનારા નાસી ગયા, અને શહેરમાં તથા ગામડામાં તે જાહેર કર્યું. જે થયું તે જોવા માટે લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા. ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્મા નીકળ્યા હતા તેને તેઓએ [વસ્ત્ર] પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો. અને તેઓ બીધા. દુષ્ટાત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહ્યું. ગેરાસીનીઓનાં આસપાસના દેશમાંના સર્વ લોકોએ તેમને વિનંતી કરી કે, અમારી પાસેથી ચાલ્યા જાઓ; કેમ કે તેઓ ઘણા ગભરાઈ ગયા હતા. પછી હોડી પર ચઢીને તે પાછા ગયા. અને તે વહાણમાં ચઢતા હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યા હતા તેણે તેમની સાથે રહેવા માટે વિનંતી કરી. પણ ઈસુએ તેને આવવા ન દીધો, પણ તેને કહે છે, “તારે ઘેર તારાં સગાંઓની પાસે જા ને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, ને તારા પર દયા રાખી તેની ખબર તેઓને આપ.” અને તે ગયો, ને ઈસુએ તેને માટે કેટલું બધું કર્યું હતું તે દશનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને બધા અચંબો પામ્યા.
પ્રકરણ 21
ત્યારે હોડીમાં બેસીને તે સામે પાર ગયા, ને પોતાના નગરમાં આવ્યા, ઈસુ પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો આવકાર કર્યો; કેમ કે બધા તેમની રાહ જોતા હતા. જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, તે સભાસ્થાનનો અધિકારી હતો. તેણે ઈસુને પગે પડીને તેમને વિનંતી કરી, “મારે ઘેર આવો;” કેમ કે તેને આશરે બાર વરસની એકની એક દીકરી હતી અને તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું, “મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો; એ માટે કે તે સાજી થઈને જીવે.” અને તે તેની સાથે ગયા; અને અતિ ઘણા લોકો તેમની પાછળ ચાલ્યા, ને તેમના પર પડાપડી થઈ.
એક સ્ત્રીને બાર વરસથી લોહીવા હતો, તેણે પોતાનો બધો પૈસો વૈદો પાછળ ખરચી નાખ્યો હતો, પણ કોઈ તેને સાજી કરી શક્યું નહોતું. ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું, ને પોતાનું સર્વસ્વ ખરચી નાખ્યું હતું, ને તેને કંઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઊલટું તે વધતી માંદી થઈ હતી. તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પછવાડે આવી, ને તેમના વસ્ત્રને અડકી. કેમ કે તેણે ધાર્યું, “જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈશ.” અને તત્કાળ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો, ને શરીરમાં તેને લાગ્યું કે હું દરદથી સાજી થઈ છું. અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું ઈસુને માલૂમ પડવાથી ઈસુએ તરત લોકની ભીડમાં પાછળ ફરીને કહ્યું, “મારા વસ્ત્રને કોણ અડક્યું?” અને તેમના શિષ્યોએ તેમને કહ્યું, “તમે જુઓ છો કે ઘણા લોકો તમારા પર પડાપડી કરે છે, ને શું તમે એમ કહો છો કે ‘મને કોણ અડક્યું?’” અને જેણે એ કામ કર્યું હતું તેને જોવા માટે તેમણે આસપાસ નજર ફેરવી. પણ ઈસુએ તેઓને કહ્યું, “કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.” જ્યારે તે સ્ત્રીએ જાણ્યું, ‘હું ગુપ્ત રહી નથી,’ ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમના પગ આગળ પડીને શા કારણથી તે તેમને અડકી હતી, અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ તેમને કહી સંભળાવ્યું. અને તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.”
તે હજી બોલતા હતા એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકોએ આવીને કહ્યું, “તમારી દીકરી તો મરી ગઈ છે; હવે તમે ઉપદેશકને તસ્દી શું કરવા આપો છો?”પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ગભરાઈશ નહિ. માત્ર વિશ્વાસ કર, એટલે તે સાજી થશે.” તે ઘરમાં આવ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન તથા છોકરીનાં માતાપિતા સિવાય તેમણે કોઈને પોતાની સાથે અંદર આવવા દીધું નહિ. છોકરીને માટે બધાં રડતાં તથા વિલાપ કરતાં હતાં. પણ તેમણે તેઓને કહ્યું, “રડો નહિ; કેમ કે તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે.” તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ તેમને હસી કાઢ્યા. પણ તેમણે તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું, “હે છોકરી, ઊઠ.” તેનો આત્મા પાછો આવ્યો, ને તે તરત ઊઠી. અને તેમણે તેને ખાવાનું આપવાનો હુકમ કર્યો. તેનાં માબાપ તો આભાં જ થઈ ગયાં! પણ તેમણે તેઓને આજ્ઞા આપી, “જે થયું તે કોઈને કહેતા ના.”
અને ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે આંધળા તેમની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા, “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો.” અને ઘરમાં તે આવ્યા, ત્યારે તે આંધળાઓ તેમની પાસે આવ્યા. અને ઈસુ તેઓને કહે છે, “હું એ કરી શકું છું. એવો તમને વિશ્વાસ છે શું?” તેઓ તેમને કહે છે “હા, પ્રભુ.” ત્યારે તે તેઓની આંખોને સ્પર્શ કરીને કહે છે, “તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.” અને તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી, “જોજો, કોઈ જાણે નહિ.” પણ તેઓએ બહાર જઈને તે આખા દેશમાં તેમની કીર્તિ ફેલાવી.
પ્રકરણ 22
અને ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને દરેક [પ્રકારનો] રોગ તથા દરેક [પ્રકારની] બીમારી દૂર કરતા બધાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા. અને લોકોને જોઈને તેમને તેઓ પર દયા આવી. કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા. ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે, “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.” પછી તેમણે પોતાના બાર શિષ્યોને પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારની માંદગી તથા હરેક જાતનો રોગ દૂર કરવાનો અધિકાર તેઓને આપ્યો. વળી ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરવા તથા માંદાઓને સાજાં કરવા તેમણે તેઓને મોકલ્યા.
ઈસુએ તે બારને મોકલીને એવી આજ્ઞા આપી, “તમે પરદેશીઓના વિસ્તારોમાં ન જાઓ ને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો. પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ. અને તમે જતાં જતાં એમ પ્રસિદ્ધ કરો કે, ‘આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.’ માંદાંઓને સાજાં કરો, રક્તપિત્તીઓને શુદ્ધ કરો, મૂએલાંઓને ઉઠાડો, અશુદ્ધ આત્માઓને કાઢો:તમે મફત પામ્યા, મફત આપો. સોનું કે રૂપું કે તાંબુ તમારા કમરબંધમાં ન રાખો. મુસાફરીને માટે ઝોળી અથવા બે પહેરણ અથવા જોડા, અથવા લાકડી પણ ન લો. કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે. અને જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ને ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો. અને ઘરમાં જઈને ઘરનાંને સલામ કહો. અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવશે, પણ જો તે યોગ્ય નહિ હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે. અને જો કોઈ તમારો આવકાર ન કરે, ને તમારી વાતો ન સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો. હું તમને ખચીત કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરનાં કરતાં સહેલ થશે.
જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું. માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ. અને તમે માણસોથી સાવધાન રહો. કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, ને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે. અને તેઓને તથા વિધર્મીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો. પણ જ્યારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કે અમે શી રીતે અથવા શું બોલીએ, કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને આપવામાં આવશે. કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ તમારા પિતાનો જે આત્મા તે તમારામાં બોલે છે. કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તે જ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે.” અને ભાઈ ભાઈને તથા પિતા દીકરાને મારી નંખાવવાને સોંપી દેશે, ને છોકરાં માબાપની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે. અને મારા નામને માટે સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે. અને જ્યારે તેઓ એક નગરમાં તમારી પાછળ પડે ત્યારે તમે બીજે નાસી જાઓ, કેમ કે હું તમને ખચીત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલના સઘળાં નગરોમાં તમે ફરી વળશો નહિ. ચેલો ગુરુ કરતાં મોટો નથી, ને દાસ પોતાના શેઠ કરતાં મોટો નથી. ચેલો પોતાના ગુરુ સરખો હોય, ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે. જો ઘરના ઘણીને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે? તે માટે તેઓથી તમે બીહો નહિ,
એટલામાં હજારો લોકો એકત્ર થયા, તે એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા, ત્યારે સૌથી પહેલાં તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યા, “ફરોશીઓના ખમીરથી સાવધાન રહો; તે તો ઢોંગ છે. પણ પ્રગટ નહિ કરાશે એવું કંઈ ઢંકાયેલું નથી; અને જેની જાણ નહિ થાય એવું કંઈ ગુપ્ત નથી. માટે જે કંઈ તમે અધિકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબા પર પ્રગટ કરાશે, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, ને પ્રગટ નહિ થશે એવું કંઈ ગુપ્ત નથી. હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, ને તમે કાને જે સાંભળો છો તે ધાબાંઓ પરથી પ્રગટ કરો.
મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને તે પછી બીજું કંઈ કરી ન શકે, તેઓથી બીશો નહિ. પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને ચેતવું છું. મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેને અધિકાર છે તેનાથી બીહો; હા હું તમને કહું છું કે, તેનાથી બીહો. અને શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો નહિ; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો. પૈસાની બે ચકલી વેચાતી નથી શું? તોપણ તમારા પિતા [ની ઇચ્છા] વગર તેમાંથી એકેય ભોંય પર પડનાર નથી. અને તમારા માથાના વાળ પણ બધા ગણેલા છે. એટલે બીહો નહિ, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ. પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે, તેનો નકાર હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કરીશ.
‘પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું, એમ ન ધારો; શાંતિ તો નહિ, પણ તરવાર ચલાવવાને હું આવ્યો છું. કેમ કે માણસને તેના બાપને ઊલટો, તથા દીકરીને તેની માને ઊલટી, તથા વહુને તેની સાસુને ઊલટી કરવાને હું આવ્યો છું. અને માણસના વૈરી તેના ઘરમાંનાં જ થશે. મારા કરતાં જે પિતા અથવા મા પર વત્તો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. અને દીકરા કે દીકરી પર જે મારાં કરતાં વત્તો પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી. અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી. જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે, ને મારે લીધે જે પોતાનો જીવ ખુએ છે તે તેને બચાવશે. ‘જે તમારો આવકાર કરે છે તે મારો પણ આવકાર કરે છે, ને જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે. પ્રબોધકનો પ્રબોધક તરીકે જે આવકાર કરે છે, તે પ્રબોધકનું ફળ પામશે; અને ન્યાયીનો ન્યાયી તરીકે જે આવકાર કરે છે તે ન્યાયીનું ફળ પામશે. અને હું તમને ખચીત કહું છું કે શિષ્ય તરીકે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપે, તે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહિ.” અને ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓનાં નગરોમાં ગયા. તેઓ ત્યાંથી નીકળ્યા, અને ગામેગામ સુવાર્તા પ્રગટ કરતા તથા સર્વ ઠેકાણે રોગ મટાડતા ગયા. એવો ઉપદેશ આપ્યો, પસ્તાવો કરો.” અને તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યા ને ઘણાં માદાંઓને તેલ ચોળીને તેઓને સાજાં કર્યાં. અને પ્રેરિતો ઈસુની પાસે એકત્ર થાય છે, ને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેઓએ તેમને કહી સંભળાવ્યું.
પ્રકરણ 23
એ પછી ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસનો [કહેવાય] છે, તેને પેલે પાર ઈસુ ગયા. લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે માંદાઓ પર જે ચમત્કાર કર્યા હતા, તે તેઓએ જોયા હતા. અને લોકોએ તેઓને જતાં જોયા, ને ઘણાએ તેમને ઓળખ્યા, ને સર્વ શહેરોમાંથી પગે દોડીને તેઓ ત્યાં એકઠા થયા, ને તેઓની આગળ જઈ પહોંચ્યા. અને ઈસુએ નીકળીને અતિ ઘણા લોકોને જોયા, ને તેમને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા. અને તે તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યા. તેઓને ઈશ્વરના રાજ્ય સંબંધી વાત કરી, અને જેઓને સાજાં થવાની જરૂર હતી તેઓને સાજાં કર્યાં. અને સાંજ પડી ત્યારે તેમના શિષ્યો તેમની પાસે આવીને કહે છે, “આ સ્થળ ઉજ્જડ છે, ને હવે વખત થઈ ગયો છે. માટે લોકોને વિદાય કરો કે જેથી તેઓ ગામોમાં જઈને પોતાને માટે ખાવાનું વેચાતું લે.” પણ ઈસુએ તેઓને કહ્યું, “તેઓને જવાની જરૂર નથી. તમે તેઓને ખાવાનું આપો.” માટે ઈસુ પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને પૂછે છે, “તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?” પણ તેમણે તેને પારખવા માટે એ પૂછયું; કેમ કે તે શું કરવાના હતા, તે તે પોતે જાણતા હતા. ફિલિપે તેમને ઉત્તર આપ્યો, “બસો દીનારની રોટલી તેઓને માટે બસ નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે “શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?” પણ તે તેઓને કહે છે, “તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ, તેમના શિષ્યોમાંનો એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે, “એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી, અને બે માછલી છે; પણ તે આટલાં બધાંને કેમ પહોંચે?” ત્યારે ઈસુએ કહ્યું, “તે અહીં મારી પાસે લાવો.” પણ તે તેઓને કહે છે, “તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ,” અને ખબર કાઢ્યા પછી તેઓ તેમને કહે છે, “પાંચ તથા બે માછલી.” અને તેમણે તેઓને હુકમ કર્યો, “બધાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.” પછી પાંચ રોટલી અને બે માછલી લઈને તેમણે આકાશ તરફ જોઈને તેઓને આશીર્વાદ આપ્યો, અને તે ભાંગીને લોકને પીરસવા માટે શિષ્યોને આપી. તેઓ ધરાયા પછી તે પોતાના શિષ્યોને કહે છે, “કંઈ નકામું ન જાય માટે છાંડેલા કકડા એકઠા કરો” તે માટે તેઓએ તે એકઠા કર્યા, અને તે જવની પાંચ રોટલીમાંના જે છાંડેલા કકડા જમનારાઓએ રહેવા દીધા હતા, તેઓની બાર ટોપલી ભરી. અને જેઓએ ખાધું તેઓ સ્રીછોકરાં ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા. માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું, “જે પ્રબોધક જગતમાં આવનાર છે, તે ખરેખર આ જ છે.”
લોકો આવીને મને રાજા કરવા માટે જબરદસ્તીથી પકડવાના છે, અને તરત તેમણે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા, ને તેઓને પોતાની આગળ સામે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયા, અને સાંજ પડી ત્યારે તે હજી એકલા હતા. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. અને પવન સામો હોવાને કારણે તેઓ હલેસાં મારતાં હેરાન થાય છે, એ જોઈને, આશરે રાતને ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવે છે, ને જાણે તેઓથી આગળ જવાનું તેમણે કર્યું. અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને ધાર્યું, “એ તો આભાસ છે ને બૂમ પાડી. કેમ કે સહુ તેમને જોઈને ગભરાયા અને તરત તે તેઓની સાથે વાત કરીને તેઓને કહે છે, “હિમ્મત રાખો, એ તો હું છું; બીહો નહિ.”
ત્યારે પિતરે તેમને ઉત્તર આપ્યો, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” અને તેમણે કહ્યું, “આવ.” ત્યારે પિતર હોડી પરથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પણ પવન જોઈને તે બીધો, ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી, “ઓ પ્રભુ, મને બચાવો.” અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો, ને તેને કહે છે, “અરે અલ્પવિશ્વાસી, તેં સંદેહ કેમ આણ્યો?” અને તેઓ હોડીમાં ચઢ્યા એટલે પવન બંધ પડ્યો. અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમને પગે લાગીને કહ્યું, ખચીત તમે ઈશ્વરના દીકરા છો.” અને તેઓ અતિશય વિસ્મિત થયા, કેમ કે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહિ, પણ તેઓનાં મન કઠણ રહ્યાં. અને તેઓ પાર જઈને ગેન્નેસારેત દેશમાં આવ્યા, ને તેઓએ કિનારે લંગર કર્યું, અને તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે લોકોએ તેમને તરત ઓળખ્યા, ને ચોતરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં લઈને તેઓ ત્યાં લાવવા લાગ્યા. અને તે જે જે ગામોમાં કે શહેરોમાં કે પરાંઓમાં આવ્યા, ત્યાં તેઓએ માંદાઓને ચૌટાઓમાં રાખ્યા, ને તેમને વિનંતી કરી, “તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો:” અને જેટલા તેમને અડક્યા તેટલા સાજા થયા.
પ્રકરણ 24
બીજે દિવસે જે લોકો સમુદ્રને પેલે પાર ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી, અને તે હોડી પર ઈસુ પોતાના શિષ્યો સાથે ચઢયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા. (તોપણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી [બીજી] હોડીઓ આવી.) માટે જ્યારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપર-નાહૂમ આવ્યા. પછી સમુદ્રને પેલે પાર તેઓએ તેમને મળીને તેમને પૂછયું, “રાબ્બી, તમે ક્યારે અહીં આવ્યા?” ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, તમે ચમત્કાર જોયા તે માટે તમે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને ઘરાયા તે માટે [શોધો છો]. જે અન્ન નાશવંત છે તેને માટે નહિ, પણ જે અન્ન અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વર પિતાએ તેના પર મહોર કરી છે.” ત્યારે તેઓએ તેમને પૂછયું, “અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?” ઈસુએ તેઓને કહ્યું, “જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.” માટે તેઓએ તેમને કહ્યું, “તમે શો ચમત્કાર દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો? અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, ‘તેમણે આકાશમાંથી તેઓને ખાવાની રોટલી આપી.’ ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, તે રોટલી મૂસાએ આકાશમાંથી તમને આપી નથી. પણ આકાશમાંથી જે ખરી રોટલી [આવે] છે, તે મારા પિતા તમને આપે છે. કેમ કે આકાશમાંથી જે ઊતરીને જગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.” ત્યારે તેઓએ તેમને કહ્યું, “પ્રભુ, તે રોટલી સદા અમને આપો.” ઈસુએ તેઓને કહ્યું, “જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે. પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ નથી કરતા. પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ. કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને આકાશથી ઊતર્યો છું. જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે આપ્યું છે, તે સર્વમાંથી હું કંઈ ખોઉં નહિ, પણ છેલ્લે દિવસે તેને પાછું ઉઠાડું. કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.એ માટે યહૂદીઓએ તેમને વિષે કચકચ કરી, કેમ કે તેમણે કહ્યું હતું, “આકાશમાંથી ઊતરેલી રોટલી હું છું.” તેઓએ કહ્યું, “યૂસફનો દીકરો, ઈસુ જેનાં માબાપને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, આકાશમાંથી હું ઊતર્યો છું?” ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે અંદરોઅંદર કચકચ ન કરો. જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો. અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. પ્રબોધક [નાં પુસ્તકો] માં એમ લખેલું છે કે, ‘તેઓ સર્વ ઈશ્વરથી શીખેલા થશે. જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે. કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી. ઈશ્વરની પાસેથી જે આવ્યો છે તેણે જ પિતાને જોયા છે. હું તમને ખચીત ખચીત કહું છું કે, જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે. હું જીવનની રોટલી છું. તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મરી ગયા. જે રોટલી આકાશમાંથી ઊતરે છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મરે નહિ. જે જીવતી રોટલી આકાશમાંથી ઊતરી છે તે હું છું. જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે. વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે જગતના જીવનને માટે હું આપીશ. એ માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું, “એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?” ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે. અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. કેમ કે મારું માંસ ખરેખરું ખાવાનું છે, અને મારું લોહી ખરેખરું પીવાનું છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે, અને હું પિતાને આશરે જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે આશરે જીવશે. જે રોટલી આકાશમાંથી ઊતરી તે એ જ છે. જેમ તમારા પૂર્વજો ખાઈને મરી ગયા તેવી એ નથી. આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે.” તેમણે કપર-નાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી. એ માટે તેમના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું, “આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે?” પણ મારા શિષ્યો એ વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણી લઈને તેઓને કહ્યું, “શું એ તમને ઠોકર ખવડાવે છે? ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ? જે જિવાડે છે તે આત્મા છે. માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે. પણ તમારામાંના કેટલાક અવિશ્વાસીઓ છે.” કેમ કે કોણ અવિશ્વાસીઓ છે, અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, એ ઈસુ પ્રથમથી જાણતા હતા. તેમણે કહ્યું, “મેં એ જ કારણથી તમને કહ્યું હતું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.” આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાક પાછા જઈને ત્યાર પછી તેમની સાથે ચાલ્યા નહિ. તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછયું, “શું તમે પણ જતા રહેવા ચાહો છો?” સિમોન પિતરે તેમને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે જ છો.” ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમ બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંનો એક જણ તો શેતાન છે.” તેમણે તો સિમોનના [દીકરા] યહૂદા ઇશ્કરિયોત વિષે તે કહ્યું; કેમ કે એ, બારમાંનો એક છતાં, તેમને પરસ્વાધીન કરનાર હતો.
પ્રકરણ 25
એ પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતા હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા. હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું. માટે તેમના ભાઈઓએ તેમને કહ્યું, “અહીંથી નીકળીને યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ. કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી. જો તમે એ કામો કરો છો, તો જગતની આગળ પોતાને જાહેર કરો.” કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો. ત્યારે ઈસુ તેઓને કહે છે, “મારો સમય હજી આવ્યો નથી. પણ તમને સર્વ સમય સરખા છે. જગત તમારો દ્વેષ કરી નથી શક્તું પણ મારો તો તે દ્વેષ કરે છે. કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ ભૂંડા છે. તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પૂરો થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.” તે તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.
પરંતુ તેમના ભાઈઓ પર્વમાં ગયા પછી તે પણ પ્રગટરૂપે તો નહિ, પણ જાણે કે છાની રીતે ત્યાં ગયા. ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું, “તે કયાં છે?” તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી, કેમ કે કેટલાકે કહ્યું, “તે ભલા માણસ છે.” બીજાઓએ કહ્યું, “એમ નથી, પણ લોકોને તે ભુલાવે છે.” તોપણ યહૂદીઓના ધાકને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે બોલ્યું નહિ. પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ મંદિરમાં જઈને બોધ કર્યો. ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું, “એ માણસ કદી પણ શીખ્યા નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?” માટે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે. જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું. જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે. તે જ ખરો છે, અને તેનામાં કંઈ અન્યાય નથી. શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?” લોકોએ ઉત્તર આપ્યો, “તારામાં અશુદ્ધ આત્મા છે. કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?” ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં એક કામ કર્યું, અને તમે બધા આશ્ચર્ય પામ્યા છો. આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે (તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે); અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો. મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય, એટલા માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો? દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ યથાર્થ ન્યાય કરો.”
ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું, “જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી? પણ જુઓ, એ તો પ્રગટ રીતે બોલે છે, અને તેઓ તેમને કંઈ કહેતા નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે? તોપણ અમે એ માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી [આવેલો] છે. પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી [આવ્યો] છે.એ માટે ઈસુએ મંદિરમાં બોધ કરતાં બુલંદ સ્વરે કહ્યું, “તમે મને જાણો છો, અને હું ક્યાંથી [આવ્યો] છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી જાતે આવ્યો નથી, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી. હું તેમને જાણું છું, કેમ કે હું તેમની પાસેથી [આવ્યો] છું, અને તેમણે મને મોકલ્યો છે.” માટે તેઓએ તેમને પકડવાને પ્રયત્ન કર્યો. પણ તેમનો સમય હજી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ. પણ લોકોમાંથી ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો. અને તેઓએ કહ્યું, “ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કાર કર્યા છે તે કરતાં શું તે વધારે કરશે?” તેમને વિષે લોકો એવી કચકચ કરતા હતા, એ ફરોશીઓએ સાંભળ્યું. ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને ભાલદારો મોકલ્યા.
ત્યારે ઈસુએ કહ્યું, “હજી થોડી વાર હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું. તમે મને શોધશો, પણ હું તમને નહિ મળીશ, અને જયાં હું જાઉં છું, ત્યાં તમે આવી નથી શકતા.” ત્યારે યહૂદીઓએ અંદરોઅંદર કહ્યું, “આ માણસ ક્યાં જશે કે આપણને જડશે જ નહિ? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે? ‘તમે મને શોધશો, પણ હું તમને નહિ મળીશ; અને જયાં હું જાઉં છું, ત્યાં તમે આવી નથી શકતા’ એવી જે વાત તેણે કહી તે શી છે?” હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.” પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો.
તે માટે લોકોમાંથી કેટલાકે એ વાતો સાંભળીને કહ્યું, આવનાર પ્રબોધક ખચીત એ જ છે.” બીજાઓએ કહ્યું, “એ જ ખ્રિસ્ત છે.” પણ કેટલાકે કહ્યું, “શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે? શું શાસ્ત્રમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?” એ માટે તેને વિષે લોકોમાં ફૂટ પડી. તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું. પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ.ત્યારે ભાલદારો મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા. તેઓએ તેઓને પૂછયું, “તમે તેને કેમ લાવ્યા નહિ?” ભાલદારોએ ઉત્તર આપ્યો, “એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.” ત્યારે ફરોશીઓએ તેઓને કહ્યું “શું તમે પણ ભુલાવો ખાધો? અધિકારીઓમાંથી અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે? પણ આ જે લોક નિયમશાસ્ત્ર જાણતા નથી તેઓ શાપિત છે.” નિકોદેમસ (તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે) તેઓને પૂછે છે, “માણસનું સાંભળ્યા અગાઉ, અને તે જે કરે છે તે જાણ્યા વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય ઠરાવે છે?” તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું પણ શું ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.”
પ્રકરણ 26
પણ ઈસુ જૈતૂનના પહાડ પર ગયા. પરોઢિયે તે ફરી મંદિરમાં આવ્યા ત્યારે બધા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે બેસીને તેઓને બોધ કર્યો. ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે; અને તેને વચમાં ઊભી રાખીને, તેઓ તેમને કહે છે, “ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. હવે મૂસાના નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, એવી સ્ત્રીઓને પથ્થરે મારવી. તો તમે તેને વિષે શું કહો છો?” પણ તેમના પર દોષ મૂકવાનું [કારણ] તેમને મળી આવે માટે તેમનું પરીક્ષણ કરતાં તેઓએ એ પૂછયું. પણ ઈસુએ નીચા વળીને જમીન પર આંગળીએ લખ્યું. તેઓએ તેમને પૂછયા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું, “તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે.” ફરી તેમણે નીચા વળીને આંગળી વડે જમીન પર લખ્યું. તેઓ એ સાંભળીને ઘરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા, અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રાખેલી સ્ત્રીને મૂકી ગયા. ત્યારે ઈસુ ઊભા થયા, અને તેને પૂછયું, “બહેન, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?” તેણે કહ્યું, “પ્રભુ, કોઈએ નહિ.” ત્યારે ઈસુએ કહ્યું, “હું પણ તને દોષિત નથી ઠરાવતો. તું ચાલી જા; હવેથી પાપ કરતી ના.”
ઈસુએ ફરી તેઓને કહ્યું, “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.” ત્યારે ફરોશીઓએ તેમને કહ્યું, “તમે તમારે પોતાને વિષે સાક્ષી આપો છો; તમારી સાક્ષી ખરી નથી.” ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી ખરી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું, અને ક્યાં જાઉં છું, એ હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અથવા ક્યાં જાઉં છું. તમે દેહ પ્રમાણે ન્યાય કરો છો. હું કોઈનો ન્યાય કરતો નથી. વળી જો હું ન્યાય કરું તો મારો ન્યાય ખરો છે, કેમ કે હું એકલો નથી, પણ હું તથા પિતા જેમણે મને મોકલ્યો છે [તે બન્ને છીએ]. વળી તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે, ‘બે માણસની સાક્ષી ખરી છે. હું મારા પોતાના વિષે સાક્ષી આપનાર છું, અને પિતા જેમણે મને મોકલ્યો છે તે મારે વિષે સાક્ષી આપે છે.” ત્યારે તેઓએ તેમને પૂછયું, “તમારા પિતા ક્યાં છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.” મંદિરમાં તે બોધ કરતા હતા ત્યારે તેમણે ભંડાર આગળ એ વાતો કહી, પણ કોઈએ તેમને પકડયા નહિ; કેમ કે તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો.
તેથી તેમણે તેઓને ફરીથી કહ્યું, “હું જવાનો છું, અને તમે મને શોધશો, અને તમે તમારાં પાપમાં મરશો. જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.” તેથી યહૂદીઓએ કહ્યું, “શું તે આપઘાત કરશે? કેમ કે તે કહે છે કે, જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શક્તા નથી.” તેમણે તેઓને કહ્યું, “તમે નીચેના છો, હું ઉપરનો છું, તમે આ જગતના છો, હું આ જગતનો નથી. એ માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપમાં મરશો; કેમ કે હું [તે] છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપમાં મરશો.” તે માટે તેઓએ તેમને પૂછયું, “તમે કોણ છો?” ઈસુએ તેઓને કહ્યું, “પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ. મારે તમારે વિષે કહેવાનું તથા [તમારો] ન્યાય કરવાનું ઘણું છે. તોપણ જેમણે મને મોકલ્યો છે, તે ખરા છે. અને મેં તેમની પાસેથી જે વાતો સાંભળી છે, તે હું જગતને કહું છું.” તે અમારી સાથે પિતા વિષે વાત કરે છે, તે તેઓ સમજ્યા નહિ. તે માટે ઈસુએ કહ્યું, “જયારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું [તે જ] છું, અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું એ વાતો કહું છું. વળી જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેમણે મને એકલો મૂક્યો નથી, કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.”
તે એ વાતો કહેતા હતા, ત્યારે ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો. અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.” તેઓએ તેમને ઉત્તર આપ્યો, “અમે ઇબ્રાહિમના વંશજો છીએ, અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી. તો તમે કેમ કહો છો કે, ‘તમને મુક્ત કરવામાં આવશે?’” ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જે કોઈ પાપ કર્યા કરે છે, તે પાપનો દાસ છે. હવે જે દાસ છે તે હંમેશાં ઘરમાં રહેતો નથી, પણ દીકરો હંમેશાં રહે છે. માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો. તમે ઇબ્રાહિમના વંશજો છો એ હું જાણું છું. પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો. મેં [મારા] પિતાની પાસે જે જોયું છે, તે હું કહું છું. અને તમે પણ [તમારા] પિતાની પાસેથી જે સાંભળ્યું છે, તે તમે કરો છો.” તેઓએ ઉત્તર આપ્યો, “ઇબ્રાહિમ અમારો પિતા છે.” ઈસુ તેઓને કહે છે, “જો તમે ઇબ્રાહિમના સંતાન હો, તો ઇબ્રાહિમનાં કામ કરો. પણ મને, એટલે ઈશ્વરની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને, તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો. ઇબ્રાહિમે એવું કર્યું નહોતું. તમે તમારા પિતાનાં કામ કરો છો.” તેઓએ તેમને કહ્યું, “અમે વ્યભિચારથી જન્મ્યા નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.” ઈસુએ તેઓને કહ્યું, “જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત, કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. તમે તમારા પિતા શેતાનના છો, અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો, અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ. જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો, અને જૂઠાનો પિતા છે. પણ હું સત્ય કહું છું, તેથી તમે મારું માનતા નથી. તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું, તો શા માટે તમે મારું માનતા નથી? જે ઈશ્વરનો છે, તે ઈશ્વરનાં વચન સાંભળે છે. તમે ઈશ્વરના નથી, માટે તમે એ સાંભળતા નથી.”
યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો, “તું સમરૂની છે, અને તારામાં અશુદ્ધ આત્મા છે, એ અમારું કહેવું શું વાજબી નથી?” ઈસુએ ઉત્તર આપ્યો, “મારામાં અશુદ્ધ આત્મા નથી, પણ હું મારા પિતાને માન આપું છું, અને તમે મારું અપમાન કરો છો. પણ હું મારું પોતાનું માન શોધતો નથી શોધનાર તથા ન્યાય કરનાર એક છે. હું તમને ખચીત ખચીત કહું છું કે, જો કોઈ મારું વચન પાળે, તો તે કદી મૃત્યુ જોશે નહિ.” યહૂદીઓએ તેમને કહ્યું, “તારામાં અશુદ્ધ આત્મા છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે. પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચન પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ. શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટો છે? તે તો મરણ પામ્યા છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે; તું કોણ હોવાનો દાવો કરે છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું પોતાને માન આપું, તો મારું માન કંઈ જ નથી; મને માન આપનાર તો મારા પિતા છે, જેના વિષે તમે કહો છો કે, ‘તે અમારો ઈશ્વર છે.’ વળી તમે તેમને ઓળખ્યા નથી; પણ હું તેમને ઓળખું છું; જો હું કહું કે હું તેમને નથી ઓળખતો, તો હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેમને ઓળખું છું, અને તેમનું વચન પાળું છું. તમારા પિતા ઇબ્રાહિમ મારો સમય જોવા ની આશાથી હર્ષ પામ્યા; ને તે જોઈને તેમને આનંદ થયો.” ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું, “હજી તો તું પચાસ વરસનો થયો નથી, અને શું તેં ઇબ્રાહિમને જોયા છે?” ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા પહેલાંનો હું છું.” ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા, પણ ઈસુ સંતાઈ જઈને મંદિમાંથી બહાર નીકળી ગયા.
પ્રકરણ 27
તે રસ્તે જતા હતા એવામાં તેમણે એક જન્મથી આંધળા માણસને જોયો. તેમના શિષ્યોએ તેમને પૂછયું, “રાબ્બી, જે પાપને લીધે એ માણસ આંધળો જનમ્યો, તે [પાપ] કોણે કર્યું? એણે કે એનાં માતાપિતાએ?” ઈસુએ ઉત્તર આપ્યો, “એણે કે એનાં માતાપિતાએ પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમનાં કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી. જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું.” એમ કહીને તે જમીન પર થૂંક્યા, અને તે થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તે આંધળા ની આંખો પર ચોપડયો. અને તેને કહ્યું કે, તું જઈને શિલોઆહ [અર્થાત મોકલેલા] ના કુંડમાં ધો.” ત્યારે તે ગયો, અને ધોઈને દેખતો થઈને ઘેર આવ્યો. તે ઉપરથી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું, “જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?” કેટલાકે કહ્યું, “હા, એ તે જ છે.” બીજાઓએ કહ્યું, “ના, પણ તે તેના જેવો છે.” તેણે પોતે કહ્યું. “હું તે જ છું.” તેથી તેઓએ તેને પૂછયું, “ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી ગઈ?” તેણે ક્હ્યું, “જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ કર્યો, અને મારી આંખો પર ચોપડીને મને કહ્યું કે, તું શિલોઆહ ના કુંડ માં જઈને ધો; માટે હું ગયો અને ધોઈને દેખતો થયો.” ત્યારે તેઓએ તેને પૂછયું, “તે ક્યાં છે?” તેણે કહ્યું, હું જાણતો નથી.”
જે અગાઉ આંધળો હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લઈ આવ્યા. હવે જે દિવસે ઈસુએ કાદવ કરીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસે વિશ્રામવાર હતો. તે માટે ફરોશીઓએ પણ ફરીથી તેને પૂછયું, “તું શી રીતે દેખતો થયો?” તેણે તેઓને કહ્યું, “તેણે મારી આંખો પર કાદવ ચોપડયો, અને હું ધોઈને દેખતો થયો છું.” તેથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું, “તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી.” પણ બીજાઓએ કહ્યું, “પાપી માણસ એવા ચમત્કાર શી રીતે કરી શકે?” એમ તેઓમાં બે પક્ષ પડયા. તેથી તેઓ ફરીથી તે આંધળાને પૂછે છે, “તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?” ત્યારે તેણે કહ્યું, “તે પ્રબોધક છે.” પણ યહૂદીઓએ તે દેખતાં થયેલાનાં માતાપિતાને તેડાવ્યાં ત્યાં સુધી તે આંધળો હતો, અને દેખતો થયો છે એમ તેઓએ માન્યું નહિ. તેઓએ તેમને પૂછયું, “શું એ તમારો દીકરો છે કે, જેને વિષે તમે કહો છો કે, એ જન્મથી આંધળો હતો? તો હવે એ શી રીતે દેખતો થયો છે?” તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો, “એ અમારો દીકરો છે, અને એ જન્મથી આંધળો હતો એ અમે જાણીએ છીએ. પણ હમણાં એ શી રીતે દેખતો થયો છે, તે અમે જાણતાં નથી, તેમ જ એની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતાં નથી. એ પુખ્ત ઉંમરનો છે. એને પૂછો, એ પોતે કહેશે.” તેનાં માતપિતા યહૂદીઓથી બીતાં હતાં માટે તેઓએ એમ કહ્યું, કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. તે માટે તેનાં માતાપિતાએ કહ્યું હતું, “એ પુખ્ત ઉંમરનો છે; એને પોતાને પૂછો.”
તેથી જે આંધળો હતો, તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, “ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.” ત્યારે તેણે ઉત્તર આપ્યો, “તે પાપી છે કે નહિ, એ હું જાણતો નથી. એક વાત હું જાણું છું કે, હું આંધળો હતો અને હવે હું દેખતો થયો છું.” ત્યારે તેઓએ તેને પૂછયું, “તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?” તેણે તેઓને ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ચાહો છો?” ત્યારે તેઓએ તેની નિંદા કરીને કહ્યું, “તું તેનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ. ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, એ અમે જાણીએ છીએ. પણ એ માણસ ક્યાંનો છે, તે અમે જાણતા નથી.” તે માણસે ઉત્તર આપ્યો, “એ તો અજાયબ જેવું છે કે, તેણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનો છે, એ તમે જાણતા નથી. આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી. પણ જો કોઈ ઈશ્વરનો ભક્ત હોય, અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તેનું તે સાંભળે છે. જગતના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી આંધળા માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. જો એ માણસ ઈશ્વરની પાસેથી આવ્યો ન હોત, તો તે કંઈ પણ કરી શક્ત નહિ.” તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે, અને શું તું અમને બોધ કરે છે?” પછી તેઓએ તેને કાઢી મૂક્યો.
તેઓએ તેને કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધી કાઢીને પૂછયું, “શું તું ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે?” તેણે ઉત્તર આપ્યો, “હે પ્રભુ, તે કોણ છે કે હું તેમના પર વિશ્વાસ કરું?” ઈસુએ તેને કહ્યું, “તેં તેમને જોયા છે, અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.” તેણે કહ્યું, “પ્રભુ, હું વિશ્વાસ કરું છું.” પછી તેણે તેમનું ભજન કર્યું. ત્યારે ઈસુએ કહ્યું, “જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય, માટે ન્યાયને માટે હું આ જગતમાં આવ્યો છું.” જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ એ વાતો સાંભળીને તેમને પૂછયું, “તો શું અમે પણ આંધળા છીએ?” ઈસુએ તેઓને કહ્યું, “જો તમે આંધળા હોત તો તમને પાપ ન લાગત, પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ,’ માટે તમારું પાપ કાયમ રહે છે.”
પ્રકરણ 28
હું તમને ખચીત ખચીત કહું છું, “જે બારણામાંથી ઘેટાંના વાડામાં પેસતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી ચઢે છે, તે ચોર તથા લૂંટારો છે. પણ બારણામાંથી જે પેસે છે, તે ઘેટાંપાળક છે. દરવાન તેને માટે ઉઘાડે છે અને ઘેટાં તેનો સાદ સાંભળે છે, અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે, અને તેઓને બહાર દોરીને લઈ જાય છે. જ્યારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર કાઢે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે, અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે, કેમ કે તેઓ તેનો સાદ ઓળખે છે. પણ અજાણ્યાની પાછળ તેઓ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે, કેમ કે અજાણ્યાઓનો સાદ તેઓ ઓળખતાં નથી.” ઈસુએ તેઓને એ દ્દષ્ટાંત ક્હ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ. તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, ઘેટાંનું બારણું હું છું. જેટલા મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે! પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ. હું બારણું છું. મારા દ્વારા જો કોઈ પેસે, તો તે ઉદ્ધાર પામશે, અને અંદર આવશે ને બહાર જશે, અને તેને ચરવાનું મળશે. ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઇરાદાથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું. હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે. જે ચાકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો ધણી નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે! પછી વરુ તેઓને પકડીને તેઓને વિખેરી નાખે છે. તે નાસી જાય છે, કેમ કે તે ચાકર છે, અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી.
હું ઉત્તમ ઘેટાંપાળક છું; અને પોતાનાંને ઓળખું છું, અને જેમ પિતા મને ઓળખે છે, અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને માટે હું મારો જીવ આપું છું. મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંનાં નથી. તેઓને પણ મારે લાવવાની જરૂર છે, અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે. પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે, અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એ આજ્ઞા મારા પિતા તરફથી મને આપવામાં આવી છે.” આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી પક્ષ પડયા. તેઓમાંના ઘણાએ કહ્યું, “તેને અશુદ્ધ આત્મા વળગેલો છે, અને તે પાગલ છે. તમે તેનું કેમ સાંભળો છો?” બીજાઓએ કહ્યું, “અશુદ્ધ આત્મા વળગેલા માણસની એ વાતો નથી. શું અશુદ્ધ આત્મા આંધળાઓની આંખો ઉઘાડી શકે છે?”
હવે યરુશાલેમમાં પ્રતિષ્ઠાપર્વ હતું. અને તે વખતે શિયાળો હતો. ઈસુ મંદિરમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા. ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, “તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.” ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં તો તમને કહ્યું, પણ તમે માનતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે. પણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાંમાંના નથી. મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંતજીવન આપું છું; અને કદી તેઓનો નાશ થશે નહિ, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ. મારા પિતા, જેમણે મને [તેઓને] આપ્યાં છે, તે સહુથી મોટા છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. હું તથા પિતા એક છીએ.”
ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના ક્યા કામને લીધે તમે મને પથ્થર મારો છો?” યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો, “કોઈ સારા કામને લીધે અમે તને પથ્થર મારતા નથી, પણ ઈશ્વરનિંદાને લીધે! અને તું માણસ છતાં પોતાને ઈશ્વર ઠરાવે છે, તેને લીધે.” ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એમ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી? જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યા (અને શાસ્ત્રનો ભંગ થતો નથી), તો જેને પિતાએ અભિષિક્ત કરીને જગતમાં મોકલ્યો, તેણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેને એમ કહો છો કે તું ઈશ્વરનિંદા કરે છે? જો હું મારા પિતાનાં કામ નથી કરતો, તો મારા પર વિશ્વાસ ન કરો. પણ જો હું કરું છું, તો જો કે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો, જેથી તમે જાણો ને સમજો કે, પિતા મારામાં છે, અને હું પિતામાં છું. ત્યારે તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તે તેઓના હાથમાંથી નીકળી ગયા. પછી યર્દનને પેલે પાર, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો, તે સ્થળે તે પાછા ગયા, અને ત્યાં રહ્યા. ઘણા તેમની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “યોહાને કંઈ ચમત્કાર કર્યો ન હતો એ ખરું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું ખરું હતું. અને ત્યાં ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો.
પ્રકરણ 29
યરુશાલેમથી આવેલા ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ તેમની પાસે આવીને એકત્ર થયા. તેઓએ જોયું હતું કે તેમના કેટલાક શિષ્યો અશુદ્ધ, એટલે અણધોયેલે, હાથે રોટલી ખાય છે. કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના સંપ્રદાય પાળીને હાથ સારી પેઠે ધોયા વિના ખાતા નથી. અને ચૌટેથી આવીને નાહ્યા વિના તેઓ ખાતા નથી; પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ તેમને પૂછ્યું, “તમારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતાં અણધોયેલે હાથે રોટલી કેમ ખાય છે?” અને તેમણે તેઓને કહ્યું, “તમે ઢોંગીઓ સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે! તેમ લખેલું છે, ‘આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હ્રદયો મારાથી વેગળાં રહે છે. પણ તેઓ પોતાના મત દાખલ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.’ તમે ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો.” અને તેમણે તેઓને કહ્યું, “તમે તમારા સંપ્રદાય પાળવા માટે ઈશ્વરની આજ્ઞા ઠીક રદ કરો છો. કેમ કે મૂસાએ કહ્યું, ‘તારા પિતાને તથા તારી માને માન આપ, ને જે કોઈ પોતાનાં પિતાની કે માની નિંદા કરે તે માર્યો જાય!’ પણ તમે કહો છો, ‘જો કોઈ માણસ પોતાના પિતાને કે માને કહે કે, મારાથી તને જે કંઈ લાભ થાત તે કુરબાન, એટલે અર્પિતદાન, થયેલું છે;’ તો તમે તેને તેના પિતાને માટે કે તેની માતાને માટે ત્યાર પછી કંઈ કરવા દેતા નથી; અને એમ કરીને તમારા શીખવેલા સંપ્રદાય વડે તમે ઈશ્વરનું વચન રદ કરો છો, અને એવાં ઘણાં કામો તમે કરો છો.”
અને લોકોને પોતાની પાસે ફરી બોલાવીને તેમણે તેઓને કહ્યું, “તમે સહુ મારું સાંભળો તથા સમજો. મોંમાં જે જાય છે તે માણસને વટાળતું નથી, પણ મોંમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે.” જો કોઈને સાંભળવાને કાન હોય તો તે સાંભળે. ”ત્યારે તેમના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું “આ વાત સાંભળીને ફરોશીઓએ ઠોકર ખાધી, એ શું તમે જાણો છો?” પણ તેમણે ઉત્તર આપ્યો, “જે રોપા મારા આકાશમાંના પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે. તેઓને રહેવા દો, તેઓ આંધળા દોરનારા છે; અને જો આંધળો આંધળાને દોરે તો બન્ને ખાડામાં પડશે.” અને જ્યારે લોકોની પાસેથી જઈને તે ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દ્દષ્ટાંત સંબંધી તેમને પૂછ્યું. ત્યારે પિતરે તેમને ઉત્તર આપ્યો, “આ દ્દ્દષ્ટાંતનો અર્થ અમને કહો.” અને તે તેઓને કહે છે, શું તમે પણ એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, માણસમાં જે જે બહારથી પેસે છે તે તેને વટાળી શકતું નથી! કેમ કે તે એના હ્રદયમાં પેસતું નથી, પણ પેટમાં, અને તે નીકળીને સંડાસમાં જાય છે.” એવું કહીને તેમણે સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યા. વળી તેમણે કહ્યું, “માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. કેમ કે અંદરથી એટલે માણસોના હ્રદયમાંથી, ભૂંડા વિચારો નીકળે છે, એટલે છિનાળાં, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાનતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું; એ બધાં ભૂંડાં વાનાં અંદરથી નીકળે છે, ને માણસને વટાળે છે.”
એ પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની સીમમાં ગયા. કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે તેમના વિષે સાંભળીને આવી, ને તેમના પગ આગળ પડી. તે સ્ત્રી ગ્રીક હતી, ને સિરિયાના ફિનીકિયા કુળની હતી. અને તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટાત્મા કાઢવાને તેમને વિનંતી કરી. “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો, મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.” પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ. અને તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરી, “આ સ્ત્રીને વિદાય કરો. કેમ કે તે આપણી પાછળ બૂમ પાડ્યા કરે છે.” પણ ઈસુએ ઉત્તર આપ્યો, “ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકલવામાં આવ્યો નથી.” એટલે સ્ત્રીએ આવીને તેમને પગે લાગીને કહ્યું, “ઓ પ્રભુ, મને મદદ કરો.” પણ ઈસુએ તેને કહ્યું, “છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાની રોટલી લઈને કૂતરાંને ફેંકવી એ વાજબી નથી.” પણ તેણે તેમને ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચે છોકરાંના કકડામાંથી ખાય છે.” ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ બાઈ, તારો વિશ્વાસ મોટો છે: જેવું તું ચાહે છે તેવું તને થાઓ,” અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ. અને તેણે પોતાને ઘેર આવીને જોયું તો છોકરી ખાટલા પર સૂતેલી છે, ને તેનામાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.
પ્રકરણ 30
અને તે ફરી તૂરના પ્રદેશોમાંથી નીકળી, સિદોનમાં થઈને દશનગરની સીમોની મધ્યે થઈને ગાલીલના સમદ્રની પાસે આવ્યા. અને લોકો એક બહેરાબોબડાને તેમની પાસે લાવે છે, ને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરે છે. અને તેમણે લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી, ને થૂંકીને તેની જીભને અડક્યા. અને આકાશ તરફ જોઈને તેમણે નિસાસો મૂકીને કહ્યું, “એફફથા,” એટલે “ઊઘડી જા.” અને તરત તેના કાનો ઊઘડી ગયા, ને તેની જીભનું બંધન છૂટ્યું, ને તે સાફ બોલવા લાગ્યો. અને તેમણે તેઓને મનાઈ કરી, “તમારે તે કોઈને કહેવું નહિ.” પણ જેમ જેમ તેમણે વધારે મનાઈ કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું. અને તેઓ બેહદ અચંબો પામ્યા, ને બોલ્યા, “તેમણે બધું સારું જ કર્યું છે; તે બહેરાઓને પણ સાંભળતા કરે છે, ને મૂંગાઓને બોલતાં કરે છે.” ત્યાર પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને તે ત્યાં બેઠા. અને લૂલાંઓને, આંધળાઓને, મૂંગાઓને, અપંગોને, તથા બીજાં ઘણાંઓને પોતાની સાથે લઈને ઘણા લોકો તેમની પાસે આવ્યા, અને ઈસુના પગ પાસે તેઓએ તેમને મૂક્યાં, ને ઈસુએ તેઓને સાજાં કર્યાં. જ્યારે લોકોએ જોયું કે મૂંગાંઓ બોલતા થયાં છે, અપંગો સાજાં થયાં છે, લૂલાંઓ ચાલતાં થયાં છે અને આંધળાઓ દેખતાં થયાં છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા, ને ઇઝરાયલના ઈશ્ચરની તેઓએ સ્તુતિ કરી.
તે દિવસોમાં જ્યારે ફરી અતિ ઘણા લોકો હતા, ને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે તે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે, “લોકો પર મને દયા આવે છે, કેમ કે હમણાં ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી! અને જો હું તેઓને ભૂખ્યા ઘેર મોકલું તો વાટમાં તેઓ નિર્ગત થઈ જશે! વળી તેઓમાંના કેટલાક દૂરથી આવ્યા છે.” તેમના શિષ્યોએ તેમને ઉત્તર આપ્યો, “અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?” અને તેમણે તેઓને પૂછ્યું, “તમારી પાસે કેટલી રોટલી છે?” અને તેઓએ તેમને કહ્યું, “સાત”. ને તેમણે લોકોને જમીન પર બેસવાનો હુકમ આપ્યો. અને સાત રોટલી લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી, ને પીરસવા માટે પોતાના શિષ્યોને આપી. અને તેઓએ લોકોને પીરસી. અને તેઓની પાસે થોડી નાની માછલી પણ હતી. અને તેમણે તે પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું. અને તેઓ ખાઈને ધરાયા. અને તેઓએ બાકી રહેલા કકડાઓની સાત ટોપલી ઉઠાવી. અને જેઓએ ખાધું તેઓ સ્ત્રીછોકરાં ઉપરાંત ચાર હજાર પુરુષ હતા. અને લોકોને વિદાય કર્યા પછી હોડીમાં બેસીને તે મગદાનની સીમમાં આવ્યા.
અને ફરોશીઓ નીકળી આવ્યા, ને તેમનું પરીક્ષણ કરતાં તેમની પાસે આકાશમાંથી નિશાની માગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા. અને પોતાના આત્મામાં ઊંડો નિસાસો મૂકીને તે કહે છે, “આ પેઢી નિશાની કેમ માગે છે? હું તમને ખરેખર કહું છું કે, આ પેઢીને કંઈ જ નિશાની અપાશે નહિ.” પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે, ‘ઉઘાડ થશે, કેમ કે આકાશ રતૂમડું છે.’ અને સવારે તમે કહો છો કે, ‘આજે ઝાપટું પડશે, કેમ કે આકાશ રતૂમડું તથા અંધરાયેલું છે.’ તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોનાં ચિહ્ન તમે પારખી નથી શકતા. “તમે પશ્ચિમથી વાદળી ચઢતી જુઓ છો કે, તરત તમે કહો છો કે, ઝાપટું આવશે; અને એમ જ થાય છે. જ્યારે દક્ષિણનો વા વાય છે, ત્યારે તમે કહો છો કે લૂ વાશે; અને એમ જ થાય છે. ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો; તો આ સમય કેમ પારખી નથી જાણતા? અને વાજબી શું છે તે તમે પોતાની મેળે કેમ પારખતા નથી?
અને તેઓને મૂક્યા પછી તે પાછા હોડીમાં બેસીને પેલે પાર ગયા.અને તેઓ રોટલી લાવવાને ભૂલી ગયા હતા, અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી. અને તેમણે તેઓને આજ્ઞા આપી, “જો જો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહો.” અને તેઓએ અંદરોઅંદર સંવાદ કરીને કહ્યું, “આપણી પાસે રોટલી નથી.” અને ઈસુ એ જાણીને તેઓને કહે છે, “તમારી પાસે રોટલી નથી એ માટે તમે કેમ સંવાદ કરો છો? હજી સુધી શું તમે નથી જાણતા, ને નથી સમજતા? શું તમારાં હ્રદય કઠણ થયાં છે? તમને આંખો છતાં શું તમે નથી જોતા? અને કાનો છતાં શું તમે નથી સાંભળતા? અને શું યાદ નથી રાખતા? જ્યારે પાંચ હજારને માટે પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે કકડાઓની ભરેલી કેટલી ટોપલી ઉઠાવી?” તેઓ તેમને કહે છે, “બાર.” અને જ્યારે ચાર હજારને માટે સાત, ત્યારે તમે કકડાથી ભરેલી કેટલી ટોપલી ઉઠાવી?” અને તેઓએ કહ્યું, “સાત.” તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સાદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો એમ કહ્યું હતું ” ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પણ ફરોશીઓના તથા સાદૂકીઓના મત વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.
પ્રકરણ 31
અને તે બેથસાઈદામાં આવે છે. અને તેઓ તેમની પાસે એક આંધળાને લાવે છે, ને તેને અડકવા માટે તેઓ તેમને વિનંતી કરે છે. અને આંધળાનો હાથ પકડીને તે તેને ગામમાંથી બહાર લઈ ગયા, ને તેની આંખોમાં થૂંકીને તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું, “તું કંઈ જુએ છે?” અને ઊંચું જોઈને તેણે કહ્યું, “હું માણસોને જોઉં છું, કેમ કે તેઓને વૃક્ષોના જેવા ચાલતાં જોઉં છું.” ત્યારે તેમણે ફરી તેની આંખો પર હાથ મૂક્યા; અને તેણે તાકીને જોયું, ને સાજો થયો, ને બધું સ્પષ્ટ રીતે જોયું. અને તેમણે તેને ઘરે મોકલતાં કહ્યું, “ગામમાં પણ પેસતો ના.”
અને ઈસુએ કૈસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?” ત્યારે તેઓએ તેમને કહ્યું, “કેટલાક [કહે છે] યોહાન બાપ્તિસ્ત, ને કેટલાક એલિયા, ને કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંનો એક.” તે તેઓને પૂછે છે “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” ત્યારે સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.” અને ઈસુએ તેને કહ્યું, “સિમોન યૂનાપુત્ર, તને ધન્ય છે: કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાંના પિતાએ તને એ જણાવ્યું છે. અને હું પણ તને કહું છું કે તું પિતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહિ ચાલે. આકાશના રાજ્યની કૂંચીઓ હું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે, તે આકાશમાં પણ છોડાશે.” ત્યારે તેમણે શિષ્યોને આજ્ઞા આપી, “હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહિ”
ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા, “હું યરુશાલેમમાં જાઉં, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું, ને માર્યો જાઉં, ને ત્રીજે દિવસે પાછો ઊઠું, એ જરૂરનું છે.” ત્યારે પિતર તેમને એક બાજુએ લઈ જઈને તેમને ઠપકો આપવા લાગ્યો, ને કહ્યું, “અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદી થશે નહિ.” પણ તેમણે પાછા ફરીને પિતરને કહ્યું, “અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે; કેમ કે ઈશ્ચરની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.”
અને તેમણે પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જી ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થાય? વળી માણસ પોતાનો જીવનો શો બદલો આપશે? કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.” કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના દૂતો સહિત આવશે, ત્યારે તે પ્રત્યેકને તેનાં કામ પ્રમાણે બદલો ભરી આપશે. હું તમને ખરેખર કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.”
પ્રકરણ 32
એ વાતો કહ્યાને આશરે આઠ દિવસ પછી તે પિતર, યોહાન તથા યાકૂબને તેડીને પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયા. તે પ્રાર્થના કરતા હતા ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં. ત્યારે જુઓ બે પુરુષ, એટલે મૂસા તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા. તેઓ મહિમાવાન દેખાતા હતા અને યરુશાલેમમાં તેમનું જે મરણ થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા. હવે પિતર તથા જેઓ તેની સાથે હતા તેઓ ઊંઘથી ઘેરાયેલા હતા. પણ જ્યારે તેઓ જાગી ઊઠ્યા, ત્યારે તેઓએ તેમનો મહિમા જોયો, તથા તેમની સાથે જે બે પુરુષ ઊભા હતા તેઓને પણ જોયા. તેઓ તેમની પાસેથી વિદાય થતા હતા, ત્યારે પિતરે ઈસુને કહ્યું, “સ્વામી, અહીં રહેવું આપણે માટે સારું છે; તમે કહો તો અમે ત્રણ માંડવા બનાવીએ; એક તમારે માટે, એક મૂસાને માટે, એક એલિયાને માટે! પણ પોતે શું બોલતો હતો તે તે સમજતો નહોતો. તે બોલતો હતો, એટલામાં એક વાદળું આવ્યું, અને તેણે તેઓ પર છાયા કરી. તેઓ વાદળામાં પ્રવેશ્યા ત્યારે તેઓ બીધા. વાદળામાંથી એવી વાણી થઈ, “આ મારો દીકરો છે, મારો પસંદ કરેલો; તેનું સાંભળો.”અને શિષ્યો એ સાંભળીને ઊંધા પડ્યા, ને બહુ જ બીધા. ત્યારે ઈસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું, “ઊઠો, ને બીહો નહિ.” અને તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ કોઈને જોયા નહિ.
અને તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને એવી આજ્ઞા કરી, “માણસનો દીકરો મૂએલાંમાંથી પાછો ઊઠે ત્યાં સુધી આ જે તમે જોયું તે કોઈને કહેતા ના.” અને તેઓએ તે વાત મનમાં રાખી, ને ‘મૂએલાંમાંથી પાછા ઊઠવું’ એ શુ હશે તે વિષે અંદરોઅંદર વિવાદ કરતા હતા. ત્યારે તેમના શિષ્યોએ તેમને પૂછ્યું, “શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પહેલાં આવવું જોઈએ?” અને ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “એલિયા આવે છે ખરો, ને બધું બરાબર કરશે. પણ હું તમને કહું છું કે, એલિયા આવી ચૂક્યો છે, ને તેઓએ તેને ઓળખ્યો નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું. તેમ જ માણસનો દીકરો પણ તેઓથી દુ:ખ સહેશે.” ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્ત સંબંધી તેમણે તેઓને કહ્યું હતું.
અને તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ અતિ ઘણા લોકોને તથા તેઓની સાથે વાદવિવાદ કરતા શાસ્ત્રીઓને જોયા. અને તરત તે બધા લોકો તેમને જોઈને બહુ નવાઈ પામ્યા, ને દોડીને તેમને સલામ કરી. અને તેમણે તેઓને પૂછ્યું, “તેઓની સાથે તમે શો વિવાદ કરો છો?”અને લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો, “ઉપદેશક, હું મારા દીકરાને તમારી પાસે લાવ્યો, તેને મૂંગો આત્મા વળગેલો છે! અને જ્યાં કંઈ તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે! અને તે ફીણ કાઢે છે, ને દાંત પીસે છે, ને તે તવાતો જાય છે, અને મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ કાઢી શક્યા નહિ.” પણ તેમણે ક્હ્યું, “ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો.”
અને તેઓ તેને તેમની પાસે લાવ્યા, ને એમને જોઈને આત્માએ તરત છોકરાને મરડ્યો; અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો. અને તેમણે એના પિતાને પૂછ્યું, “એને આ થયાને કેટલો સમય થયો?” અને તેણે કહ્યું, “બાળપણથી.” અને તેનો નાશ કરવા માટે તેણે ઘણી વખતે તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે! પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કરો.” પણ ઈસુએ તેને કહ્યું, “જો તું કરી શકે! વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે.” અને તરત બાળકના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું, “હું વિશ્વાસ કરું છું. મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.” પણ ઘણા લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું, “મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેમાંથી નીકળ, ને ફરી તેમાં ન પેસ.” અને ચીસ પાડીને ને તેને બહુ મરડીને તે નીકળ્યો; અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાખરાએ કહ્યું, “તે મરી ગયો છે.” પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો; અને તે ઊભો થયો. અને તે ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું, “અમે કેમ તે કાઢી ન શક્યા?” ત્યારે તેમણે તેઓને કહ્યું “તમારા અવિશ્વાસને લીધે, કેમ કે હું તમને ખચીત કહું છું કે, તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, તું અહીંથી ત્યાં ખસી જા,’ ને તે ખસી જશે, અને તમને કંઈ અશક્ય થશે નહિ. પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. ”
પ્રકરણ 33
અને ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા; અને તે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી. કેમ કે તે પોતાના શિષ્યોને શીખવતા, ને તેઓને કહેતા, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાયો છે, ને તેઓ તેને મારી નાખશે; અને મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.” અને તેઓ આ વાત સમજ્યા નહિ, ને તેમને પૂછતાં બીધા.
અને તેઓ કપર-નાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું, શું તમારો ઉપદેશક મંદિરના કરનું નાણું નથી આપતો?” તેણે કહ્યું, “હા.” અને ઘરમાં તે આવ્યો ત્યારે [તેના બોલવા] અગાઉ ઈસુએ કહ્યું, “સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી?” અને પિતરે તેમને કહ્યું, “પારકાઓ પાસેથી." ત્યારે ઈસુએ તેને કહ્યું, ત્યારે દીકરાઓ તો છૂટા છે. તોપણ આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ માટે તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ, અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, ને જ્યારે તું તેનું મોં ઉઘાડશે ત્યારે તેમાંથી તને નાણું મળશે, તે લઈને મારે ને તારે માટે તેઓને આપ.”
તેઓમાં વાદવિવાદ શરૂ થયો કે “આપણામાં સૌથી મોટો કોણ?” અને તેઓ કપર-નાહૂમમાં આવ્યા. અને તે ઘરમાં હતા ત્યારે તેમણે તેઓને પૂછ્યું, “તમે માર્ગમાં શો વિવાદ કરતા હતા?” અને તે બેઠા ને બારેને તેડીને તેઓને કહે છે, “જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો સેવક થાય.” પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને પોતાની પાસે ઊભું રાખ્યું. તેમણે તેઓને કહ્યું, “જે કોઈ મારે નામે આ બાળકનો અંગીકાર કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે કોઈ મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે. કેમ કે તમ સર્વમાં જે સૌથી નાનો છે તે જ મોટો છે.”
યોહાને તેમને કહ્યું, “ઉપદેશક, અમે કોઈ એકને તમારે નામે દુષ્ટાત્મા કાઢતાં જોયો, અને અમે તેને મના કરી, કારણ કે તે આપણી સાથે ચાલતો નથી.” પણ ઈસુએ તેને કહ્યું, “તેને મના કરો નહિ; કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે ચમત્કાર કરે, ને સહેજ મારી નિંદા કરી શકે. કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે. કેમ કે, હું તમને ખચીત કહું છું કે, તમે ખ્રિસ્તના છો એ કારણથી જે કોઈ તમને પ્યાલું પાણી પીવડાવશે, તે પોતાનું ફળ નહિ ખોશે. તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછ્યું “આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?” ત્યારે તેમણે એક બાળકને પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, જો તમે નહિ ફરો, ને બાળકોના જેવા નહિ થાઓ, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો. માટે જે કોઈ પોતાને આ બાળકના જેવું દીન કરશે, તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે.
પ્રકરણ 34
તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતું નથી. પણ જેનાથી તે આવે છે તેને અફસોસ છે! પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે તે કરતાં તેના ગળે ઘંટીનું પડ બંધાય, ને તે સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે. ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે! માટે જો તારો હાથ અથવા તારા પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે; તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંત અગ્નિમાં નંખાય, એ કરતાં લંગડો અથવા અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, એ કરતાં કાણો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. કે, જ્યાં તેઓનો કીડો મરતો નથી, ને અગ્નિ હોલવાતો નથી, તેનાં કરતાં કાણો થઈને ઈશ્વરના રાજ્યમાં પેસવું એ તારે માટે સારું છે. કેમ કે અગ્નિથી હરેક સલૂણૂં કરાશે અને હરેક યજ્ઞ મીઠાથી સલૂણો કરાશે.મીઠું તો સારું છે, પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરશો? પોતામાં મીઠું રાખો, ને અંદરોઅંદર સલાહ રાખો.”
સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો, કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના પિતાનું મોં સદા જુએ છે. કેમ કે જે ખોવાયેલું તેને બચાવવાને માણસનો દીકરો આવ્યો છે. તમે શું ધારો છો? જો કોઈ માણસની પાસે સો ઘેટાં હોય, ને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને મૂકીને તે ભૂલા પડેલાને શોધવા તે પહાડ પર જતો નથી? અને જો તે તેને મળે તો હું તમને ખચીત કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વત્તો હરખાય છે. એમ આ નાનાઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા આકાશમાંના પિતાની ઇચ્છા નથી. સાવચેત રહો; જો તારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો દે. અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કર. અને જો તે એક દિવસમાં સાત વાર તારો અપરાધ કરે અને સાત વાર તારી તરફ ફરીને કહે કે, ‘હું પસ્તાઉં છું’; તો તેને માફ કર.”
વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા, ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે. પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે જણને તારી સાથે લે, એ માટે કે દરેક વાત બે અથવા ત્રણ સાક્ષીના મોંથી સાબિત થાય. અને જો તે તેઓનું ન માને, તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ.હું તમને ખચીત કહું છું કે જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે આકાશમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે આકાશમાં છોડાશે. વળી હું તમને કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માગશો, તો મારા આકાશમાંના પિતા તેઓને માટે તે પ્રમાણે કરશે. કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકત્ર થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું” પછી પિતરે તેમની પાસે આવીને કહ્યું, “ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે, ને હું તેને માફ કરું? શું સાત વાર સુધી? ઈસુએ તેને કહ્યું, “સાત વાર સુધીનું હું તને નથી કહેતો, પણ સિત્તેરગણી સાત વાર સુધી.
એ માટે આકાશના રાજ્યને એક રાજાની ઉપમા આપવામાં આવે છે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માગ્યો. અને તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ દશ હજાર તાલંતના એક દેવાદારને તેની પાસે લાવ્યા. પણ વાળી આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના શેઠે તેને તથા તેની સ્ત્રીને તથા તેનાં છોકરાંને તથા તેની પાસે જે કંઈ હતું તે બધું વેચીને દેવું વાળવાની આજ્ઞા કરી. એ માટે તે ચાકરે તેને પગે લાગીને વિનંતી કરી કે, ‘સાહેબ, ધીરજ રાખો, ને હું તમારું બધું વાળી આપીશ.’ ત્યારે તે ચાકરના શેઠને દયા આવ્યાથી તેણે તેને છોડી દીધો, ને દેવું તેને માફ કર્યું. પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો, જે તેના સો દીનારનો દેવાદાર હતો, અને તેણે તેનું ગળું પકડીને કહ્યું, તારું દેવું વાળ.’ ત્યારે તેના સાથી ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરી કે, ‘ધીરજ રાખ, ને હું તારું વાળી આપીશ.’ અને તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું વાળે ત્યાં સુધી તેણે તેને કેદખાનામાં નાખ્યો. ત્યારે જે જે થયું તે તેના સાથી ચાકરો જોઈને ઘણા દિલગીર થયા, ને તેઓએ જઈને જે જે થયું તે બધું પોતાના શેઠને કહી સંભળાવ્યું. ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તને તે બધું દેવું માફ કર્યું. મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત ન હતી? અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંત:કરણથી માફ નહિ કરો, તો મારા આકાશમાંના પિતા પણ તમને એમ જ કરશે.”
પ્રકરણ 35
તેમને ઉપર લઈ લેવાવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવા માટે પોતાનું મોં [તે તરફ] દઢ રાખ્યું. તેમણે પોતાની આગળ સંદેશિયા મોકલ્યા. તેઓ તેમને માટે તૈયારી કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા. તેઓએ ઈસુનો આવકાર કર્યો નહિ કારણ કે તેમનું મોં યરુશાલેમ તરફ હતું. એ જોઈને તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને તેમને પૂછ્યું, “પ્રભુ, શું તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે આકાશથી આગ પડીને તેઓનો નાશ કરે?” પણ તેમણે પાછા ફરીને તેઓને ધમકાવ્યા. પછી તેઓ બીજે ગામ ગયા.
આ બિનાઓ બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને ઠરાવ્યા, અને જે પ્રત્યેક શહેર તથા જગામાં તે પોતે જવાના હતા, ત્યાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા. તેમણે તેઓને કહ્યું, “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે. ચાલ્યા જાઓ; જુઓ, હું તમને વરુઓમાં ઘેટાંનાં બચ્ચાં જેવા મોકલું છું. થેલી કે જોડા લેતા ના; અને માર્ગે કોઈને પણ સલામ કરતા ના. વળી જે કોઈ ઘરમાં તમે પેસો ત્યાં પ્રથમ એમ કહો કે, ‘આ ઘરનાંને શાંતિ થાઓ.’ જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી વળશે. તે ને તે જ ઘરમાં રહો અને તેઓની પાસે જે હોય તે ખાતાપીતા રહો. કેમ કે મજૂર પોતાના પગારને યોગ્ય છે. ઘેરઘેર જતા ના. જે કોઈ શહેરમાં તમે જાઓ, અને તેઓ તમારો આવકાર કરે, તો તેઓ તમારી આગળ જે કંઈ મૂકે તે ખાઓ. તેમાંનાં માંદાઓને સાજાં કરો, અને તેઓને કહો કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે. પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, અને તેઓ તમારો આવકાર ન કરે, તો તેના રસ્તાઓમાંથી નીકળી જઈને એમ કહો કે, તમારા શહેરની જે ધૂળ અમારા પગને લાગેલી છે તે પણ અમે તમારી સામે ખંખેરી નાખીએ છીએ. તોપણ એટલું જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. હું તમને કહું છું કે, તે દિવસે તે શહેરના કરતાં સદોમના હાલ સહેલ થશે.” જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે. અને જે કોઈ તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે; અને જે કોઈ મારો નકાર કરે છે તે મારા મોકલનારનો નકાર કરે છે.”
ત્યારે જે નગરોમાં તેમનાં પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તે તેઓ ઉપર દોષ મૂકવા લાગ્યા, “ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા! તને હાય! હાય! કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયાં, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને કયારનોયે પસ્તાવો કર્યો હોત. વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ પડશે. અને, ઓ ક૫ર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેસ સુધી નીચું ઊતરશે, કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત. વળી, હું તમને કહું છું કે, ન્યાયકાળે સદોમને તારા કરતાં સહેલ પડશે.
તે સિત્તેર હરખાતા હરખાતા પાછા આવ્યા, અને તેઓએ કહ્યું, “પ્રભુ, તમારા નામથી દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયા છે.” તેમણે તેઓને કહ્યું, “મેં શેતાનને વીજળીની જેમ આકાશમાંથી પડેલો જોયો. જુઓ, મેં તમને સર્પો તથા વીંછીઓ પર પગ મૂકવાનો, તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે. અને તમને કશાથી પણ ઈજા થશે નહિ. પરંતુ આત્માઓ તમારે તાબે થયા, તેને લીધે હરખાઓ નહિ, પણ તમારાં નામ આકાશમાં લખેલાં છે, તેને લીધે હરખાઓ.”તે જ સમયે પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યા, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તમે એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે. હા, પિતા, કેમ કે એ તમને સારું લાગ્યું. મારા પિતાએ મને બધું સોપ્યું છે; અને દીકરો કોણ છે, એ પિતા વિના બીજો કોઈ જાણતો નથી; તેમ જ પિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી.” ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો. કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમ કે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.” જુઓ, એક પંડિતે ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું, “ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?” તેમણે તેને પૂછ્યું, “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું વાંચે છે?” તેણે ઉત્તર આપ્યો, “તારા ઈશ્વર પ્રભુ પર તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો. અને જેવો પોતાના પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો.” તેમણે તેને કહ્યું, “તેં ઠીક ઉત્તર આપ્યો છે. એમ કર, એટલે તું જીવશે.” પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઇચ્છા રાખીને ઈસુને કહ્યું, “મારો પડોશી કોણ છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા. સંજોગવશાત એક યાજક તે માર્ગે થઈને જતો હતો. અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. એમ જ એક લેવી પણ તે સ્થળે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. પણ એક સમરૂની માર્ગે ચાલતાં ચાલતાં જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો; અને તેને જોઈને તેને કરુણા આવી. તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો, અને તેની સારવાર કરી. બીજે દિવસે તેણે બે દીનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું, ‘એની સારવાર કરજે; અને એ કરતાં જે કંઈ વધારે ખરચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ.’ હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંનો કોણ ઠર્યો?” તેણે તેમને કહ્યું, “જેણે તેના પર દયા કરી તે.” ઈસુએ તેને કહ્યું, “તું જઈને એ પ્રમાણે કર.”
પ્રકરણ 36
તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન તે એક ગામમાં પેઠા; અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાને ઘેર તેમને પરોણા રાખ્યા. મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના ચરણ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી. પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ, તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું, “પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? તેથી તેને કહો કે તે મને સહાય કરે.” પણ પ્રભુએ તેને કહ્યું, “માર્થા, માર્થા, તું ઘણી વાતો વિષે ચિંતા કરે છે અને ગભરાય છે! પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.
તે એક સ્થળે પ્રાર્થના કરતા હતા. તે કરી રહ્યા પછી તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, “પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું તેમ તમે પણ અમને શીખવો.” તેમણે તેઓને કહ્યું, “તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ; દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપો; અને અમારાં પાપ અમને માફ કરો, કેમ કે અમે પોતે પણ અમારા દરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં ન લાવો; પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. ”
લોકોમાંથી એક જણે તેમને કહ્યું “ગુરુજી, મારા ભાઈને કહો કે તે વારસાનો ભાગ મને આપે.” તેમણે તેને કહ્યું, “ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠારાવ્યો?” તેમણે તેઓને કહ્યું, “સાવધાન રહો, અને સર્વ [પ્રકારના] લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” તેમણે તેઓને એવું એક દ્દષ્ટાંત કહ્યું, “એક ધનવાન માણસની જમીનમાં ઘણી ઊપજ થઈ. તેણે મનમાં એવો વિચાર કર્યો કે, ‘હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી.’ તેણે કહ્યું કે, ‘હું આમ કરીશ:મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે માટે રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.’ પણ ઈશ્વરે તેને કહ્યું, “ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં તૈયાર કરી છે તે કોની થશે?’ જે પોતાને માટે દ્રવ્યનો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.”
તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગેલા રાખો. અને જે માણસો પોતાનો ધણી લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે કે, તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને માટે દ્વાર ઉઘાડે, તેઓના જેવા તમે થાઓ. જે દાસોને ધણી આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે; હું તમને ખચીત કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે. જો તે બીજે પહોરે આવે કે, ત્રીજે પહોરે આવે, અને તેઓને એમ [કરતાં] જુએ, તો તે દાસોને ધન્ય છે! પણ આટલું સમજો કે ઘરધણી જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહીને પોતાના ઘરમાં ખાતર પડવા ન દેત. તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય એવી ઘડીએ માણસનો દીકરો આવશે.”
પિતરે પૂછ્યું, “પ્રભુ, તમે આ દ્દષ્ટાંત અમને, કે સર્વને કહો છો?” પ્રભુએ કહ્યું, “જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા માટે પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે? જે દાસને તેનો ધણી આવીને એમ કરતો જોશે તેને ધન્ય છે! હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને [કારભારી] ઠરાવશે, પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ધણી આવતાં વાર લગાડે છે; અને દાસોને તથા દાસીઓને મારવા માંડશે , અને ખાવાપીવા તથા છાકટો થવા માંડશે; તો જે દિવસે તે રાહ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, [તે ઘડીએ] તે દાસનો ધણી આવશે, ને તેને કાપી નાખીને, તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે. જે દાસ પોતાના ધણીની ઇચ્છા જાણ્યા છતાં પોતે તૈયાર રહ્યો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે. પણ જેણે અજાણતાં ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો જ માર ખાશે. જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માગવામાં આવશે. અને જેને ઘણું સોપેલું છે, તેની પાસેથી વધારે માગવામાં આવશે.
હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું; અને જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું? પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે! અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું! શું તમે ધારો છો કે પૃથ્વી ઉપર શાંતિ કરાવવા હું આવ્યો છું? હું તમને કહું છું કે, ના; પણ તેથી ઊલટું ભાગલા પાડવા આવ્યો છું. કેમ કે હવે એક ઘરમાં પાંચમાં ભાગલા પડશે, એટલે ત્રણ બેની સામા, અને બે ત્રણની સામા થશે. પિતા દીકરાની સામો, તથા દીકરો પિતાની સામો થશે; મા દીકરીની સામી, તથા દીકરી પોતાની માની સામી થશે! સાસુ પોતાની વહુની સામી, અને વહુ પોતાની સાસુની સામી થશે. એમ તેઓમાં ભાગલા પડશે!”
હવે તે જ સમયે ત્યાં કેટલાક હાજર હતા કે જેઓએ પિલાતે જે ગાલીલીઓનું લોહી તેઓના યજ્ઞો સાથે ભેળવી દીધું હતું. તેઓ વિષે તેમને કહી જણાવ્યું. તેમણે તેઓને ઉત્તર આપ્યો, “એ ગાલીલીઓ પર એવી વિપત્તિઓ પડી તેથી તેઓ બીજા બધા ગાલીલીઓ કરતાં વિશેષ પાપી હતા, એમ તમે ધારો છો શું? હું તમને કહું છું કે, ના; પણ જો તમે પસ્તાવો કરશો નહિ, તો તમે સર્વ તે જ પ્રમાણે નાશ પામશો.” અથવા શિલોઆહમાં જે અઢાર માણસ પર બુરજ પડ્યો, ને તેઓને મારી નાખ્યા, તેઓ યરુશાલેમમાંના બીજા સર્વ રહેવાસીઓ કરતાં વિશેષ ગુનેગાર હતા, એમ તમે ધારો છો શું? હું તમને કહું છું કે, ના; પણ જો તમે પસ્તાવો કરશો નહિ, તો તમે સર્વ તેમ જ નાશ પામશો.” વળી તેમણે આ દ્દષ્ટાંત કહ્યું, કોઈએક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી. તે તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહિ. ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, ‘જો,આ ત્રણ વરસથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું, અને એકે જડતું નથી. તેને કાપી નાખ. તે વળી જમીન કેમ નકામી રોકે છે?’ તેણે તેમને ઉત્તર આપ્યો, ‘સાહેબ, તેને આ વરસ પણ રહેવા દો. એટલામાં હું તેની આસપાસ ખોદું, ને ખાતર નાખું. જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; અને નહિ આવે, તો તેને કાપી નાખજો.’”
પ્રકરણ 37
વિશ્રામવારે તે એક સભાસ્થાનમાં બોધ કરતાં હતા. જુઓ, જેને અઢાર વરસથી મંદવાડનો આત્મા વળગેલો હતો એવી એક સ્ત્રી ત્યાં હતી. તે વાંકી વળી ગઈ હતી, અને કોઈ પણ રીતે સીધી ઊભી થઈ શકતી નહિ. તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું, “બાઈ, તારા મંદવાડથી તું છૂટી થઈ છે.” તેમણે તેના પર હાથ મૂક્યા કે, તરત તે ટટાર થઈ, અને ઈશ્વરની સ્તુતિ કરી. વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, માટે સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું, “છ દિવસ છે કે જેમાં માણસોએ કામ કરવું જોઈએ. એ માટે તે દિવસો એ તમે આવીને સાજા થાઓ, પણ વિશ્રામવારે નહિ.” પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો, “ઓ ઢોંગીઓ, તમારામાંનો દરેક પોતપોતાના બળદને તથા ગધેડાને કોઢમાંથી છોડીને વિશ્રામવારે પાવા માટે લઈ જતો નથી શું? આ સ્ત્રી જે ઇબ્રાહીમની દીકરી છે, અને જેને શેતાને અઢાર વરસથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે બંધનમાંથી છોડાવવી જોઈતી નહોતી શું?” તેમણે એ વાતો કહી ત્યારે તેમના બધા સામાવાળા લજવાયા; અને જે બધાં મહિમાંવત કામો તેમણે કર્યાં તેને લીધે બધા લોકો હર્ષ પામ્યા.
એક જણે તેમને પૂછ્યું, “પ્રભુ, ઉદ્ધાર પામનાર થોડા છે શું?” તેમણે તેઓને કહ્યું કે, સાંકડા બારણામાં થઈને પેસવાનો યત્ન કરો; કેમ કે હું તમને કહું છું કે, ઘણા પેસવા ચાહશે, પણ [પેસી] શકશે નહિ. જ્યારે ઘરધણી ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવવા માંડશો, અને કહેશો કે, પ્રભુ, અમારે માટે ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપશે કે, ‘તમે ક્યાંના છો એ હું જાણતો નથી.’ ત્યારે તમે કહેવા લાગશો કે ‘અમે તમારી સમક્ષ ખાધુંપીધું હતું, અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો.’ તે તમને કહેશે કે, ‘હું તમને કહું છું કે, તમે ક્યાંના છો એ હું જાણતો નથી રે અન્યાય કરનારા, તમે સર્વ મારી પાસેથી જાઓ.’ જ્યારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને તથા બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો , ત્યારે તમે રડશો તથા દાંત પીસશો. તેઓ પૂર્વ તથા પશ્ચિમથી ઉત્તર તથા દક્ષિણથી આવીને ઈશ્વરના રાજ્યમાં બેસશે. જુઓ, [કેટલાક] જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે, અને [કેટલાક] જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે.”
તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ તેમની પાસે આવીને કહ્યું, “અહીંથી નીકળી જાઓ; કેમ કે હેરોદ તમને મારી નાખવા ચાહે છે.” તેઓને તેમણે કહ્યું, “તમે જઈને તે લોંકડાને કહો, જુઓ, આજકાલ, હું દુષ્ટાત્માઓને કાઢું છું, અને રોગ મટાડું છું. ને ત્રીજે દિવસે હું સંપૂર્ણ કરાઈશ. તોપણ આજે, કાલે તથા પરમ દિવસે મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર નાશ પામે એવું બની શકતું નથી. ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરધી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ મેં કેટલીવાર તારાં છોકરાંને એકત્ર કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ! જુઓ, તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મૂકવામાં આવ્યું છે; હું તમને કહું છું કે, તમે કહેશો કે, ‘પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે’, ત્યાં સુધી તમે મને ફરી જોનાર નથી.”
ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘેર વિશ્રામવારે તે રોટલી ખાવા ગયા, ત્યારે તેઓ તેમના પર તાકી રહ્યા હતા. એક માણસ તેમની આગળ હતો, તેને જલંદરનો રોગ થયો હતો. ઈસુએ પંડિતોને તથા ફરોશીઓને પૂછ્યું, “વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે કે નહિ?” પણ તેઓ છાના રહ્યા. તેમણે તેને અડકીને સાજો કર્યો, અને તેને રવાના કર્યો. તેમણે તેઓને કહ્યું, “તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડ્યો હોય, તો વિશ્રામવારે તે તેને તરત નહિ કાઢે શું?” એ વાતનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.
નોતરેલાઓ કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું, “કોઈ તને લગ્નમાં નોતરે ત્યારે મુખ્ય આસન પર ન બેસ; રખેને તારા કરતાં કોઈ માનવંતો માણસ તેણે નોતરેલો હોય, અને જેણે તને તથા તેને નોતર્યા તે આવીને તને કહે, “એને જગા આપ.’ ત્યારે તારે લજવાઈને સહુથી નીચી જગાએ બેસવું પડશે. પણ કોઈ તને નોતરે ત્યારે સહુથી નીચી જગાએ જઈને બેસ; કે જેણે તને નોતર્યો તે આવે ત્યારે તે તને કહે કે, ‘મિત્ર, ઉપર આવ.’ ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.” જેણે તેમને નોતર્યા હતા તેને પણ તેમણે કહ્યું, “જ્યારે તમે દિવસનું કે રાતનું ખાણું આપો, ત્યારે તમારાં મિત્રોને, તમારા ભાઈઓને, તમારા સગાંઓને કે શ્રીમંત પડોશીઓને ન બોલાવો; રખને તેઓ પણ તમને પાછા નોતરે, અને તમને બદલો મળે. પણ જ્યારે તમે મિજબાની આપો ત્યારે દરિદ્રીઓને, અપંગોને, લંગડાઓને તથા આંધળાઓને બોલાવો. તેથી તમે ધન્ય થશો; કેમ કે તમને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તમને બદલો આપવામાં આવશે.”
એ વાત સાંભળીને તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે તેમને કહ્યું, “ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે!” પણ તેમણે તેને કહ્યું, “કોઈએક માણસે રાતનું મોટું ખાણું કર્યું, અને ઘણાને નોતર્યાં. વાળુ વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ આપવા મોકલ્યો, કે, ‘ચાલો; હમણાં બધું તૈયાર થયું છે.’ સર્વ એક મતે બહાનું કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે, ‘મેં ખેતર વેચાતું લીધું છે, તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે. હું તને વિનંતી કરું છું કે, મને માફ કર.’ બીજાએ તેને ક્હ્યું કે, ‘મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું; હું તને વિનંતી કરું છું કે, તું મને માફ કર.’ બીજાએ કહ્યું કે, ‘હું સ્ત્રી પરણ્યો છું, માટે મારાથી અવાશે નહિ.’ પછી તે દાસે આવીને પોતાના ધણીને એ વાતો કહી ત્યારે ઘરધણીએ ગુસ્સે થઈને પોતાના દાસને કહ્યું, ‘શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જલદી જઈને દરિદ્રીઓને, અપંગોને, આંધળાઓને, તથા લંગડાઓને અહીં તેડી લાવ.’ તે દાસે કહ્યું કે, ‘સાહેબ, આપના હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ જગા છે.’ ધણીએ દાસને કહ્યું કે, ‘સડકે તથા પગથીએ જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે, મારું ઘર ભરાઈ જાય.’ કેમ કે હું તમને કહું છું કે, પેલા નોતરાયેલા માણસોમાંનો કોઈ પણ મારું વાળું ચાખશે નહિ.’”
પ્રકરણ 38
હવે ઘણા લોકો તેમની સાથે જતા હતા, તેઓને તેમણે પાછા ફરીને કહ્યું “જો કોઈ મારી પાસે આવે, અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાંનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી. કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ? રખેને પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ. ત્યારે જેઓ જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે. અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ. અથવા ક્યો રાજા એવો છે કે જે બીજા રાજાની સામે લડાઈ કરવા જતાં પહેલાં બેસીને વિચાર નહિ કરે કે, જે વીસ હજાર સૈનિકો લઈને મારી સામે આવે છે, તેની સામે હું દશ હજારથી થઈ શકીશ કે નહિ? નહિ તો બીજો હજી ઘણે વેગળે છે, એટલામાં તે એલચીઓને મોકલીને સલાહની શરતો વિષે પૂછશે. તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી. મીઠું તો સારું છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરી શકાય? જમીનને માટે અથવા ખાતરને માટે પણ તે યોગ્ય નથી. પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.”
હવે તેમનું સાંભળવા માટે બધા જકાતદારો તથા પાપીઓ તેમની પાસે આવતા હતા. ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ બન્નેએ કચકચ કરીને કહ્યું, “આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ખાય છે.” તેમણે તેઓને આ દ્દષ્ટાંત કહ્યું, “તમારામાં એવું ક્યું માણસ હોય કે, જો તેને સો ઘેટાં હોય, અને તેઓમાંનું એક ઘેટું ખોવાયું હોય, તો પેલાં નવ્વાણુંને અરણ્યમાં મૂકીને ખોવાયેલું મળે ત્યાં સુધી તે તેની શોધમાં નહિ જાય? અને તે મળે છે, ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંધ પર ચઢાવે છે. તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પાડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, ‘મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને મળ્યું છે.’ હું તમને કહું છું કે, એ જ રીતે જે નવ્વાણું ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. અથવા કઈ સ્ત્રી એવી હોય કે જો તેની પાસે દશ અધેલી હોય, અને તેઓમાંની એક અધેલી ખોવાઈ જાય, તો તે દીવો કરીને ઘર નહિ વાળે, અને મળે ત્યાં સુધી તેની શોધ સારી પેઠે નહિ કરે? તે તેને જડે ત્યારે તે પોતાની સખીઓ તથા પડોશણોને બોલાવીને કહે છે કે, ‘મારી સાથે આનંદ કરો, કેમ કે મારી અધેલી ખોવાઈ ગઈ હતી, તે મને મળી છે.’ હું તમને કહું છું કે તેમ જ એક પાપી પસ્તાવો કરે, તેને લીધે ઈશ્વરના દૂતોની સમક્ષ હર્ષ થાય છે.”
વળી તેમણે કહ્યું, “એક માણસને બે દીકરા હતા; તેઓમાંના નાનાએ પિતાને કહ્યું, ‘પિતાજી, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપો.’ તેથી તેણે તેઓને પોતાની મિલકત વહેંચી આપી. થોડા દિવસ પછી નાનો દીકરો બધું એકઠું કરીને દૂર દેશમાં ગયો. અને ત્યાં મોજમઝામાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખરચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી. તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા માટે તેને મોકલ્યો. જે શિંગો ભૂંડો ખાતાં હતાં તે શિંગો થી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહિ. તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે, ‘મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે, અને હું તો અહીં ભૂખે મરું છું! હું અહીંથી ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં આકાશ સામે તથા તમારી આગળ પાપ કર્યું છે; હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી રહ્યો. તમારા મજૂરોમાંના એકના જેવો મને ગણો.’ પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો. અને તે હજી ઘણે દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, અને તેને દયા આવી, અને દોડીને તેને ભેટ્યો, અને તેને ચૂમીઓ કરી. દીકરાએ તેને કહ્યું કે, ‘પિતાજી, મેં આકાશ સામે તથા તમારી આગળ પાપ કર્યું છે; હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.’ પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, ‘સારામાં સારો જામો જલદી કાઢીને એને પહેરાવો; એને હાથે વીટીં પહેરાવો, પગમાં જોડા પહેરાવો. અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે, આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે આ મારો દીકરો મરી ગયો હતો, તે પાછો જીવતો થયો છે. તે ખોવાયેલો હતો પણ પાછો મળ્યો છે.’ પછી તેઓ આનંદ કરવા લાગ્યા.
હવે તેનો વડો દીકરો ખેતરમાં હતો; તે ત્યાંથી આવતાં ઘરની નજીક આવી પહોંચ્યો, ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો. તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું, ‘આ શું છે?’ તેણે તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો આવ્યો છે તેથી તમારા પિતાએ પાળેલા વાછરડાને કપાવ્યો છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો આવી મળ્યો છે.’ પણ તે ગુસ્સે થયો, અને અંદર જવાને રાજી નહોતો. તેથી તેના પિતાએ બહાર આવીને તેને આજીજી કરી. પણ તેણે પિતાને કહ્યું, ‘આટલા બધાં વરસથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી! તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા માટે તમે મને લવારું સરખું પણ કદી આપ્યું નથી. પણ આ તમારો દીકરો વેશ્યાઓની સાથે તમારી મિલકત ખાઈ ગયો, તે પાછો આવ્યો ત્યારે તમે તેને માટે પાળેલા વાછરડાને કપાવ્યો છે!’ તેણે તેને કહ્યું, “દીકરા, તું નિત્ય મારી સાથે છે, અને મારું બધું તારું જ છે! તને ખુશી થવું તથા હર્ખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો, અને તે પાછો જીવતો થયો છે; અને ખોવાયેલો હતો, તે પાછો જડ્યો છે.’”
પ્રકરણ 39
તેમણે શિષ્યોને કહ્યું, “એક શ્રીમંત માણસ હતો, તેની પાસે એક કારભારી હતો, તેની આગળ તેના ઉપર એવું તહોમત મૂકવામાં આવ્યું કે, ‘તે તમારી મિલકત ઉડાવી દે છે.’ તેણે તેને બોલાવીને પૂછ્યું, ‘તારે વિષે હું જે સાંભળું છું તે શું છે? તારા કારભારનો હિસાબ આપ; કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહિ.’ કારભારીએ પોતાના મનમાં કહ્યું, ‘હું શું કરું? કેમ કે મારો ઘણી મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં ખોદવાની શક્તિ નથી; ભિક્ષા માગતાં હું લજવાઉં છું. તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો પોતાનાં ઘરોમાં મારો આવકાર કરે માટે મારે શું કરવું તેની મને સૂઝ પડે છે!’ પછી તેણે પોતાના ધણીના દરેક દેણદારને બોલાવીને તેમાંના પહેલાને કહ્યું, ‘મારા ધણીનું તારે કેટલું દેવું છે?’ તેણે કહ્યું, ‘સો માપ તેલ.’ તેણે તેને કહ્યું, ‘તારું ખાતું લે, ને જલદી બેસીને પચાસ લખ.’ પછી તેણે બીજાને કહ્યું, ‘તારે કેટલું દેવું છે?’ તેણે કહ્યું, ‘સો માપ ઘઉં’ તેણે તેને કહ્યું, ‘તારું ખાતું લે, અને એંસી લખ.’ તેના ધણીએ અન્યાયી કારભારીને વખાણ્યો, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો. કેમ કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિષે અજવાળાના દીકરાઓ કરતાં હોશિયાર હોય છે. હું તમને કહું છું કે અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને માટે મિત્ર કરી લો; કે જ્યારે તે થઈ રહે, ત્યારે તેઓ સદાકાળનાં માંડવાઓમાં તમારો આવકાર કરે. જે બહુ થોડામાં વિશ્વાસુ છે; તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે. માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો, તો ખરું [દ્રવ્ય] તમને કોણ સોંપશે? અને જો તમે પરાયા દ્રવ્ય માં વિશ્વાસુ થયા ન હો, તો જે તમારું પોતાનું તે તમને કોણ સોંપશે? કોઈ ચાકર બે ધણીઓની ચાકરી કરી શકતો નથી. કેમ કે તે એકનો દ્વેષ કરશે, અને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, અને બીજાને તુચ્છ ગણશે. ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી તમે કરી નથી શકતા.”
ફરોશીઓ દ્રવ્યલોભી હતા, તેઓએ એ બધી વાતો સાંભળીને તેમની મશ્કરી કરી. તેમણે તેઓને કહ્યું, “તમે પોતાને માણસોની આગળ ન્યાયી દેખાડો છો; પણ ઈશ્વર તમારાં અંત:કરણ જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દષ્ટિમાં કંટાળારૂપ છે. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાન સુધી હતા; તે વખતથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે, અને દરેક માણસ તેમાં બળજબરીથી પેસે છે. પરંતુ શાસ્ત્રની એક પણ માત્રા રદ થાય, તે કરતાં આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે. જે કોઈ પોતાની સ્ત્રીને છોડીને બીજીને પરણે છે, તે વ્યભિચાર કરે છે; અને પતિએ છોડેલી સ્ત્રીને જે પરણે તે પણ વ્યભિચાર કરે છે.
એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગનાં મુલાયમ વસ્ત્રો પહેરતો હતો, અને નિત્ય દબદબાસહિત મોજમઝા મારતો હતો. લાજરસ નામે એક ભિખારી જેને આખે શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો, અને તેને દાટવામાં આવ્યો. હાદેસમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહિમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. તેણે મોટેથી કહ્યું, “ઇબ્રાહિમ પિતા, મારા પર દયા કરીને લાજરસને મોકલો કે, તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે. કેમ કે આ બળતામાં હું વેદના પામું છું.’ પણ ઇબ્રાહિમે તેને કહ્યું, ‘દીકરા, તારા જીવનમાં તું સારી ચીજો પામ્યો હતો, અને લાજરસ તો ભૂંડી ચીજો [પામ્યો હતો] તે સંભાર; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે. એ સર્વ ઉપરાંત, અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે, તેથી જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર પણ આવી શકે નહિ.’ તેણે કહ્યું, ‘પિતા, હું વિનંતી કરું છું કે, તેને મારા પિતાને ઘેર મોકલો. કેમ કે મારે પાંચ ભાઈઓ છે કે, તે તેઓને સાક્ષી આપે, રખેને તેઓ પણ આ પીડાને સ્થળે આવી પડે.’ પણ ઇબ્રાહિમ કહે છે, ‘તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે. તેઓનું તેઓ સાંભળે.’ તેણે કહ્યું, ‘ઇબ્રાહિમ પિતા, એમ નહિ; પણ જો કોઈ મૂએલાંમાંથી ઊઠીને તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે.’ તેમણે તેને કહ્યું, ‘જો મૂસા તથા પ્રબોધકોનું તેઓ નહિ સાંભળે, તો જો મૂએલાંમાંથી કોઈ ઊઠે, તોપણ તેઓ માનવાના નથી.”
પ્રેરિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધારો.” પ્રભુએ કહ્યું, “જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લર ઝાડને કહેત કે, ‘તું ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા’ તો તે તમારું માનત.પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેડતો અથવા ચારતો હોય, તે [ચાકર] જ્યારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે છે કે, ‘આવીને તરત જમવા બેસ?’ એથી ઊલટું, શું તે તેને એમ નહિ કહેશે કે, ‘મારું વાળું તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને પછી તું ખાજેપીજે?’ તે દાસે તેની આજ્ઞા પાળી માટે તે તેનો આભાર માને છે શું? તેમ જ આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, ‘અમે નકામા ચાકરો છીએ; કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે.’”
પ્રકરણ 40
યરુશાલેમ જતાં તે સમરૂન તથા ગાલીલમાં થઈને જતા હતા. એક ગામમાં તે પ્રવેશ્યા, એટલે દશ રક્તપિત્તિયા તેમને સામા મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને મોટે અવાજે કહ્યું, “હે સ્વામી, અમારા પર દયા કરો.” તેઓને જોઈને તેમણે કહ્યું, “જાઓ, તમે તમારાં શરીરને યાજકોને બતાવો. તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા.” તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતો પાછો ફર્યો. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો. ઈસુએ તેને પૂછ્યું, “શું દશે જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા નવ ક્યાં છે? ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે, એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહિ શું?” તેમણે તેને કહ્યું, “ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.”
ફરોશીઓએ તેમને પૂછ્યું, “ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે?” ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “ઈશ્વરનું રાજ્ય દશ્ય રીતે નથી આવતું. અને એમ નહિ કહેવામાં આવે કે જુઓ, આ રહ્યું! કે, પેલું રહ્યું! કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.” તેમણે શિષ્યોને કહ્યું, “એવા દિવસ આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ચાહશો, પણ તમે જોશો નહિ. તેઓ તમને કહેશે કે, ‘જુઓ, પેલો રહ્યો! જુઓ, આ રહ્યો!’ તમે જતા ના, અને એમની પાછળ ચાલતા ના. કેમ કે ચમકતી વીજળી એક દિશાથી બીજી દિશા સુધી આકાશમાં પ્રકાશે છે; તેમ માણસના દીકરાનું પોતાના સમયમાં થશે. પણ તે પહેલાં તેને ઘણું સહન કરવું પડશે, અને આ પેઢીથી તેને નાપસંદ થવું પડશે. જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચઢી બેઠો ત્યાં સુધી તેઓ ખાતાપીતા ને પરણતાપરણાવત હતા; અને જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
તેમ જ લોતના દિવસોમાં પણ થશે. તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા. પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યાં, અને તેથી બધાનો નાશ થયો! જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે. તે દિવસે જે ધાબા પર હોય, અને તેનો સામાન ઘરમાં હોય તો તે લેવા માટે તેણે નીચે ઊતરવું નહિ; જે ખેતરમાં હોય તેણે પણ પાછા ફરવું નહિ. લોતની પત્નીને સંભારો. જે કોઈ પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરશે, તે તેને ખોશે; અને જે કોઈ તેને ખોશે તે તેને બચાવશે. હું તમને કહું છું કે, તે રાત્રે એક ખાટલામાં બે જણ હશે; તેમાંનો એક લઈ લેવાશે, અને બીજો પડતો મુકાશે. બે સ્ત્રી સાથે દળતી હશે; તેમાંની એક લઈ લેવાશે, અને બીજી પડતી મુકાશે. ખેતરમાં બે જણ હશે; તેમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે.” માટે જાગતા રહો કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે. તેઓએ તેમને પૂછ્યું કે, “પ્રભુ ક્યાં?” તેમણે તેઓને કહ્યું, “જ્યાં મુડદું હશે, ત્યાં ગીધો પણ એકઠાં થશે.”
સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને કાયર થવું નહિ. તે [શીખવવા] માટે તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું, “એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, તે ઈશ્વરથી બીતો નહોતો, તેમ જ માણસને ગણકારતો નહોતો! તે શહેરમાં એક વિધવા હતી. તે વારંવાર તેની પાસે આવીને કહેતી કે, મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવો.’ કેટલીક મુદત સુધી તે [એમ કરવા] ઇચ્છતો ન હતો, પણ પછી તેણે પોતાના મનમાં કહ્યું કે, ‘જો કે હું ઇશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી. તોપણ આ વિધવા મને તસ્દી દે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, રખેને તે વારેઘડીએ આવીને મને થકવે.’પ્રભુએ કહ્યું, “તે અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. તો ઈશ્વર પોતાના પસંદ કરેલા કે, જેઓ તેમને રાતદિવસ વીનવે છે, અને જેઓના વિષે તે ખામોશી રાખે છે, તેઓને ન્યાય શું નહિ આપશે? હું તમને કહું છું કે તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જડશે શું!”
કેટલાક પોતાના વિષે અભિમાન રાખતા હતા કે, “અમે ન્યાયી છીએ’, ને બીજાઓને તુચ્છકારતા હતા. તેઓને પણ તેમણે આ દ્દષ્ટાંત કહ્યું, “બે માણસ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા; એક ફરોશી અને બીજો જકાતદાર. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી, “ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ જકાતદારના જેવો હું નથી, માટે હું તમારી આભારસ્તુતિ કર છું. અઠવાડિયામાં હું બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો દશમો ભાગ આપું છું’ પણ જકાતદરે દૂર ઊભા રહીને પોતાની નજર આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતાં છાતી કૂટીને કહ્યું, ‘ઓ ઈશ્વર, હું પાપી છું, મારા પર દયા કરો.’ હું તમને કહું છું કે, પેલા કરતાં એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”
પ્રકરણ 41
અને ઈસુ એ વાતો પૂરી કર્યા પછી ગાલીલથી નીકળીને યર્દનને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. અને અતિ ઘણા લોકો તેમની પાછળ ગયા, ને ત્યાં તેમણે તેઓને સાજા કર્યા. અને તેમના રિવાજ પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો. અને ફરોશીઓએ પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં તેમને પૂછ્યું, “શું પુરુષે પોતાની પત્નીને મૂકી દેવી ઉચિત છે?” પણ તેમણે તેઓને કહ્યું, “મૂસાએ તમને શી આજ્ઞા આપી હતી?” અને તેઓએ કહ્યું, “ફારગતી લખીને તેને મૂકી દેવાની મૂસાએ રજા આપી.” પણ ઈસુએ તેઓને કહ્યું, “તમારાં હ્રદયની કઠણતાને લીધે મૂસાએ તમારે માટે એવી આજ્ઞા લખી. ને કહ્યું કે, ‘તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે; અને બન્ને એક દેહ થશે.’ માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.” અને હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે. અને તે મૂકી દીધેલીની સાથે જે પરણે તે પણ વ્યભિચાર કરે છે.”
અને ઘરમાં તેમના શિષ્યોએ ફરી તે જ બાબત વિષે તેમને પૂછ્યું. અને તે તેઓને કહે છે, “જે કોઈ પોતાની પત્નીને મૂકી દે, ને બીજીને પરણે, તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે. અને જો પત્ની પોતાના પતિને મૂકી દે, ને બીજાને પરણે, તો તે વ્યભિચાર કરે છે.” તેમના શિષ્યો તેમને કહે છે, “જો સ્ત્રી સંબંધી પુરુષનો એવો હાલ છે, તો પરણવું સારું નથી.” ત્યારે તેમણે તેઓને કહ્યું, “સર્વથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. કેમ કે કેટલાક ખોજા છે કે જેઓ પોતાની માના પેટથી એવા જન્મેલા છે. અને કેટલાક ખોજા છે કે જેઓને માણસોએ ખોજા બનાવેલા છે. વળી કેટલાક ખોજા છે કે જેઓએ આકાશના રાજ્યને લીધે પોતાને ખોજા કરેલા છે. જે પાળી શકે તે પાળે.”
ત્યાર પછી લોકો બાળકોને તેમની પાસે લાવ્યાં, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે, અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. પણ ઈસુ તે જોઈને નાખુશ થયા, ને તેમણે તેઓને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને રોકો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે. હું તમને ખચીત કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે એમાં પ્રવેશ કરશે જ નહિ.” અને તેમણે તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો.
અને તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક જણ તેમની પાસે દોડતો આવ્યો, ને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું, “ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરું?” અને ઈસુએ તેને કહ્યું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર, તે વિના કોઈ ઉત્તમ નથી. પણ જો તું જીવનમાં પેસવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.” તે તેમને કહે છે, “કઈ કઈ?” ત્યારે ઈસુએ કહ્યું, “તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તુંચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર. પોતાનાં માબાપને માન આપ, ને પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.” તે જુવાને તેમને કહ્યું “એ બધી તો હું પાળતો આવ્યો છું. હજી મારામાં શું અધૂરું છે?” અને તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું, ને તેમણે તેને કહ્યું, “તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, ને આકાશમાં તને દોલત મળશે. અને આવ, મારી પાછળ ચાલ.”
પણ તે વાતને લીધે તેનું મોં ઊતરી ગયું, ને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની સંપત ઘણી હતી. અને ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે, “જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું કેટલું બધું અઘરું પડશે!” અને તેમની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે, “વત્સ, દોલત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું અઘરું છે! દોલતવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે.” અને તેઓને ઘણી નવાઈ પામીને અંદરોઅંદર કહ્યું, “તો કોણ તારણ પામી શકે?” ઈસુ તેઓની તરફ જોઈને કહે છે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.”
ત્યારે પિતરે તેમને કહ્યું, “જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?” અને ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, જ્યારે પુનરુત્પત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયેલનાં બારે કુળોનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બેસશો.
જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માતાપિતાને કે છોકરાંને, ઈશ્વરના રાજ્યને લીધે મૂક્યાં હશે, તે હમણાં આ સમયે સોગણાં ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાંને તથા ખેતરોને સતાવણી સહિત, તથા આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ. પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા, ને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે.”
કેમ કે આકાશનું રાજ્ય એક ઘરધણીના જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો રોકવાને મળસકામાં બહાર ગયો. અને તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર ઠરાવીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. અને આશરે પહોર દિવસ ચઢતાં બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઊભા રહેલા જોયા. અને તેણે તેઓને ક્હ્યું, “તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ, ને જે કંઈ યોગ્ય હશે, તે હું તમને આપીશ.” અને તેઓ ગયા. વળી આશરે બપોરે તથા ત્રીજે પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. અને આશરે અગિયારમે કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને નવરા ઊભા રહેલા જોયા; ત્યારે તે તેઓને કહે છે, “આખો દિવસ તમે કેમ અહીં નવરા ઊભા રહ્યા છો?” તેઓ તેને કહે છે, “કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી તે માટે.” તે તેઓને કહે છે, “તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.અને સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો ધણી પોતાના કારભારીને કહે છે, “મજૂરોને બોલાવીને છેલ્લાથી માંડીને પહેલા સુધી તેઓનું વેતન આપ.” અને જેઓને તેણે આશરે અગિયારમે કલાકે રાખ્યા હતા, તેઓ જ્યારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર મળ્યો. પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ એવું ધારતા હતા કે અમને વધારે મળશે! પણ તેઓને પણ એક દીનાર મળ્યો. ત્યારે તે લઈને તેઓએ ઘરધણીની વિરુદ્ધ કચકચ કરી, ને કહ્યું, “આ પાછલાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે, અને તેં તેઓને અમારી એટલે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે.” પણ તેણે તેઓમાંના એકને ઉત્તર આપ્યો, “મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તેં મારી સાથે એક દીનાર ઠરાવ્યો નહોતો? તારું લઈને ચાલ્યો જા, જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે. જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું ઉદાર છું માટે તને ઈર્ષા આવે છે શું?” એમ જેઓ છેલ્લા તેઓ પહેલા અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે.
પ્રકરણ 42
અને યરુશાલેમની ભણી ચઢતાં તેઓ માર્ગમાં હતા; અને ઈસુ તેઓની આગળ ચાલતા હતા. અને તેઓ નવાઈ પામ્યા, ને પાછળ ચાલનારા બીધા. રસ્તે બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું, તેમણે બારેય શિષ્યો ને પાસે બોલાવીને કહ્યું, “જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોએ જે લખેલું છે તે સર્વ પૂરું કરવામાં આવશે. અને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપી દેવાશે, અને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે, ને તેને વિદેશીઓને સોંપશે. અને તેઓ તેની મશ્કરી કરશે, ને તેના પર થૂંકશે, ને તેને કોરડા મારશે, ને તેને મારી નાખશે; અને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.” પણ એમાંનું કંઈ પણ તેઓના સમજવામાં આવ્યું નહિ. આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ.
અને ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન તેમની પાસે આવીને કહે છે, “ઉપદેશક, અમારી ઇચ્છા છે કે, અમે જે કંઈ માંગીએ તે તમે અમારે માટે કરો.” અને તેમણે તેઓને કહ્યું, “તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?” ત્યારે તેઓએ તેમને કહ્યું, “તમારા મહિમામાં અમે એક તમારે જમણે હાથે, ને એક તમારે ડાબે હાથે બેસીએ, એવું અમારે માટે કરો.” પણ ઈસુએ તેઓને કહ્યું, “તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છે?” અને તેઓએ તેમને કહ્યું, “અમે તેમ કરી શકીએ છીએ.” પણ ઈસુએ તેઓને કહ્યું, “જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો ખરા, ને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લેશો ખરા! પણ મારે જમણે હાથે કે ડાબે હાથે કોઈને બેસવા દેવું એ મારું કામ નથી, ૫ણ જેઓને માટે તે તૈયાર કરેલું છે તેઓને માટે છે.” અને [બાકીના] દશ એ સાંભળીને યાકૂબ તથા યોહાન સંબંધી નાખુશ થયા. પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે, “તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા કહેવાય છે, તેઓ તેમના પર ધણીપણું કરે છે. અને તેઓમાં જે મોટા તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એમ નથી; પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય. અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સહુનો દાસ થાય. જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”
અને તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી તે તથા તેમના શિષ્યો તથા ઘણા લોકો નીકળતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે આંધળો ભિખારી હતો તે માર્ગની કોરે બેઠો હતો. ઘણા લોકોને પાસે થઈને જતા સાંભળીને તેણે પૂછ્યું, “આ શું હશે?” તેઓએ તેને કહ્યું, “ઈસુ નાઝારી પાસે થઈને જાય છે.” અને એ ઈસુ નાઝારી છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો, “ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.” અને ઘણાએ તેને ધમકાવ્યો, “ચૂપ રહે.” પણ તેણે વત્તી બૂમ પાડી, “ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો.” અને ઈસુએ ઊભા રહીને કહ્યું, “તેને બોલાવો.” અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે, “હિમ્મત રાખ; ઊઠ, તે તને બોલાવે છે.” અને તે પોતાનું વસ્ત્ર નાખી દઈને ઊઠ્યો, ને ઈસુની પાસે આવ્યો. અને ઈસુએ તેને કહ્યું, “હું તારે માટે શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?” આંધળાએ તેમને કહ્યું, “સ્વામી, હું દેખતો થાઉં.” ઈસુએ તેને કહ્યું, “તું દેખતો થા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.” તરત તે દેખતો થયો, અને ઈશ્વરનો મહિમા પ્રગટ કરતો તે તેમની પાછળ ચાલ્યો; તે જોઈને બધા લોકોએ ઈશ્વરની આભારસ્તુતિ કરી.
ઈસુ યરીખોમાં થઈને જતા હતા. જાખ્ખી નામે એક પુરુષ હતો, તે મુખ્ય જકાતદાર હતો, અને શ્રીમંત હતો. તેણે ઈસુને જોવા પ્રયત્ન કર્યો કે તે કોણ છે; પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે ઠીંગણો હતો. તેથી આગળ દોડી જઈને તે તેમને જોવા માટે એક ગુલ્લર ઝાડ પર ચઢયો; કેમ કે તે જ રસ્તે થઈને તે જવાના હતા. તે જગાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું, “જાખ્ખી, તું જલ્દી ઊતરી આવ; કેમ કે આજે મારે તારે ઘેર ઊતરવાનું છે.” તે જલ્દી ઊતરી આવ્યો, અને તેણે આનંદથી તેમનો આવકાર કર્યો. તે જોઈને બધાએ કચકચ કરીને કહ્યું, “એક પાપી માણસને ત્યાં તે પરોણો રહેવા ગયો છે.” જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું, “પ્રભુ, હું મારી સંપત્તિનો અર્ધો ભાગ દરિદ્રીઓને આપું છું; જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય, તો હું તેને ચોગણું પાછું આપીશ.” ઈસુએ તેને કહ્યું, “આજે આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહિમનો દીકરો છે. કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે.”
તેઓ આ વાતો સાંભળતા હતા, ત્યારે તેમણે એક દ્દષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરુશાલેમ પાસે આવ્યા હતા, અને તેઓ એમ ધારતા હતા કે, “ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે.” માટે તેમણે કહ્યું, “એક કુલીન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવા [નો ઇરાદો રાખીને] દૂર દેશ ગયો. તેણે પોતાના દશ ચાકરોને બોલાવીને તેઓને દશ મહોર આપીને કહ્યું, ‘હું આવું ત્યાં સુધી તેનો વહીવટ કરો.’ પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, ‘એ માણસ અમારા પર રાજ કરે એવું અમે ચાહતા નથી.’ તે રાજ્ય મેળવીને પાછો આવ્યો, ત્યારે જે ચાકરોને તેણે નાણું આપ્યું હતું, તેઓને તેણે પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા તે તે જાણે. ત્યારે પહેલાએ તેની આગળ આવીને કહ્યું કે, ‘સાહેબ, તમારી એક મહોરે બીજી દશ મહોર પેદા કરી છે.’ તેણે તેને કહ્યું કે, ‘શાબાશ, સારા ચાકર; તું નાની વાતમાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે, માટે દશ શહેરોનો અધિકારી થા.’ બીજાએ આવીને કહ્યું કે, ‘સાહેબ તમારી એક મહોરે બીજી પાંચ મહોર પેદા કરી છે.’ તેણે તેને પણ કહ્યું કે, ‘તું પણ પાંચ શહેરોનો ઉપરી થા.’ બીજાએ આવીને કહ્યું કે, ‘સાહેબ, જુઓ તમારી મહોર આ રહી, મેં રૂમાલમાં બાંધીને તેને રાખી મૂકી હતી, કારણ કે હું તમારાથી બીધો, કેમ કે તમે કઠણ માણસ છો; તમે જે મૂક્યું ન હોય તે તમે ઉઠાવો છો, અને તમે જે વાવ્યું ન હોય તે તમે કાપો છો.’ તેણે તેને કહ્યું, ‘ઓ ભૂંડા ચાકર, તારા પોતાના મોંથી હું તારો ન્યાય કરીશ. હું કઠણ માણસ છું, મેં જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે હું કાપું છું, એમ તું જાણતો હતો, તો શાહુકારને ત્યાં મારું નાણું તેં કેમ નહોતું આપ્યું કે, હું આવીને વ્યાજ સાથે મારું વસૂલ કરત?’ પછી જેઓ પાસે ઊભા હતા તેઓને તેણે કહ્યું કે, ‘તેની પાસેથી તે મહોર લઈ લો, અને જેની પાસે દશ મહોર છે તેને આપો.’ તેઓએ તેને કહ્યું કે, ‘સાહેબ, તેની પાસે તો દશ મહોર છે!’ હું તમને કહું છું કે, જે કોઈની પાસે છે, તેને આપવામાં આવશે, અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. પરંતુ આ મારા વૈરી જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં લાવો, અને મારી આગળ મારી નાખો.” એમ કહ્યા પછી તે યરુશાલેમને માર્ગે તેમની આગળ ચાલતા થયા.
પ્રકરણ 43
હવે મરિયમ તથા તેની બહેન માર્થાના ગામ બેથાનિયાનો લાજરસ નામે એક જણ માંદો હતો. જે મરિયમે પ્રભુને અત્તર ચોળ્યું હતું, અને તેમના પગ પોતાને ચોટલે લૂછયા હતા, તેનો ભાઈ લાજરસ માંદો હતો. એ માટે બહેનોએ તેમને કહેવડાવી મોકલ્યું, “પ્રભુ, જેના પર તમે પ્રેમ રાખો છો, તે માંદો છે.” પણ ઈસુએ એ સાંભળીને કહ્યું, “જેથી મરણ થાય એવી આ માંદગી નથી. પણ તે ઈશ્વરના મહિમાને અર્થે છે કે તેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.” હવે માર્થા તથા તેની બહેન તથા લાજરસ ઉપર ઈસુ પ્રેમ રાખતા હતા. તે માંદો છે, એવી તેમને ખબર મળી ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ રહ્યા. ત્યાર પછી તે તેમના શિષ્યોને કહે છે, ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.” શિષ્યો તેમને કહે છે, “રાબ્બી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થર મારવાની કોશિશ કરતા હતા; તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?” ઈસુએ ઉત્તર આપ્યો, “શું દિવસના બાર કલાક નથી? દિવસે જો કોઈ ચાલે, તો તે આ જગતનો પ્રકાશ જુએ છે, માટે ઠોકર ખાતો નથી. પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં પ્રકાશ નથી, માટે તે ઠોકર ખાય છે.” તેમણે એ વાતો કહી, અને ત્યાર પછી તે તેઓને કહે છે, “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે. પણ હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું. ત્યારે શિષ્યોએ તેમને કહ્યું, “પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થઈ જશે.” ઈસુએ તો તેના મરણ વિષે કહ્યું હતું; પણ તેઓને એવું લાગ્યું કે, તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું. ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, લાજરસ મરી ગયો છે. અને હું ત્યાં નહોતો, માટે તમારી ખાતર હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો. પણ ચાલો, આપણે તેની પાસે જઈએ. ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્યબંધુઓને કહ્યું કે, “આપણે પણ જઈએ, અને તેની સાથે મરી જઈએ.”
હવે જ્યારે ઈસુ [ત્યાં] આવ્યા ત્યારે તેમને માલૂમ પડયું કે, તેને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે. હવે બેથાનિયા યરુશાલેમની નજીક, એટલે બેએક માઈલને છેટે હતું. માર્થા તથા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે ઘણા યહૂદીઓ આવ્યા હતા. ઈસુ આવ્યા છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ. પણ મરિયમ ઘરમાં બેસી રહી. ત્યારે માર્થાએ ઈસુને કહ્યું, “પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ. અને હજુ પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે, એ હું જાણું છું” ઈસુ તેને કહે છે, “તારો ભાઈ પાછો ઊઠશે.” માર્થા તેમને કહે છે, “છેલ્લે દિવસે પુનરુત્થાનમાં તે પાછો ઊઠશે, એ હું જાણું છે.” ઈસુએ તેને કહ્યું, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તોપણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે, અને મારા પર વિશ્વાસ રાખે છે, તે કદી મરશે નહિ જ. તું શું એવો વિશ્વાસ રાખે છે?” તે તેમને કહે છે, “હા, પ્રભુ; મેં વિશ્વાસ રાખ્યો છે કે તમે ઈશ્વરના દીકરા, ખ્રિસ્ત, જે જગતમાં આવનાર છે તે જ છો.” એમ કહીને તે ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું, “ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.” એ સાંભળીને તે જલદીથી ઊઠીને તેમની પાસે ગઈ.
ઈસુ તો હજી ગામમાં આવ્યા નહોતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગાએ હતા. ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા અને તેને દિલાસો આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર આગળ વિલાપ કરવાને જાય છે, એવું ધારીને તેઓ તેની પાછળ ગયા. જ્યાં ઈસુ હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે લાગીને તેમને કહ્યું, “પ્રભુ, જો તમે અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.” ત્યારે તેને રડતી જોઈને, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, ઈસુએ મનમાં નિસાસો મૂક્યો, અને પોતે વ્યાકુળ થયા. તેમણે પૂછયું, “તમે તેને ક્યાં મૂક્યો છે?” તેઓ તેમને કહે છે, “પ્રભુ, આવીને જુઓ.” ઈસુ રડયા. એ જોઈને યહૂદીઓએ કહ્યું, “જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા!” પણ તેઓમાંના કેટલાકે કહ્યું, “જેમણે આંધળાની આંખો ઉઘાડી, તેમનામાં શું આ માણસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?” તેથી ઈસુ ફરીથી નિસાસો મૂકીને કબર આગળ આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. ઈસુ કહે છે, “પથ્થરને ખસેડો.” મરનારની બહેન માર્થા તેમને કહે છે, “પ્રભુ, હવે તો તે ગંધાતો હશે; કેમ કે આજે તેને ચાર દિવસ થયા.” ઈસુ તેને કહે છે, “જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું?” ત્યારે તેઓએ પથ્થર ખસેડયો. અને ઈસુએ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું. અને તમે નિત્ય મારું સાંભળો છો એ હું જાણું છું. પણ જે લોકો આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.” એમ બોલ્યા પછી તેમણે ઊંચે સ્વરે પોકાર્યું, “લાજરસ બહાર આવ.” ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટાયેલો બહાર આવ્યો! અને તેનો મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, “એનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.”આથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે જે કર્યું તે જોયું હતું, તેઓમાંના ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો.
પણ તેઓમાંના કેટલાક ફરોશીઓની પાસે ગયા, અને ઈસુએ જે કામ કર્યાં હતાં, તે તેઓને કહી સંભળાવ્યાં. એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું, “આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે. જો આપણે તેને એમ ને એમ જ રહેવા દઈએ, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે, અને રોમનો આવીને આપણું ઠામઠેકાણું તથા પ્રજાપણું લઈ લેશે.”પણ તેઓમાંનો એક કાયાફા નામે તે વરસે પ્રમુખ યાજક હતો, તેણે તેઓને કહ્યું, “તમે કંઈ જ જાણતા નથી, અને સમજતા નથી કે લોકની વતી એક માણસ મરે, ને આખી પ્રજા નાશ ન પામે, એ તમારે માટે લાભકારક છે. આ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકની વતી ઈસુ મરશે. અને એકલા આ લોકની વતી નહિ, પણ ઈશ્વરનાં વિખેરાઈ ગયેલાં છોકરાંઓને પણ તે એકત્ર કરીને એક કરે તે માટે.” તેથી તે દિવસથી માંડીને તેઓ તેમને મારી નાખવાની વિચારણા કરવા લાગ્યા. તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઉઘાડી રીતે ઈસુ ફર્યા નહિ, પણ ત્યારથી અરણ્યની પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા; અને પોતાના શિષ્યો સાથે ત્યાં રહ્યા. હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, અને પાસ્ખા અગાઉ પોતાને શુદ્ધ કરવાને માટે ઘણા લોકો બહાર ગામથી યરુશાલેમ ગયા હતા. તેથી તેઓએ ઈસુની શોધ કરી અને મંદિરમાં ઊભા ઊભા અંદરોઅંદર પૂછવા લાગ્યા, “તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાના નથી?” હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવો હુકમ કર્યો હતો કે, તે ક્યાં છે તેની જો કોઈ માણસને ખબર પડે તો તેણે ખબર આપવી, જેથી તેઓ તેમને પકડે.
પ્રકરણ 44
પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા; લાજરસ, જેને ઈસુએ મરી ગયેલાંઓમાંથી ઉઠાડયો હતો, તે ત્યાં હતો. માટે તેઓએ તેમને માટે ત્યાં વાળું કર્યું. તે વખતે માર્થા સરભરા કરતી હતી; અને તેમની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતો. તે સમયે મરિયમે ઘણું મૂલ્યવાન જટામાંસીનું એક શેર અત્તર લઈને ઈસુને પગે ચોળ્યું, અને પોતાને ચોટલે તેમના પગ લૂછયા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી. પણ તેમના શિષ્યોમાંનો એક, યહૂદા ઇશ્કારિયોત, જે તેમને પરસ્વાધીન કરનાર હતો, તે કહે છે, “એ અત્તર ત્રણસો દીનારે વેચીને [તે પૈસા] ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?” હવે ગરીબોને માટે તેને લાગણી હતી એ કારણથી તેણે આમ કહ્યું ન હોતું. પણ તે ચોર હતો, અને થેલી રાખતો હતો, અને તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું. ત્યારે ઈસુએ કહ્યું, “મને દફન કરવાના દિવસને માટે તેને એ રાખવા દે. કેમ કે, ગરીબો તો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.” જ્યારે યહૂદીઓમાંના ઘણા લોકોને ખબર પડી કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરી ગયેલામાંથી ઉઠાડયો હતો, તેને પણ જોવા માટે ત્યાં આવ્યા. પણ મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી, કેમ કે તેના કારણથી ઘણા યહૂદીઓ ચાલ્યા ગયા, અને ઈસુ પર વિશ્વાસ કર્યો.
અને તેઓ યરુશાલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયાની પાસે આવે છે, ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે, ને તેઓને કહે છે, “સામેના ગામમાં જાઓ; અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી, એવો તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો. અને જો કોઈ તમને પૂછે, ‘તમે શા માટે એમ કરો છો?’ તો એમ કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે;’ અને તરત તે એને અહીં મોકલશે.” અને તેઓ ગયા, ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો; અને તેઓ તેને છોડે છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને પૂછ્યું, “વછેરાને તમે શું કરવા છોડો છો?” અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું, અને તેઓએ તેમને જવા દીધા. અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા, ને તેના પર પોતાનાં વસ્ત્ર નાખ્યાં; અને તેના પર તે બેઠા. અને ઘણાઓએ પોતાનાં વસ્ત્ર રસ્તામાં પાથર્યાં; અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. તે નજીક, જૈતૂન પહાડના ઢોળાવ પાસે, આવી પહોંચ્યા, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે બધાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યો, અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું, “દાઉદના દીકરાને હોસાન્ના પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના.”
પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે; ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર આવ્યા. તેઓએ પોકારીને કહ્યું, “હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તેમને ધન્ય છે!” ઓ સિયોનની દીકરી, ગભરાઈશ નહિ. જો, તારો રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે.” પ્રથમ તેમના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, તેમના સંબંધી એ વાતો લખેલી છે, અને તે જ પ્રમાણે તેઓએ તેમને માટે કર્યું હતું. લોકોમાંથી કેટલાક ફરોશીઓએ તેમને કહ્યું, “ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.” તેમણે તેઓને ઉત્તર આપ્યો, “હું તમને કહું છું કે જો તેઓ છાના રહેશે તો પથરા પોકારી ઊઠશે.” તે માટે ફરોશીઓએ અંદરોઅંદર કહ્યું, “જુઓ, તમારું તો કંઈ વળતું નથી; જુઓ આખું જગત તેમની પાછળ ગયું છે.”
અને જ્યારે તે યરુશાલેમમાં આવ્યા ત્યારે તે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું, “એ કોણ છે?” ત્યારે લોકોએ કહ્યું, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાઝરેથના, તે એ છે.” તે પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેમણે તેને માટે રડીને કહ્યું, “જો તેં, હા તેં, તારી શાંતિને લગતાં જે વાનાં છે તે આજે જાણ્યાં હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલાં છે. કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વૈરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરી લઈને ચારે તરફથી તને સંકડાવશે, તેઓ તને તથા તારામાં વસતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે. અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ. કેમ કે તારી કૃપાદષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.” અને ઈસુ યરુશાલેમ જઈને મંદિરમાં ગયા. અને ચોતરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સહિત નીકળીને તે બેથાનિયામાં ગયા.
અને બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી નીકળીને આવતાં તે ભૂખ્યા થયા; અને એક અંજીરી જેને પાંદડાં આવ્યાં હતાં તેને દૂરથી જોઈને તે તેની પાસે ગયા કે કદાચ તેમને તે પરથી કંઈ મળે; અને તે તેની પાસે આવ્યા ત્યારે પાંદડાં વિના તેમને કંઈ મળ્યું નહિ; કેમ કે અંજીરોની ૠતુ ન હતી. અને ઈસુએ તેને કહ્યું, “હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ.” અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું. અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ. એ જોઈને શિષ્યો નવાઈ પામીને બોલ્યા, “અંજીરી કેવી રીતે એકદમ સુકાઈ ગઈ?”
અને તેઓ યરુશાલેમ આવે છે. અને તે મંદિરમાં ગયા ને મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મૂકવા લાગ્યા, ને નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધાં વાળ્યાં. અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઈ જવા દીધું નહિ. અને તેઓને બોધ કરતાં તેમણે કહ્યું, “શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.” અને મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું, ને તેમનો નાશ શી રીતે કરવો તે વિષે શોધ કરી; કેમ કે તેઓ તેમનાથી બીધા, કારણ કે સર્વ લોકો તેમના ઉપદેશથી નવાઈ પામતા. અને આંધળા તથા લંગડા તેમની પાસે મંદિરમાં આવ્યા, ને તેમણે તેઓને સાજા કર્યા. પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે છોકરાં મંદિરમાં મોટે સ્વરે દાઉદના દીકરાને હોસાન્ના કહેતાં હતાં, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. અને તેઓએ તેમને કહ્યું, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે, “હા, બાળકોનાં તથા ધાવણાંઓનાં મોંથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?” પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને તે ત્યાં રહ્યા.
પ્રકરણ 45
અને તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતાં તેને જડથી સુકાઈ ગયેલી જોઈ. અને પિતર સંભારીને તેમને કહે છે, “સ્વામી, જુઓ, જે અંજીરીને તમે શાપ દીધો હતો તે સુકાઈ ગઈ છે.” અને ઈસુ તેઓને કહે છે, “ઈશ્વર પર વિશ્વાસ રાખો. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું, જો તમને વિશ્વાસ હોય, ને તમે સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો એટલું જ નહિ, પણ જો તમે આ પહાડને કહેશો કે, તું ઊંચકાઈને સમુદ્રમાં નંખા, તો તેમ જ થશે. એ માટે હું તમને કહું છું કે, પ્રાર્થના કરતાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે. અને જ્યારે જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો; એ માટે કે તમારા પિતા જે આકાશમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે. પણ જો તમે તેને માફ નહિ કરો, તો તમારા પિતા જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહિ.”
તે રોજ મંદિરમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓ તેમને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. પણ શું કરવું તે તેઓને સૂઝયું નહિ. કેમ કે બધા લોકો એકાગ્રચિત્તે તેમનું સાંભળતા હતા. તે અરસામાં એક દિવસે તે મંદિરમાં લોકોને બોધ કરતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ, વડીલો સહિત, પાસે આવીને ઊભા રહ્યા. તેમને કહ્યું, “કયા અધિકારથી તમે આ કામો કરો છો? અથવા આ કામો કરવાનો તમને કોણે અધિકાર આપ્યો? અને ઈસુએ તેઓને કહ્યું, “હું એક વાત તમને પૂછીશ, અને તેનો તમે મને જવાબ આપશો, તો હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું તમને કહીશ. યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી? મને જવાબ આપો.” અને તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, “જો કહીએ કે, ‘આકાશથી’; તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ નહિ કર્યો? પણ જો ‘માણસોથી’ કહીએ; તો બધા લોક આપણને પથ્થરે મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.” તો લોકોથી આપણે બીહીએ છીએ, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.” અને તેઓએ ઈસુને કહ્યું, “અમે જાણતા નથી.” અને ઈસુ તેઓને કહે છે, “હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.”
હવે જેઓ પર્વમાં ભજન કરવાને આવ્યા હતા, તેઓમાંના કેટલાક ગ્રીક લોકો હતા. માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેને વિનંતી કરી, “સાહેબ, અમે ઈસુનાં દર્શન કરવા ચાહીએ છીએ.” ફિલિપ આવીને આન્દ્રિયાને કહે છે; અને આન્દ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહે છે. ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપે છે, “માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે. હું તમને ખચીત ખચીત કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહિ જાય, તો તે એકલો રહે છે. પણ જો તે મરી જાય, તો તે ઘણાં ફળ આપે છે. જે કોઈ પોતાના જીવ પર પ્રેમ રાખે છે, તે તેને ખુએ છે; અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને માટે તેને બચાવી રાખશે. જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય, તો પિતા તેને માન આપશે.
હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું. 28હે પિતા, તમારા નામનો મહિમા [પ્રગટ] કરો.” ત્યારે એવી આકાશવાણી થઈ કે, “મેં તેનો મહિમા [પ્રગટ] કર્યો છે, અને ફરી કરીશ.” ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું, તેઓએ કહ્યું, “ગર્જના થઈ.” બીજાઓએ કહ્યું, “દૂતે તેમની સાથે વાત કરી.” ઈસુએ ઉત્તર આપ્યો, “એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે. હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, તો હું સર્વને મારી તરફ ખેંચીશ.” પણ પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવીને તેમણે આ પ્રમાણે કહ્યું.
એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો, “ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?” ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હજી થોડીવાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે. અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે તે જાણતો નથી. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાઓ.” એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓનાથી સંતાઈ રહ્યા. તેમણે આટલા બધા ચમત્કારો તેઓના જોતાં કર્યા હતા, તોપણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ. યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે, ‘પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને પ્રભુનો હાથ કોની આગળ પ્રગટ થયેલો છે?’ યશાયા પ્રબોધકનું એ વચન પૂરું થાય, માટે તેઓ વિશ્વાસ કરી શક્યા નહિ. કેમ કે યશાયાએ વળી કહ્યું હતું, “તેઓ આંખોથી ન જુએ, અને અંત:કરણથી ન સમજે, અને પાછા ન ફરે, અને હું તેઓને સારાં ન કરું, માટે તેમણે તેઓની આંખો આંધળી કરી છે, અને તેઓનાં મન જડ કર્યાં છે.” યશાયાએ તેમનો મહિમા જોયો તે કારણથી તેણે એ વાતો કહી, અને તે તેમને વિષે બોલ્યો. તોપણ અધિકારીઓમાંના પણ ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે એવી બીકથી તેઓએ તેમને કબૂલ ન કર્યા. કેમ કે ઈશ્વર તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસોના તરફથી થતી પ્રશંસાને વધારે ચાહતા હતા.
ત્યારે ઈસુએ પોકારીને કહ્યું, “મારા પર જે વિશ્વાસ રાખે છે, તે એકલા મારા પર નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમના પર વિશ્વાસ રાખે છે. વળી જે મને જુએ છે, તે જેમણે મને મોકલ્યો છે તેમને જુએ છે. જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશરૂપે આવ્યો છું. જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. જે મારો અસ્વીકાર કરે છે, અને મારી વાતો માનતો નથી, તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી, તે જ છેલ્લે દિવસે તેનો ન્યાય કરશે. કેમ કે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી. પણ મારે શું કહેવું, અને મારે શું બોલવું, એ વિષે જે પિતાએ મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે. તેમની આજ્ઞા અનંતજીવન છે, એ હું જાણું છું. તે માટે જે કંઈ હું બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ હું બોલું છું.”
પ્રકરણ 46
અને તે તેઓને દ્દષ્ટાંતોમાં કહેવા લાગ્યા : પણ તમે શું ધારો છો? એક જણને બે દીકરા હતા, અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું, ‘દીકરા, તું આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’ ત્યારે તેણે કહ્યું, ‘હું નથી જવાનો, ’ તોપણ પછીથી તે પસ્તાઈને ગયો. અને બીજાની પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર દીધો, ‘સાહેબ, હું જાઉં છું, ’ તોપણ તે ગયો નહિ. તો તે બન્નેમાંથી કોણે પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? “તેઓ તેને કહે છે કે, પહેલાએ. ઈસુ તેઓને કહે છે, “હું તમને ખચીત કહું છું, દાણીઓ તથા વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં જાય છે. કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ નહિ કર્યો, પણ દાણીઓએ તથા વેશ્યાઓએ તેના પર વિશ્ચાસ કર્યો અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.”
“એક બીજું દ્દષ્ટાંત સાંભળો. એક ઘરધણી હતો, જેણે દ્રાક્ષાવાડી રોપી, ને તેની આસપાસ વાડ કરી, ને તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો, ને બુરજ બનાવ્યો, ને ખેડૂતોને તે ઇજારે આપી, ને પરદેશ ગયો. અને મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો કે, તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાડીનાં ફળમાંથી કંઈ લે. પણ તેઓએ તેને પકડીને માર્યો, ને ખાલી હાથે પાછો મોકલ્યો. અને ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો, અને તેઓએ તેનું માથું ફોડી નાખ્યું, ને તેને ધિક્કારીને કાઢી મૂક્યો. તેણે વળી ત્રીજાને મોકલ્યો; તેને પણ તેઓએ ઘાયલ કરીને બહાર કાઢ્યો. પણ પાછળથી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલીને કહ્યું, ‘તેઓ મારા દીકરાની અદબ રાખશે.’ પણ ખેડૂતોએ દીકરાને જોઈને અંદરોઅંદર કહ્યું, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ, ને એનો વારસો લઈ લઈએ.’ ત્યારે તેઓએ તેને પકડ્યો, ને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.
એ માટે જ્યારે દ્રાક્ષાવાડીનો ધણી આવશે ત્યારે એ ખેડૂતોને તે શું કરશે?” તેઓ તેમને કહે છે, “તે દુષ્ટોનો તે પૂરો નાશ કરશે; અને એવા બીજા ખેડૂતો કે જેઓ ૠતુએ તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી તે ઇજારે આપશે.” ઈસુ તેઓને કહે છે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો: એ પ્રભુથી બન્યું, અને આપણી નજરમાં આશ્વર્યકારક છે, એ શું તમે શાસ્ત્રમાં કદી નથી વાંચ્યું? એમાટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે. એ સાંભળીને તેઓએ કહ્યું, “એવું ન થાઓ.” પણ તેમણે તેઓની તરફ જોઈને કહ્યું, “તો આ જે લખેલું છે તે શું છે? એટલે, ‘જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો, તે જ ખૂણાનું મથાળું થયો; તે ૫થ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડા થઈ જશે; પણ જેના પર તે પડશે તેનો તે ભૂકો કરી નાખશે.” અને મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમનાં દ્દષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તે અમારા સંબંધી બોલે છે. અને તેઓએ તેમને પકડવાની કોશિશ કરી, પણ લોકોથી તેઓ બીધા, કેમ કે લોકો તેમને પ્રબોધક માનતા હતા.
અને ઈસુએ ફરીથી તેઓને દ્દષ્ટાંતમાં કહ્યું, “આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કર્યું. અને લગ્નમાં નોતરેલાઓને તેડવા માટે તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ. ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું, “નોતરેલાઓને કહો, જુઓ, મેં મારું જમણ તૈયાર કર્યું છે; મારા બળદ તથા પુષ્ટ જનાવરો કાપ્યાં છે, ને સર્વ વાનાં તૈયાર છે; લગ્નમાં આવો.” પણ તેઓએ એ ગણકાર્યું નહિ, અને તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના ખેતરમાં, ને કોઈ તેના વેપાર પર ગયો. અને બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા, ને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. એથી રાજા ગુસ્સે થયો, ને તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખૂનીઓનો નાશ કર્યો, ને તેઓનું નગર બાળી નાખ્યું. પછી તે પોતાના ચાકરોને કહે છે, “લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નોતરેલા યોગ્ય ન હતા. એ માટે તમે રસ્તાઓનાં નાકાં પર જાઓ, ને જેટલા તમને મળે તેટલાને લગ્નમાં બોલાવો.” અને તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને ભલાંભૂડાં જેટલા તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી લગ્નની ભરતી થઈ. અને મહેમાનોને જોવા માટે રાજા અંદર આવ્યો, ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને જોયો. ત્યારે તે તેને કહે છે, “ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?”અને તે અણબોલ્યો રહ્યો. ત્યારે રાજાએ ચાકરોને કહ્યું, “એના હાથપગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું ને દાંત પીસવું થશે. કેમ કે તેડેલા ઘણા છે,પણ પસંદ કરેલા થોડ છે.”
હવે તેમને શી રીતે વાતમાં સપડાવીએ એ સંબંધી ફરોશીઓએ જઈને યોજના ઘડી. પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું સાચો છે, ને સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો. માટે તું શું ધારે છે? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ? તે અમને કહે.” પણ ઈસુએ તેઓની ભૂંડાઈ જાણીને કહ્યું, “ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષણ કેમ કરો છો? કરનું નાણું મને બતાવો." ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા. ત્યારે તે તેઓને કહે છે, “આ સૂરત તથા લેખ કોનાં છે?” તેઓ તેને કહે છે કે, “કાઈસારનાં.” ત્યારે તે તેઓને કહે છે, “જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરના તે ઈશ્વરને ભરી આપો.” તેઓ આ વાતમાં તેમને પકડી શક્યા નહિ. અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ છાના રહ્યા.
પ્રકરણ 47
સાદૂકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને તેમને પૂછયું, “ઉપદેશક, મૂસાએ અમારે માટે લખ્યું છે કે, ‘જો કોઈનો ભાઈ, પત્ની જીવતી છતા. નિ:સંતાન મરણ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને લઈને પોતાના ભાઈને માટે સંતાન ઉપજાવે. વારુ, સાત ભાઈ હતા; પહેલો સ્ત્રી પરણીને નિ:સંતાન મરણ પામ્યો; પછી બીજાએ તેની લીધી. અને ત્રીજાએ પણ તેને લીધી. આ પ્રમાણે સાતે સંતાન મૂક્યાં વગર મરી ગયા. હવે પુનરુત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી.” ઈસુએ તેઓને કહ્યું, “શું તમે એ કારણથી ભૂલ નથી કરતા કે, તમે ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી? “આ જગતના છોકરા પરણે છે તથા પરણાવાય છે. પણ જેઓ તે જગતને તથા મૂએલાંમાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતાં નથી અને પરણાવતાં નથી. કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી. કારણ કે તેઓ દેવદૂતોના સરખાં છે. અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે. પણ મૂએલાં લોકો પાછા ઊઠે છે, તે સંબંધી, શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિષેના પ્રકરણમાં નથી વાંચ્યું કે, ઈશ્વરે તેને એમ કહ્યું, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું?’ તે મૂએલાંઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો ઈશ્વર છે. તમે મોટી ભૂલ કરો છો.” શાસ્ત્રીઓમાંના કેટલાકે ઉત્તર આપ્યો, “ઉપદેશક તમે ઠીક કહ્યું.” ત્યારે લોકો એ સાંભળીને તેમના બોધથી નવાઈ પામ્યા.
પણ જ્યારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સાદૂકીઓનાં મોં બંધ કર્યાં ત્યારે તેઓ એકત્ર થયા. અને શાસ્ત્રીઓમાંના એકે પાસે આવીને તેઓની તકરાર સાંભળી, ને ઈસુએ તેઓને સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેમને પૂછ્યું, “સહુ આજ્ઞાઓમાં પહેલી કઈ છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ સાંભળ; પ્રભુ આપણો ઈશ્વર તે પ્રભુ એક જ છે; અને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અને બીજી એ છે કે જેમ તું પોતાના પર પ્રેમ કરે છે તેમ તારા પડોશી પર પ્રેમ કર તેઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી.” આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.” અને શાસ્ત્રીએ તેમને કહ્યું, “ખરેખર, ઉપદેશક, તમે ઠીક કહ્યું છે કે, તે એક જ છે અને તે વિના બીજો કોઈ નથી. અને પૂરા હ્રદયથી, તથા પૂરી સમજણથી, તથા પૂરા સામર્થ્યથી, તેમના પર પ્રેમ કરવો, તથા પોતાના પર તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો તે સર્વ સંપૂર્ણ દહનિયાર્પણ તથા યજ્ઞ કરતાં અધિક છે.” અને તેણે ડહાપણથી ઉત્તર આપ્યો છે એ જોઈને ઈસુએ તેને કહ્યું, “તું ઈશ્વરના રાજ્યથી વેગળો નથી.” અને ત્યાર પછી કોઈએ તેમને પૂછપરછ કરવાની હિમ્મત ન ધરી.
હવે ફરોશીઓ એકત્ર મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું, “મસીહ સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓ તેમને કહે છે, “દાઉદનો, ”કેમ કે ગીતશાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે, ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. દાઉદ તો તેને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?” હવે જો દાઉદ તેને પ્રભુ કહે છે, તો તે શી રીતે તેનો દીકરો કહેવાય?” અને એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શક્યો નહિ, તેમ જ તે દિવસથી તેમને કંઈ પૂછવાને કોઈએ હિંમત કરી નહિ. અને બધા લોકોએ ખુશીથી તેમનું સાંભળ્યું.
તે બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નોતર્યા અને તે અંદર જઈને જમવા બેઠા. જમતા પહેલાં તે નાહ્યા નહિ, તે જોઈને ફરોશી નવાઈ પામ્યો. પ્રભુએ તેને કહ્યું, “તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી શુદ્ધ કરો છો. પણ તમારું અંતર જુલમે તથા ભૂંડાઈએ ભરેલું છે. અરે મૂર્ખો, જેમણે બહારનું બનાવ્યું તેમણે અંદરનું પણ બનાવ્યું નથી શું? પરંતુ અંદરની વસ્તુઓ દાનધર્મમાં આપો. અને, જુઓ, બધું તમને શુદ્ધ છે. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દશમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની મોટી વાતો, એટલે ન્યાયીકરણ તથા દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે! તમારે આ કરવાં, ને એ પડતાં મૂકવાં જોઈતાં ન હતાં. ઓ આંધળા દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો. તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચૌટાઓમાં સલામો ચાહો છો. તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેના ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.”
ત્યારે પંડિતોમાંના એકે તેમને કહ્યું, “ઉપદેશક, એમ કહેવાથી તમે અમને પણ મહેણાં મારો છો.” તેમણે કહ્યું, “ઓ પંડિતો, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહા મુસીબત પડે છે, અને તમે પોતે તે બોજાઓને તમારી એક આંગળી પણ લગાડતા નથી. તમો પંડિતોને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર પેઠા નથી, અને જેઓ અંદર પેસતા હતા તેઓને તમે અટકાવ્યા છે.” સર્વ લોકોના સાંભળતા તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ જામા પહેરીને ફરવાનું, ચૌટાઓમાં સલામો, તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે. તેઓ વિધવાઓનાં ઘર ખાઈ જાય છે, અને ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.”
પ્રકરણ 48
ત્યાર પછી ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું, “શાસ્ત્રીઓ અને ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે. માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો. પણ તેઓનાં કામ પ્રમાણે ન કરો, કેમ કે તેઓ કહે છે ખરા, પણ કરતા નથી. અને લોકો તેઓને જુએ એવા હેતુથી તેઓ પોતાનાં બધાં કામ કરે છે. તેઓ પોતાનાં સ્મરણપત્રોને પહોળાં બનાવે છે, ને પોતાનાં વસ્ત્રોની કોર વધારે છે. વળી જમણવારોમાં મુખ્ય જગાઓ, તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો, તથા ચૌટાંઓમાં સલામો, તથા માણસ તેઓને રાબ્બી કહે, એવું તેઓ ચાહે છે. પણ તમે રાબ્બી ન કહેવાઓ; કેમ કે એક જ તમારો ગુરુ છે, ને તમે સર્વ ભાઈઓ છો. અને પૃથ્વી પર તમે કોઈને તમારો પિતા ન કહો, કેમ કે એક જે આકાશમાં છે, તે તમારા પિતા છે. અને તમે સ્વામી ન કહેવાઓ, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારો સ્વામી છે. પણ તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય. અને જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે; અને જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે.
અને, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે વિધવાઓનાં ઘર તમે ખાઈ જાઓ છો, ને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે વત્તો દંડ ભોગવશો. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય કરવા માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો. અને તે થાય છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો. ઓ આંધળા દોરનારાઓ, તમને અફસોસ છે! તમે કહો છો, ‘જો કોઈ મંદિરના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે.’ ઓ મૂર્ખો તથા આંધળાઓ, વિશેષ મોટું તે કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું મંદિર? અને, જો કોઈ હોમવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરનાં અર્પણના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે. ઓ આંધળાઓ, વિશેષ મોટું તે કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી હોમવેદી? એ માટે જે કોઈ હોમવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધાં તેના પર છે તેના પણ સમ ખાય છે. અને જે કોઈ મંદિરના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે છે તેના પણ સમ ખાય છે. અને આકાશના સમ જે ખાય છે, તે ઈશ્વરના આસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.
ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે થાળીવાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા અન્યાય ભરેલા છે. ઓ આંધળા ફરોશી, તું પહેલા થાળીવાટકો અંદરથી સાફ કર કે, તે બહારથી પણ સાફ થઈ જાય. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મુડદાંના હાડકાંએ તથા દરેક અશુદ્ધપણાએ ભરેલી છે. તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગે તથા ભૂંડાઈએ ભરેલા છો. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, ને ન્યાયીઓની કબરો શણગારો છો; અને કહો છો, ‘જો અમે અમારા બાપ-દાદાઓના દિવસોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોના ખૂનમાં અમે ભાગિયા ન થાત.’ તમારા પૂર્વજોએ મારી નાખ્યા, તો તમે સાક્ષી છો, અને તમારા પૂર્વજોનાં કામોને સંમતિ આપો છો. કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે તેમની કબરો બાંધો છો. એથી તમે પોતા સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો. તો તમારા બાપદાદાઓનું માપ ભરી દો. ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો? એ માટે, જુઓ, પ્રબોધકોને તથા જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, ને તમે તેઓમાંના કેટલાએકને મારી નાખશો, ને વધસ્તંભે જડશો, ને તેઓમાંના કેટલાએકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો, ને નગરેનગર તેઓની પાછળ લાગશો;
કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા હોમવેદીની વચ્ચે તમે મારી નાખ્યો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે. હું તમને ખચીત કહું છુ કે એ બધું આ પેઢી ઉપર આવશે. ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ તારાં છોકરાંને એકત્ર કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ! જુઓ, તમારે માટે તમારું ઘર ઉજ્જડ મુકાયું છે, કેમ કે હું તમને કહું છું કે, જ્યાં સુધી તમે એમ નહિ કહો, “પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે.’ ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.”
પ્રકરણ 49
અને તેમણે ખજાનાની સામે બેસીને, લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે, તે જોયું. અને ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા. અને એક દરિદ્રી વિધવાએ આવીને બે દમડી, એટલે એક અધેલો, નાખ્યો. અને તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, ભંડારમાં એ સર્વ નાખનારાં કરતાં આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે. કેમ કે તે બધાંએ પોતાના ભરપૂરપણામાંથી નાખ્યું, પણ એણે પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ, એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી.”
અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને મંદિરનાં બાંધકામો બતાવવાને તેમની પાસે આવ્યા. સુંદર પથ્થરોથી તથા દાનોથી મંદિર કેવું સુશોભિત કરેલું છે તે વિષે કેટલાક વાતો કરતા હતા, ત્યારે તેમણે કહ્યું, ત્યારે તેમણે તેઓને કહ્યું, “શું તમે એ બધાં નથી જોતાં? હું તમને ખરેખર કહું છું કે, પાડી નહિ નંખાય, એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહિ.” અને જૈતુનના પહાડ પર મંદિરની સામે તે બેઠા હતા, ત્યારે પિતરે તથા યાકૂબે તથા યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું, અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” અને ઈસુ તેઓને કહેવા લાગ્યા, “કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો. ઘણા મારે નામે આવીને કહેશે, ‘તે હું છું;’ અને ઘણાઓને ભુલાવામાં નાખશે. પણ જ્યારે તમે લડાઈઓ વિષે તથા લડાઈની અફવા વિષે સાંભળશો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે. “પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે. અને મોટા મોટા ધરતીકંપો થશે , તથા ઠેરઠેર દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે; અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટાં મોટાં ચિહ્નો થશે. પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે.
પણ પોતાના વિષે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, અને સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો. અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ, તેઓને માટે સાક્ષી થવા માટે, ઊભા કરાશો. ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે. અને તે સમયે ઘણા ઠોકર ખાશે, ને એકબીજાને પરસ્વાધીન કરાવશે, ને એકબીજા પર વૈર રાખશે. અને જૂઠા પ્રબોધકો ઘણા ઊઠશે, ને ઘણાને ભુલાવશે, અને અન્યાય વધી જવાના કારણથી ઘણાખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. અને પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ. અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે. અને જ્યારે તેઓ તમને લઈ જઈને પરસ્વાધીન કરશે, ત્યારે શું બોલીએ તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે સમયે તમને જે આપવામાં આવશે તે બોલો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા છે. એ તમારે માટે સાક્ષીરૂપ થઈ પડશે. કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ. વળી માતાપિતા, ભાઈઓ, સગાં તથા મિત્રો પણ તમને પરસ્વાધીન કરશે અને તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે. અને ભાઈ ભાઈને તથા પિતા છોકરાને મરણદંડને માટે પરસ્વાધીન કરશે, અને છોકરાં પોતાના માતાપિતાની સામે ઊઠશે, ને તેઓને મારી નંખાવશે. અને મારા નામને લીધે સહુ તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે.પણ તમારા માથાનો એક વાળ પણ નાશ પામશે નહિ. તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો.
જ્યારે યરુશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો [સમય] પાસે આવ્યો છે. એ માટે ઉજ્જડની અમંગળપણા [ની નિશાની] જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ (જે વાંચે તે સમજે), ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય. અને ધાબા પર જે હોય તે ઊતરીને ઘરમાંથી કંઈ લેવા માટે અંદર ન પેસે. અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન ફરે. કેમ કે એ વૈર વાળવાના દિવસો છે, જેથી જે જે લખેલું છે, તે બધું પૂરું થાય. તે દિવસોમાં જેઓ ગર્ભવતી હશે તથા જેઓ ધવડાવતી હશે તેઓને અફસોસ છે! કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે. તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહિ થાય, ત્યાં સુધી યરુશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે. પણ તમારું નાસવું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો. કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે હજી સુધી થઈ નથી ને થશે પણ નહિ. અને જો પ્રભુએ એ દિવસોને ઓછા કર્યા ન હોત તો કોઈ માણસ બચત નહિ; પણ જે પસંદ કરેલાઓને તેમણે પસંદ કર્યા તેઓને લીધે તેમણે એ દિવસોને ઓછા કર્યા છે.
પ્રકરણ 50
અને તે સમયે જો કોઈ તમને કહે, “જુઓ, અહીં ખ્રિસ્ત છે’:કે ‘જુઓ તે ત્યાં છે’; તો માનતા નહિ. કેમ કે જૂઠા ખ્રિસ્તો તથા જૂઠા પ્રબોધકો ઊઠશે; અને ચમત્કારો તથા અદભૂત કામો કરી બતાવશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ ભુલાવામાં નાખે. 23પણ તમે સાવધાન રહો; જુઓ, મેં તમને બધું અગાઉથી કહ્યું છે. એ માટે જો તેઓ તમને કહે, જુઓ, તે રાનમાં છે’, તો બહાર ન જતા; ‘જુઓ, તે ઓરડીઓમાં છે’, તો ન માનતા. કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્વિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આવવું થશે. જ્યાં મુડદું હોય, ત્યાં ગીધો એકઠાં થશે. પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી સૂર્ય અંધકારૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, ને આકાશના તારાઓ ખરવા લાગશે, ને આકાશમાંનાં પરાક્રમો હલાવાશે. સમુદ્ર તથા મોજાંઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે. અને પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની શક્યતાથી માણસો નિર્ગત થશે. કેમ કે આકાશમાંનાં પરાક્રમો હાલી ઊઠશે. અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ને ત્યારે પૃથ્વી પરનાં સર્વ કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમાસહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે. અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેના પસંદ કરેલાઓને એકત્ર કરશે. પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એમ સમજવું.”
હવે અંજીરી પરથી તેનું દ્દષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે, ને પાંદડાં ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. હું તમને ખચીત કહું છું કે, એ બધાં પૂરાં નહિ થશે ત્યાં; સુધી આ પેઢી ગુજરી નહિ જશે. આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.પણ તે દિવસ તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ. સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો, કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં પ્રવાસ કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતો રહેવાની આજ્ઞા આપી હોય. માટે તમે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ઘરનો ઘણી ક્યારે આવશે, સાંજે કે, મધરાતે કે, મરઘો બોલતી વખતે કે, સવારે! રખેને તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ. અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, જાગતા રહો.”પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે. કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે. પણ બધો વખત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.” દરરોજ તે મંદિરમાં દિવસે બોધ કરતા હતા; અને રાત્રે તે જૈતૂન નામના પહાડ પર રહેતા હતા. તેમનું સાંભળવા માટે બધા લોકો પરોઢિયે તેમની પાસે મંદિરમાં આવતા હતા.
તો આકાશના રાજ્યને દશ કુમારિકાઓની ઉપમા આપવામાં આવશે જેઓ પોતપોતાની મશાલો લઈને વરને મળવા માટે બહાર નીકળી. અને તેઓમાંની પાંચ મૂર્ખ હતી ને પાંચ બુદ્ધિમાન હતી. કેમ કે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ. પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે પોતાની કુપ્પીમાં તેલ લીધું. અને વરને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને ઊંઘી ગઈ. અને મધરાતે બૂમ પડી, ‘જુઓ, વર આવ્યો! તેને મળવાને નીકળો.’ ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતપોતાની મશાલો તૈયાર કરી. અને મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું, ‘તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.’ પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર વાળ્યો, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતપોતાને માટે વેચાતું લો.’ અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો, ને જેઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્નજમણમાં ગઈ; અને બારણું બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારું ઉઘાડ.’ પણ તેણે ઉત્તર વાળ્યો, ‘હું તમને ખચીત કહું છું કે હું તમને ઓળખતો નથી.’ માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.
પ્રકરણ 51
એક માણસન જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. એકને તેણે પાંચ તાલંત, ને બીજાને બે, ને ત્રીજાને એક, એમ દરેકને પોતપોતાની શકિત પ્રમાણે આપ્યું. અને તે પરદેશ ગયો. પછી જેને પાંચ તાલંત મળ્યાં હતાં, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો. તેમ જ જેને બે, તે પણ બીજા બે કમાયો. પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાનાં ધણીનું નાણું દાટી મૂક્યું. અને લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવે છે, ને તેઓ પાસેથી હિસાબ લે છે. ત્યારે જેને પાંચ તાલંત મળ્યાં હતાં તે બીજાં પાંચ તાલંત પણ લેતો આવ્યો, ને કહ્યું, ‘પ્રભુ તેં મને પાંચ તાલંત સોંપ્યાં હતાં; જો, હું તે ઉપરાંત બીજા પાંચ તાંલત કમાયો છું.’ ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું, ‘શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણા પર ઠરાવીશ. તું તારા પ્રભુના આનંદમાં પેસ.’ અને જેને બે તાલંત મળ્યાં હતાં, તેણે પણ પાસે આવીને કહ્યું, ‘પ્રભુ તેં મને બે તાલંત સોંપ્યાં હતાં. જો હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું’ તેના પ્રભુએ તેને કહ્યું, શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્ચાસુ માલૂમ પડ્યો છે. હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ.’
પછી જેને એક તાલંત મળ્યો હતો, તેણે પણ પાસે આવીને કહ્યું, ‘પ્રભુ જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર, ને જ્યાં તેં નથી વેર્યું ત્યાંથી તું એકત્ર કરનાર છે, એવો કરડો માણસ મેં તને જાણ્યો. માટે હું બીધો, ને જઈને તારો તાલંત મેં ભોયમાં દાટી મૂક્યો. જો, તને તારું પહોંચ્યું છે.’ અને તેના પ્રભુએ તેને કહ્યું, ‘અરે ભૂંડા તથા આળસુ ચાકર, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું, ને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો; તો તારે મારું નાણું શાહુકારોને આપવું જોઈતું હતું કે હું આવું ત્યારે મને વ્યાજ સુધ્ધાં મારું મળત. એ માટે એની પાસેથી તાલંત લઈને જેની પાસે દશ તાલંત છે તેને તે આપો. કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે, ને તેને ઘણું થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. અને તે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો. ત્યાં રડવું ને દાંત પીસવું થશે.’
પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સહિત આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. અને સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે. અને ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે. ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે, ‘મારા પિતાના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે માટે તૈયાર કરેલું છે તેનો વારસો લો; કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો ત્યારે તમે મને [પાણી] પીવડાવ્યું. હું પારકો હતો ત્યારે તમે મને પરોણો રાખ્યો, હું નગ્ન હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં, હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી.’ ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર દેશે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા દેખીને ખવડાવ્યું, અથવા તરસ્યા જોઈને પાણી પીવડાવ્યું? અને ક્યારે અમે તમને પારકા જોઈને પરોણા રાખ્યા, અથવા નગ્ન જોઈને વસ્ત્ર પહેરાવ્યા? અને ક્યારે અમે તમને માંદા અથવા કેદમાં જોઈને તમારી ખબર લીધી?’ ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, હું તમને ખચીત કહું છું, આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’
પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે, ‘ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને માટે તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો પણ તમે મને [પાણી] પીવડાવ્યું નહિ, હું પારકો હતો, પણ તમે મને પરોણો રાખ્યો નહિ, નગ્ન હતો, પણ તમે મને વસ્ર પહેરાવ્યાં નહિ, માંદો તથા કેદમાં હતો, પણ તમે મારી ખબર લીધી નહિ.’ ત્યારે તેઓ પણ તેમને કહેશે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા કે, તરસ્યા કે, પારકા કે, નગ્ન કે, માંદા કે, કેદમાં જોઈને તમારી સેવા નહિ કરી?’ ત્યારે તે તેઓને કહેશે, હું તમને ખચીત કહું છું કે, આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.’ અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં .
પ્રકરણ 52
હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે, તે પાસે આવ્યું. હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું. અને ઈસુએ એ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “તમે જાણો છો કે બે દિવસ પછી પાસ્ખાપર્વ છે; અને માણસનો દીકરો વધસ્તંભે જડાવા માટે પરસ્વાધીન કરાય છે.” ત્યારે મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠા થયા. અને ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ યોજના કરી. પણ તેઓએ કહ્યું, “પર્વમાં નહિ, રખેને લોકોમાં ગડબડ થાય.”
અને ઈસુ બેથાનિયામાં સિમોન કોઢિયાના ઘરમાં હતા, ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને એક સ્ત્રી તેમની પાસે આવી, ને તે જમવા બેઠા હતા ત્યારે તેમના માથા પર તેણે તે રેડ્યું. પણ કેટલાક પોતાના મનમાં નારાજ થઈને કહેવા લાગ્યા, “અત્તરનો આવી રીતે બગાડ શા માટે કર્યો? કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કીમતે વેચી શકાત, ને દરિદ્રીઓને અપાત.” અને તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી. પણ ઈસુએ તેઓને કહ્યું, “એને રહેવા દો; એને કેમ સતાવો છો? એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે. કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે, ને તમે ચાહો ત્યારે તમે તેઓનું ભલું કરી શકો છો. પણ હું સદા તમારી સાથે નથી. જે તેનાથી બની શક્યું, તે તેણે કર્યું છે. દફનને માટે અગાઉથી તેણે મારા શરીરને અત્તર ચોળ્યું છે. હું તમને ખચીત કહું છું કે, આખા જગતમાં જ્યાં કહીં આ સુવાર્તા પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યાં એણે જે કર્યું છે તે પણ એની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”
યહૂદા જે ઇશ્કરિયોત કહેવાતો હતો, જે બારમાંનો એક હતો, તેનામાં શેતાન પ્રવેશ્યો. તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેમને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મંત્રણા કરી. કહ્યું, “હું ઈસુને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” અને તેઓએ તેને ત્રીસ રૂપિયા તોળી આપ્યા. તે તેણે કબૂલ કર્યું, અને લોકો હાજર ન હોય તેવે પ્રસંગે તેમને તેઓના હાથમાં સ્વાધીન કરવાની તક તે શોધી રહ્યો.
બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, “તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.” તેઓએ તેમને પૂછ્યું, “અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?” તેમણે તેઓને કહ્યું, “શહેરમાં પેસતાં પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો. અને ઘરધણીને પૂછજો કે, ‘ઉપદેશક તમને કહે છે કે, મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?’ તે તમને સરસામાનસહિત એક મોટી મેડી દેખાડશે. ત્યાં તમે તૈયારી કરો.” તે શિષ્યો નીકળીને શહેરમાં આવ્યા, ને જેવું તેમણે તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું. અને તેઓએ ત્યાં પાસ્ખા તૈયાર કર્યું.
પ્રકરણ 53
સાંજ પડી ત્યારે બારની સાથે તે આવે છે. હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોકો, જેઓના ઉપર તે પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં, પિતાએ બધો અધિકાર મારા હાથમાં સોંપ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, અને ઈશ્વરની પાસે જાઉં છું, એ જાણીને ઈસુ જમણ પરથી ઊઠે છે, અને પોતાનો ઝભ્ભો ઉતારીને તેમણે રૂમાલ લીધો, અને તેને પોતાની કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યા. એ પ્રમાણે તે સિમોન પિતરની પાસે આવે છે. તે તેમને કહે છે, “પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો? ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી. પણ હવે પછી તું સમજશે.” પિતર તેમને કહે છે “હું તમને કદી મારા પગ ધોવા દઈશ નહિ.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જો હું તને ન ઘોઉં, તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી.” સિમોન પિતર તેમને કહે છે, “પ્રભુ એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા માથું પણ ધૂઓ.” ઈસુ તેને કહે છે, “જે નાહેલો છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; અને તમે શુદ્ધ છો, પણ બધા નહિ.” કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતા હતા. માટે તેમણે કહ્યું, “તમે બધા શુદ્ધ નથી.”
એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનો ઝભ્ભો પહેર્યોં, અને ફરીથી બેસીને તેઓને કહ્યું “મેં તમને શું કર્યું છે, તે તમે સમજ્યા છો?” તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. હું તમને ખચીત ખચીત કહું છું કે, ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી, અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે. આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. પણ ‘જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે, ’ એ શાસ્ત્ર લેખ પૂરો થવા માટે એમ થવું જોઈએ. જયારે એ થાય, ત્યારે તમે વિશ્વાસ કરો કે, હું તે છું, એ માટે અત્યારથી તે થયાની અગાઉ હું તમને એ કહું છું. હું તમને ખચીત ખચીત કહું છું કે, જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે.”
વખત થયો ત્યારે તે બેઠા, અને તેમની સાથે બાર પ્રેરિતો પણ બેઠા. તેમણે તેઓને કહ્યું,“ મરણ સહ્યા પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઇચ્છા હતી. કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું નહિ થાય ત્યાં સુધી હું તે ફરી ખાવાનો નથી.” અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, “લો, ખાઓ; “આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીમાં આ કરો.” તે જ પ્રમાણે વાળુ કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, “આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે તેઓને આપીને ક્હ્યું, “તમે સહુ એમાંનું પીઓ. કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. અને હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.” અને બધાંએ તેમાંથી પીધું.
પ્રકરણ 54
તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને પરસ્વાધીન કરશે.” ત્યારે તેઓ ઘણા શોકાતુર થયા, ને તેઓમાંનો દરેક તેમને પૂછવા લાગ્યો, “પ્રભુ, શું તે હું છું?” અને તેમણે ઉત્તર દીધો, “જેણે મારી સાથે થાળીમાં હાથ નાખ્યો છે તે જ મને પરસ્વાધીન કરશે. માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે, તેને અફસોસ છે. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.” તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, “આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?”
હવે જમતી વેળાએ તેમના શિષ્યોમાંનો એક, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીને અઢેલીને બેઠેલો હતો. માટે સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, “તે કોના વિષે કહે છે, તે [અમને] કહે.” ત્યારે તે જેમ ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેને પૂછે છે “પ્રભુ, તે કોણ છે?” માટે ઈસુ ઉત્તર આપે છે “હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.” પછી કોળિયો બોળીને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે. અને કોળિયો લીધા પછી તરત તેનામાં શેતાન પ્રવેશ્યો ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું, “રાબ્બી, શું તે હું છું?” તે તેને કહે છે, “તેં પોતે જ કહ્યું.” માટે ઈસુ તેને કહે છે “તું જે કરવાનો છે, તે જલદી કર, ” હવે તેણે તેને શા માટે એમ કહ્યું એ જમવા બેઠેલાઓમાંનો કોઈ સમજ્યો નહિ. કેમ કે કેટલાકે ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને પર્વને માટે આપણને જેની જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાને કહ્યું. ત્યારે કોળિયો લઈને તે તરત બહાર નીકળ્યો. તે વખતે રાત હતી.
તેના બહાર ગયા પછી ઈસુ કહે છે, “હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, અને તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે. ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે, અને તેને વહેલો મહિમાવાન કરશે. ઓ નાનાં બાળકો, હવે હું થોડી જ વાર તમારી સાથે છું. તમે મને શોધશો, અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું. હું તમને નવી આજ્ઞા આપું છું કે, તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”
પછી તેમણે તેઓને પૂછ્યું, “જ્યારે થેલી તથા ઝોળી તથા જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?” તેઓએ કહ્યું, “કશાની નહીં.” ત્યારે તેમણે તેઓને કહ્યું, “પણ હમણાં જેની પાસે થેલી હોય તે તે રાખે, અને ઝોળી પણ રાખે. અને જેની પાસે તરવાર ન હોય, તે પોતાનું વસ્ત્ર વેચીને [તરવાર] ખરીદી રાખે. કેમ કે હું તમને કહું છું કે, ‘અપરાધીઓની સાથે તે ગણાયો ’ એ જે લખેલું છે તે મારામાં હજી પૂરું થવું જોઈએ, કારણ કે મારા વિષેની વાતો સાચી પડી છે.” અને ગીત ગાયા પછી તેઓ જૈતુનના પહાડ ઉપર ગયા.
સિમોન પિતર તેમને પૂછે છે, “પ્રભુ, તમે ક્યાં જાઓ છો?” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જ્યાં હું જાઉં છું, ત્યાં તું મારી પાછળ હમણાં આવી શક્તો નથી. પણ પછી તું મારી પાછળ આવીશ.” પિતર તેમને કહે છે “પ્રભુ, હું હમણાં જ તમારી પાછળ કેમ આવી નથી શકતો? તમારા માટે હું મારો જીવ આપીશ.” “આપણામાં કોણ મોટો ગણાય છે.” તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો. તેમણે તેઓને કહ્યું, “વિદેશીઓના રાજાઓ તેમના પર ધણીપણું કરે છે. અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ ‘પરોપકારી’ કહેવાય છે. પણ તમે એવા ન થાઓ. પણ તમારામાં જે મોટો હોય, તેણે નાના જેવા થવું; અને જે આગેવાન હોય, તેણે સેવા કરનારના જેવા થવું. કેમ કે આ બેમાં ક્યો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું. મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું. કે, તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ. અને તમે ઇઝરાયલનાં બારે કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બેસશો.સિમોન, સિમોન, જો શેતાને ઘઉંની જેમ ચાળવા માટે તમને [કબજે લેવા] માગ્યા, પણ મેં તારે માટે વિનંતી કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ. અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.” તેણે તેમને કહ્યું, “પ્રભુ, હું તમારી સાથે બંદીખાનામાં જવાને તથા મરવાને પણ તૈયાર છું.”
પ્રકરણ 55
ત્યારે ઈસુ તેઓને કહે છે, “તમે સહુ આજે રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, કેમ કે એમ લખેલું છે કે, હું ઘેટાપાળકને મારીશ, ને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’ પણ મારા ઊઠયા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.” ત્યારે પિતરે તેમને ઉત્તર આપ્યો “જો કે બધા તમારા સંબંધી ઠોકર ખાય, તોપણ હું કદી ઠોકર નહિ ખાઈશ.” ઈસુએ તેને કહ્યું, હું તને સાચે જ કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.” પિત્તર તેમને કહે છે, “જો કે તમારી સાથે મારે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.
તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા પિતાના ઘરમાં રહેવાનાં ખંડ ઘણા છે, નહિ તો હું તમને કહેત; કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું. અને હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, અને પાછો આવીને તમને મારી પાસે લઈ જઈશ. જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ [રહો]. જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.” થોમા તેમને કહે છે, “પ્રભુ, તમે ક્યાં જાઓ છો, તે અમે જાણતા નથી. ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ?” ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત. હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે.”
ફિલિપ તેમને કહે છે, “પ્રભુ અમને પિતા બતાવો, એટલે અમારે બસ છે.” ઈસુ તેને કહે છે, “ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે. તો તું શા માટે કહે છે કે અમને પિતા બતાવો. હું પિતામાં છું ને પિતા મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહિ? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાનાં કામ કરે છે. હું પિતામાં છું અને પિતા મારામાં છે, એવો વિશ્વાસ મારા પર રાખો; નહિ તો કામોને લીધે જ મારા પર વિશ્વાસ રાખો. હું તમને ખચીત ખચીત કહું છું કે, હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે, અને એના કરતાં પણ મોટાં કામ કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું. અને જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, જેથી પિતા દીકરામાં મહિમાવાન થાય. જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો, તો તે હું કરીશ.
જો તમે મારા પર પ્રેમ રાખો છો, તો મારી આજ્ઞાઓ પાળશો. અને હું પિતાને વિનંતી કરીશ, ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે; કેમ કે તેને તે જોતું નથી, અને તેને ઓળખતું નથી. [પણ] તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે, અને તમારામાં વાસો કરશે. હું તમને અનાથ નહિ મૂકીશ, હું તમારી પાસે આવીશ. થોડીવાર પછી જગત મને ફરીથી જોશે નહિ, પણ તમે મને જોશો. હું જીવું છું, માટે તમે પણ જીવશો. તે દિવસે તમે જાણશો કે, હું મારા પિતામાં છું, અને તમે મારામાં છો, અને હું તમારામાં છું. જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ, અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.”
યહૂદા, જે ઈશ્કારિયોત ન હતો, તે તેમને પૂછે છે કે, “પ્રભુ તમે અમારી આગળ પોતાને પ્રગટ કરશો, અને જગતની આગળ નહિ, એનું શું કારણ છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારાં વચન પાળતો નથી. અને જે વચન તમે સાંભળો છો તે મારું નથી, પણ પિતા જેમણે મને મોકલ્યો છે તેમનું છે. હજી હું તમારી સાથે રહું છું તે દરમિયાન મેં તમને એ વચનો કહ્યાં છે. પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે.
હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો, અને બીવા પણ ન દો. હું જાઉં છું, ને તમારી પાસે [પાછો] આવું છું, એમ મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત. કેમ કે મારા કરતાં પિતા મોટા છે. જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ રાખો માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે. હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહિ કેમ કે આ જગતનો અધિકારી આવે છે, અને મારામાં તેનું કંઈ નથી. પણ જગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું, અને પિતાએ મને આજ્ઞા આપી છે, તેમ હું કરું છું એ માટે આ થાય છે. ઊઠો, અહીંથી આપણે જઈએ.
પ્રકરણ 56
હું ખરો દ્રાક્ષાવેલો છું, અને મારા પિતા માળી છે. મારામાંની પ્રત્યેક ડાળી જેને ફળ આવતાં નથી, તેને તે કાપી નાખે છે; અને પ્રત્યેક ડાળી જેને ફળ આવે છે, તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે. જે વચનો મેં તમને કહ્યાં છે, તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. તમે મારામાં રહો, ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના [ફળ] આપી શક્તા નથી. હું તો દ્રાક્ષાવેલો છું, ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે, અને હું તેનામાં, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે, ને તેઓ બળી જાય છે. જો તમે મારામાં રહો, અને મારાં વચન તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે. તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે; અને [એથી] તમે મારા શિષ્યો થશો. જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે, તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. તમારામાં મારો આનંદ રહે, અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વચનો કહ્યાં છે.
મારી આજ્ઞાઓ એ છે કે, જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પોતાના મિત્રોને માટે જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી. પણ મેં તમને મિત્ર ક્હ્યા છે; કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે, ને તમને નીમ્યા છે કે, તમે જઈને ફળ આપો, અને તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ પિતાની પાસે માગો તે તમને તે આપે. તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું.
જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે, એ તમે જાણો છો. જો તમે જગતના હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત! પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે. દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પાછળ પડયા, તો તેઓ તમારી પાછળ પણ પડશે. જો તેઓએ મારાં વચન પાળ્યાં, તો તેઓ તમારાં પણ પાળશે. પણ એ બધું મારા નામની ખાતર તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને ઓળખતા નથી. જો હું આવ્યો ન હોત, અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓનાં પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી. જે મારા પર દ્વેષ રાખે છે, તે મારા પિતા પર પણ દ્વેષ રાખે છે. જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે ન કર્યાં હોત, તો તેઓને પાપ ન લાગત. પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને દ્વેષ રાખ્યો છે. પણ તેઓના નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે, ‘તેઓએ વિનાકારણ મારાં પર દ્વેષ રાખ્યો છે, તે પૂર્ણ થવા માટે [એમ થયું]. પણ સંબોધક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી નીકળે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે, ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે. અને તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.
કોઈ તમને ઠોકર ખવડાવે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે. તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે. તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે. પણ જ્યારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. પહેલાંથી એ વચનો મેં તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો. પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું. અને તું ક્યાં જાય છે એમ તમારામાંનો કોઈ મને પૂછતો નથી. પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે. તોપણ હું તમને સત્ય કહું છું. મારું જવું તમને લાભકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સંબોધક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જાઉં, તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિષે, ન્યાયપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે, જગતને ખાતરી કરી આપશે. પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી; ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જઉં છું; અને તમે હવેથી મને જોશો નહિ; ન્યાય ચૂકવવા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે. હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે તે ખમી શકતા નથી. તોપણ જે સત્યનો આત્મા, તે જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી બોલશે નહિ, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે; અને જે જે થનાર છે તે તમને કહી બતાવશે. તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી બતાવશે. જે પિતાનાં છે, તે સર્વ મારાં છે. અને તેટલા માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી બતાવશે.
થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો.” એથી તેના શિષ્યોમાંના કેટલાકે અંદરોઅંદર કહ્યું, “થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું; એવું તે આપણને કહે છે તે શું હશે?” તેથી તેઓએ કહ્યું, “થોડી વાર પછી, એમ તે કહે છે તે શું છે? તે શું કહે છે એ આપણે સમજતા નથી.” તેઓ મને પૂછવા ચાહે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું, “થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર પૂછો છો? હું તમને ખચીત ખચીત કહું છું કે, તમે રડશો ને શોક કરશો પણ જગત આનંદ પામશે. તમે દિલગીર થશો, પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે. જ્યારે સ્ત્રી પ્રસવવેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે, કેમ કે તેનો વખત આવ્યો છે. પણ બાળકનો જન્મ થયા પછી, જગતમાં એક માણસ જનમ્યું છે તેના આનંદથી તે દુ:ખ તેને ફરીથી યાદ આવતું નથી. તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી. પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારાં મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી. તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ.
તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે પિતા પાસે કંઈ માંગશો તો તે તમને મારે નામે તે આપશે. હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો, ને તમને મળશે. એ વચનો મેં તમને દ્દષ્ટાંતોમાં કહ્યાં છે. એવો સમય આવે છે કે જયારે દ્દષ્ટાંતોમાં હું તમારી સાથે બોલીશ નહિ, પણ હું તમને પિતા સંબંધી સ્પષ્ટ રીતે કહી બતાવીશ. તે દિવસે મારે નામે તમે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને વિનંતી કરીશ. કેમ કે પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, એવો વિશ્વાસ પણ તમે કર્યો છે. હું પિતા પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું. વળી હું જગતને છોડીને પિતાની પાસે જાઉં છું.” તેમના શિષ્યો કહે છે કે, “જુઓ, તમે હવે સ્પષ્ટ રીતે બોલો છો, અને કંઈ દ્દષ્ટાંત કહેતા નથી. હવે અમે જાણીએ છીએ કે, તમે બધી વાતો જાણો છો, ને કોઈ માણસ તમને પૂછે એવી તમને અગત્ય નથી. એ ઉપરથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ‘ઈશ્વર’ પાસેથી આવ્યા છો.” ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે શું હવે વિશ્વાસ કરો છો? જુઓ, એવી ઘડી આવે છે, હા હમણાં આવી છે કે જયારે તમે દરેક માણસ પોતપોતાનાંની તરફ વિખેરાઈ જશો, અને મને એકલો મૂકશો, તોપણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે. મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”
પ્રકરણ 57
એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, સમય આવ્યો છે. તમે તમારા દીકરાને મહિમાવાન કરો કે, દીકરો તમને મહિમાવાન કરે. કારણ કે તમે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે, જેઓએ તમે તેને આપ્યાં છે તે સર્વને તે અનંતજીવન આપે. અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે. જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે. અને હવે, હે પિતા, જગત ઉત્પન્ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો. જગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે. તેઓ તમારાં હતાં, ને તમે તેઓને મને આપ્યાં છે. અને તેઓએ તમારી વાત પાળી છે. હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી છે.
કેમ કે જે વચનો તમે મને આપ્યાં હતાં તે મેં તેઓને આપ્યાં છે. અને તેઓએ તે સ્વીકાર્યાં છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું, અને તમે મને મોકલ્યો છે, એવો તેઓએ વિશ્વાસ રાખ્યો. તેઓને માટે હું વિનંતી કરું છું; જગતને માટે હું વિનંતી કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે. અને જે મારાં તે બધાં તમારાં છે, અને જે તમારાં છે તે મારાં છે; અને હું તેઓમાં મહિમાવાન થયો છું. હવેથી હું જગતમાં [રહેવાનો] નથી, પણ તેઓ જગતમાં છે, અને હું તમારી પાસે આવું છું. હે પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તે નામ દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખો. હું તેઓની સાથે હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું, અને શાસ્ત્રવચન પૂર્ણ થવા માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો નાશ થયો નથી. પણ હવે હું તમારી પાસે આવું છું. અને મારો આનંદ તેઓમાં સંપૂર્ણ થાય, માટે હું જગતમાં એ વાતો કહું છું. તમારું વચન મેં તેઓને આપ્યું છે. અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી. તમે તેઓને જગતમાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પણ તમે તેઓને પાપથી બચાવો એવી વિનંતી કરું છું. જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.
સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે. જેમ તમે મને જગતમાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે. તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને માટે હું પોતાને પવિત્ર કરું છું. વળી હું એકલા તેઓને માટે નહિ, પણ તેઓનાં વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને માટે પણ વિનંતી કરું છું કે, તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય કે, તમે મને મોકલ્યો છે, એવો જગત વિશ્વાસ કરે. જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, એ માટે જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે. એટલે હું તેઓમાં અને તમે મારામાં થઈએ, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય. અને જગત જાણે કે તમે મને મોકલ્યો છે, અને જેમ તમે મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે. હે પિતા, હું એમ ચાહું છું કે, જયાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે કે, મારો જે મહિમા તમે મને આપ્યો છે તે તેઓ જુએ; કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તમે મારા પર પ્રેમ રાખ્યો હતો. હે ન્યાયી પિતા, જગતે તો તમને ઓળખ્યા નથી. પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે. અને મેં તેઓને તમારું નામ જણાવ્યું છે, અને જણાવીશ, જેથી જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે, તે તેઓમાં રહે, અને હું તેઓમાં રહું.”
પ્રકરણ 58
એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સહિત કિદ્રોન નાળાને પેલે પાર ગયા. ત્યાં એક વાડી હતી, જેમાં પોતે તથા તેમના શિષ્યો ગયા. તેઓ ગેથસેમાને નામે એક જગાએ આવે છે. તે પોતાના શિષ્યોને કહે છે, “હું [ત્યાં જઈને] પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો. તે પોતાની સાથે પિતર, યાકૂબ અને યોહાનને લઈ જાય છે, અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા. પછી તે તેઓને કહે છે, “મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે! અહીં રહીને જાગતા રહો. ”થોડે આગળ જઈને તેમણે જમીન પર પડીને પ્રાર્થના કરી કે, જો બની શકે તો આ ઘડી મારાથી દૂર થાઓ.” “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
આકાશમાંથી એક દૂત તેમને બળ આપતો દેખાયો. તેમણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો. પછી શિષ્યોની પાસે તે આવે છે, ને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે, “શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો! આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે.” વળી બીજી વાર તેમણે જઈને પ્રાર્થના કરી, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તમારી ઇચ્છા પ્રમાણે થાય.” ત્યારે તેમણે બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી. અને તે ફરીથી તેઓને મૂકીને ગયા, ને ત્રીજી વાર તેની તે જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી. ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે, “હવે ઊંઘ્યા કરો, ને આરામ લો; જુઓ, તે ઘડી પાસે આવી છે, ને માણસનો દીકરો પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે. ઊઠો, આપણે જઈએ, જુઓ મને જે પરસ્વાધીન કરે છે તે આવી પહોંચ્યો છે.”
તે બોલતા હતા તે જ પળે બારમાંનો એક એટલે યહૂદા, ને તેની સાથે મુખ્ય યાજકોની તથા શાસ્ત્રીઓની તથા વડીલોની પાસેથી ઘણા લોકો તરવારો અને સોટા લઈને પાસે આવે છે. હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે સ્થળ જાણતો હતો, કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વાર ત્યાં જતા હતા. ઈસુ તો પોતાના પર જે વીતવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને પૂછયું કે, તમે કોને શોધો છો?” તેઓએ તેમને ઉત્તર આપ્યો, “ઈસુ નાઝારીને.” ઈસુએ તેઓને કહ્યું, “હું તે છું.” તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તેઓની સાથે ઊભો રહ્યો હતો. જ્યારે તેમણે તેઓને કહ્યું, “હું તે છું, ” ત્યારે તેઓ પાછા હઠયા, અને જમીન પર પડી ગયા. ત્યારે તેમણે ફરીથી તેઓને પૂછયું, “તમે કોને શોધો છો?” તેઓએ કહ્યું, “ઈસુ નાઝારીને.” ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમને કહ્યું કે, હું તે છું; માટે જો તમે મને શોધતા હો તો આ માણસોને જવા દો.” જેથી જેઓને તમે મને આપ્યાં છે તેઓમાંથી એકને પણ મેં ખોયું નથી, એ વચન તે બોલ્યા હતા તે પૂર્ણ થાય.
હવે તેમને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી, “જેને હું ચૂમીશ તે જ તે છે; તેને પકડીને ચોકસાઈથી લઈ જજો.” તે હજી બોલતા હતા, અને યહૂદા કરીને બારમાંનો એક તેઓની આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા માટે તેમની પાસે આવ્યો. પણ ઈસુએ તેને પૂછ્યું, “યહૂદા, શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરસ્વાધીન કરે છે?” અને તરત તેણે ઈસુની પાસે આવીને કહ્યું, “રાબ્બી, સલામ”; અને તે તેમને ચૂમ્યો. અને ઈસુએ તેને કહ્યું, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને ઈસુ પર હાથ નાખીને તેમને પકડી લીધા. જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, “પ્રભુ, અમે તરવાર મારીએ શું?” ત્યારે પોતાની પાસે જે તરવાર હતી તે સિમોન પિતરે કાઢી અને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલ્ખસ હતું. ત્યારે ઈસુ તેને કહે છે, “તારી તરવાર તેના મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે. શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા પિતાની પાસે માગું, તો તે હમણાં જ દૂતોની બાર ફોજ કરતાં વધારે મારી પાસે નહિ મોકલી દે? તો ધર્મલેખો [માં જે લખેલું છે] કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરું થશે?” પણ ઈસુએ ઉત્તર આપ્યો, “આટલેથી બસ.” તેમણે તેના કાનને સ્પર્શ કરીને તેને સારો કર્યો.
પ્રકરણ 59
જે મુખ્ય યાજકો, મંદિરના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, “જેમ તમે લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને આવ્યા છો શું? હું રોજ તમારી સાથે મંદિરમાં હતો, ત્યારે તમે મારા પર હાથ નહોતા નાખ્યા! પણ આ તમારી ઘડી તથા અંધકારનું સામર્થ્ય છે.” પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા. એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ પાછળ આવતો હતો; તેઓએ તેને પકડ્યો. પણ તે વસ્ત્ર મૂકીને ઉઘાડે શરીરે તેઓ પાસેથી નાસી ગયો.
ત્યારે રોમન સૈનિકોએ, જમાદારે તથા યહૂદીઓના સિપાઈઓએ ઈસુને પકડયા અને તેમને બાંધીને પ્રથમ તમને આન્નાસની પાસે લઈ ગયા, કેમ કે તે વરસના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો. હવે જે કાયાફાએ યહૂદીઓને સલાહ આપી હતી કે, ‘લોકોને માટે એક માણસે મરવું લાભકારક છે, ’ તે એ જ હતો પ્રમુખ યાજકે ઈસુને તેમના શિષ્યો વિષે તથા તેમના બોધ વિષે પૂછયું. ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું જગતની આગળ પ્રગટ રીતે બોલતો આવ્યો છું. સભાસ્થાનોમાં તથા મંદિરમાં જ્યાં સર્વ યહૂદીઓ એકત્ર થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો. અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી. તમે મને કેમ પૂછો છો? તેઓને મેં શું કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછો; મેં જે વાતો કહી તે તેઓ જાણે છે.” જ્યારે તેમણે એમ કહ્યું ત્યારે સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું, “શું તું પ્રમુખ યાજકને એવી રીતે ઉત્તર આપે છે?” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જો મેં ખોટું કહ્યું હોય તો તે સાબિત કર; પણ જો ખરું કહ્યું હોય , તો તું મને કેમ મારે છે?” ત્યારે આન્નાસે તેમને બાંધીને પ્રમુખ યાજક કાયાફાની પાસે મોકલ્યા.
પછી જેઓએ ઈસુને પકડ્યા હતા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા, ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા. અને પિતર દૂર રહીને તેમની પાછળ પાછળ પ્રમુખ યાજકની કચેરી સુધી આવ્યો, ને અંદર જઈને પરિણામ જોવાને ભાલદારોની પાસે બેઠો. ચોકની વચમાં અગ્નિ સળગાવીને તેઓ સાથે બેઠા હતા, ત્યારે પિતર તેઓની વચમાં બેઠો. એક છોકરીએ તેને [અગ્નિના] પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ એકી નજરે જોઈ રહીને કહ્યું, “આ માણસ પણ તેની સાથે હતો.” પણ તેણે ઈનકાર કરીને કહ્યું, “બાઈ, હું તેને ઓળખતો નથી.” થોડી વાર પછી બીજાએ તેને જોઈને કહ્યું, “તું પણ તેઓમાંનો એક છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ હું [એમાંનો] નથી.” આશરે એક કલાક પછી વળી બીજાએ ખાતરીપૂર્વક કહ્યું, “ખરેખર આ માણસ પણ તેની સાથે હતો; કેમ કે તે ગાલીલનો છે.” પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” તે બોલતો હતો એવામાં તરત જ મરઘો બોલ્યો. પ્રભુએ ફરીને પિતરની સામું જોયું. તેમણે તેને કહ્યું હતું, “આજે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે, એ પ્રભુનું વચન પિતરને યાદ આવ્યું. પછી તે બહાર જઈને બહુ જ રડયો.
હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા માટે તેમની વિરદ્ધ સાક્ષી શોધી; પણ તેઓને કંઈ જડી નહિ. કેમ કે ઘણાઓએ તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું, “અમે તેને એમ કહેતાં સાંભળ્યો કે, હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ, અને ત્રણ દિવસમાં વગર હાથે બનેલું હોય એવું બીજું મંદિર બાંધીશ.” એમાં પણ તેઓની સાક્ષી મળતી નહોતી. 60પછી પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું, “શું તું કંઈ ઉત્તર આપતો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?” પણ ઈસુ છાના રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે તેમને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ દઉં છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહિ, એ અમને કહે.” પણ તેમણે તેઓને કહ્યું, “જો હું તમને કહું તો તમે વિશ્વાસ કરવાના નથી. અને જો હું પૂછીશ, તો તમે મને ઉત્તર આપવાના નથી, “અને માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો તથા આકાશનાં વાદળાંસહિત આવતો તમે જોશો.” બધાએ કહ્યું, “તો શું, તું ઈશ્વરનો દીકરો છે?” તેમણે તેઓને કહ્યું, “તમે કહો છો કે હું તે છું.” ત્યારે પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્ર ફાડીને કહ્યું, “એણે દુર્ભાષણ કર્યું છે; હવે આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે. તમે શું ધારો છો?” અને તેઓએ ઉત્તર આપ્યો, “એ મરણજોગ છે.” ત્યારે તેઓએ તેમના મોં પર થૂંકીને તેમને મુક્કીઓ મારી; અને બીજાઓએ તેમને થબડાકો મારીને કહ્યું, “ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યો એ અમને કહી બતાવ.”
પ્રકરણ 60
ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જાય છે. તે વખતે વહેલી સવાર હતી. તેઓ અશુદ્ધ ન થાય, અને પાસ્ખા ખાઈ શકે, માટે તેઓ પોતે દરબારમાં ગયા નહિ. તેથી પિલાતે તેઓની પાસે બહાર આવીને પૂછયું, “એ માણસ પર તમે શું તહોમત મૂકો છો?” તેઓએ ઉત્તર આપ્યો, “જો એ માણસ ભૂંડું કરનાર ન હોત તો અમે એને તમને સોંપત નહિ.” ત્યારે પિલાતે તેઓને કહ્યું, “તમે પોતે એને લઈ જાઓ, અને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો.” યહૂદીઓએ તેને કહ્યું, કોઈને મારી નાખવાનો અમને અધિકાર નથી.” પોતે ક્યા મોતથી મરવાનો હતો તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું. અને ઈસુ હાકેમની આગળ ઊભા રહ્યા મુખ્ય યાજકોએ તેમની પર ઘણાં તહોમત મૂક્યાં. તેઓ તેમના પર એવું તહોમત મૂકવા લાગ્યા, “અમેન એવું માલૂમ પડયું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસારને ખંડણી આપવાની મના કરે છે, અને, ‘હું પોતે ખ્રિસ્ત રાજા છું’ એમ કહે છે.”
એથી પિલાતે ફરીથી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેમને પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “આ શું તમે પોતાના તરફથી કહો છો કે, કોઈ બીજાઓએ મારા સંબંધી એ તમને કહ્યું?” પિલાતે ઉત્તર આપ્યો, “શું હું યહૂદી છું? તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો; તેં શું કર્યું છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં ન આવે, માટે મારા સેવકો લડાઈ કરત; પણ મારું રાજ્ય તો અહીંનું નથી.” એથી પિલાતે તેમને પૂછયું, “ત્યારે શું તું રાજા છે.” ઈસુએ ઉત્તર આપ્યો કે, “તમે કહો છો કે હું રાજા છું. એ જ માટે હું જનમ્યો છું, અને એ જ માટે હું જગતમાં આવ્યો છું કે, સત્ય વિષે હું સાક્ષી આપું! જે સત્યનો છે, તે દરેક મારી વાણી સાંભળે છે.” પિલાત તેમને કહે છે, સત્ય શું છે?” અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર દોષ મૂક્યા છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ. ત્યારે પિલાત તેમને કહે છે, “તારી વિરુદ્ધ તેઓ કેટલી સાક્ષી આપે છે, એ શું તું નથી સાંભળતો?” પણ તેમણે તેને એક શબ્દનો પણ ઉત્તર આપ્યો નહિ, જેથી હાકેમ ઘણો નવાઈ પામ્યો.
પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, “આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.” પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું, “ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં તે બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.”પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું, “શું આ માણસ ગાલીલનો છે?”તે હેરોદના તાબાનો છે એમ તેણે જાણ્યું, ત્યારે તેણે તેમને હેરોદની પાસે મોકલ્યો; હેરોદ પોતે પણ તે સમયે યરુશાલેમમાં હતો. હવે હેરોદ ઈસુને જોઈને ઘણો હર્ષ પામ્યો. કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, તેને લીધે તે ઘણા દિવસથી તેમને જોવા ઇચ્છતો હતો. અને મારા દેખતાં તે કંઈ ચમત્કાર કરશે એવી આશા પણ તે રાખતો હતો. તેણે તેમને ઘણી ઘણી વાતો પૂછી. પણ તેમણે તેને કંઈ ઉત્તર આપ્યો નહિ. મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમના ઉપર જુસ્સાથી તહોમત મૂકતા ઊભા હતા. હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને ભપકાદાર વસ્ત્રો પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા. તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; આગળ તો તેઓ એકબીજા પર વૈર રાખતા હતા.
પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકોને એકત્ર કર્યા, અને બોલાવીને કહ્યું, “આ માણસ લોકોને ભુલાવે છે, એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો; પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં, જે વાતોનું તમે તેના પર તહોમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી. તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેમણે તેને અમારી પાસે પાછો મોકલ્યો; મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી. માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ.” ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો, અને તેમને જાંબૂડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો. તેઓએ તેમની પાસે આવીને કહ્યું, “હે યહૂદીઓના રાજા, સલામ!” અને તેઓએ તેમને મુક્કીઓ મારી. પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે, “જુઓ મને એનામાં કંઈ ગુનો માલૂમ પડતો નથી, એ તમે જાણો માટે હું એને તમારી પાસે બહાર લાવું છું.” ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા એવા બહાર નીકળ્યા. પછી પિલાત તેઓને કહે છે, “જુઓ, આ માણસ!” જ્યારે મુખ્ય યાજકોએ તથા સિપાઈઓએ તેમને જોયા ત્યારે તેઓએ બૂમ પાડીને કહ્યું, “એને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.” પિલાત તેઓને કહે છે, “તમે પોતે એને લઈને વધસ્તંભે જડો; કેમ કે મને તો એનામાં કંઈ પણ ગુનો માલૂમ પડતો નથી.” યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો, “અમારે નિયમશાસ્ત્ર છે, તે નિયમશાસ્ત્ર પ્રમાણે એણે મરણદંડ ભોગવવો જોઈએ. કેમ કે એણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે.”
એ વાત સાંભળીને પિલાત વધારે બીધો. 9તે ફરીથી દરબારમાં જઈને ઈસુને પૂછે છે, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો નહિ. ત્યારે પિલાત તેમને કહે છે, શું તું મને કશું કહેતો નથી? તને છોડી દેવાનો અધિકાર મને છે, અને તને વધસ્તંભે જડાવવાનો અધિકાર પણ મને છે, એ શું તું જાણતો નથી?” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઉપરથી તમને અપાયા વગર મારા પર તમને કંઈ પણ અધિકાર ન હોત. તેથી જેણે મને તમને સોંપ્યો તેનું પાપ વિશેષ છે.આ ઉપરથી પિલાતે તેને છોડી દેવાને પ્રયત્ન કર્યો. પણ યહૂદીઓએ બૂમ પાડીને કહ્યું, “જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારના મિત્ર નથી. જે કોઈ પોતાને રાજા ઠરાવે છે તે કાઈસારની વિરુદ્ધ બોલે છે.” જ્યારે પિલાતે આ વાત સાંભળી ત્યારે તે ઈસુને બહાર લાવ્યો, અને ફરસબંદી નામની જગા, જેન હિબ્રૂ ભાષામાં ‘ગાબ્બાથા’ કહે છે, ત્યાં ન્યાયાસન પર તે બેઠો. હવે એ દિવસ પાસ્ખાની તૈયારીનો હતો; અને આશરે બપોર થયા હતા.
પ્રકરણ 61
આ પર્વમાં તેઓ જે એક બંદીવાનને માગે તેને તે છોડી દેતો. કેટલાક દંગો કરનારાઓએ દંગામાં ખૂન કર્યું હતું, અને તેઓની સાથે કેદમાં પડેલો એવો એક બારાબાસ નામનો માણસ હતો. લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા, “જેમ તમે અમારે માટે હંમેશાં કરતા, તે પ્રમાણે કરો.” પિલાતે તેઓને ઉત્તર આપ્યો, “શું તમારી મરજી એવી છે કે, હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં?”કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધા હતા. પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક [બંદીવાન] ને હું છોડી દઉં, એવી તમારી રીત છે. માટે હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં,?“હું તમારે માટે કોને છોડી દઉં. એ વિષે તમારી શી મરજી છે? બારાબાસને કે, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?” પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા કે, તે તેઓને માટે બારાબાસને છોડી દે. અને ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની સ્ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે, તે ન્યાયીને તમે કંઈ કરતા ના, કેમ કે આજે મને સ્વપ્નમાં તેમને લીધે ઘણું દુ:ખ થયું છે.” પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે, તેઓ બારાબાસને માગે, ને ઈસુને મારી નંખાવે.
પણ હાકેમે તેઓને ઉત્તર આપ્યો, “તે બેમાંથી હું તમારે માટે કોને છોડી દઉં, એ વિષે તમારી શી મરજી છે? અને તેઓએ કહ્યું, “બારાબાસને.” પિલાત તેઓને કહે છે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સર્વ તેને કહે છે, “તેને વધસ્તંભે જડો.” ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે?” પણ તેઓએ વધારે બૂમ પાડીને કહ્યું, “તેને વધસ્તંભે જડો.” અને પિલાતે જોયું કે મારું કંઈ જ ચાલતું નથી, પણ ઊલટી વિશેષ ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના લોહી સંબંધી હું નિર્દોષ છું; તમે જાણો.” ત્યારે સર્વ લોકોએ ઉત્તર આપ્યો, “એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે.” તેઓના માગ્યા પ્રમાણે કરવાને પિલાતે હુકમ કર્યો. તોફાન અને ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો, અને જેની તેઓએ માગણી કરી હતી; તેને તેણે છોડી દીધો; પણ ઈસુને તેણે તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા. ત્યારે તેણે તેમને વધસ્તંભે જડવાને તેઓના હાથમાં સોંપ્યા.
ત્યાર પછી ઈસુ અપરાધી ઠરાવાયા એ જોઈને તેમને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્વાત્તાપ થયો, ને પેલા રૂપિયા ત્રીસ મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું, “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ તેને કહ્યું, “તેમાં અમારે શું? તે તું જાણે.” એટલે મંદિરમાં પૈસા ફેંકી દઈને તે નીકળ્યો, અને જઈને ગળે ફાંસો ખાધો. ત્યારે મુખ્ય યાજકોએ તે પૈસા લઈને કહ્યું, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં એ નાખવા ઉચિત નથી.” પછી તેઓએ નિર્ણય કરીને પરદેશીઓને દાટવા માટે તેનું કુંભારનું ખેતર વેચાતું લીધું. તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર કહેવાય છે.
પછી તે પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગા, જે હિબ્રૂ ભાષામાં ‘ગલગથા’ કહેવાય છે, ત્યાં બહાર ગયા. તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન કરીને કુરેનીનો એક માણસ સીમમાંથી આવતો હતો, તેને પકડીને તેઓએ તેની કાંધે વધસ્તંભ ચઢાવ્યો કે, તે તે ઊંચકીને ઈસુની પાછળ ચાલે. લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો, તેમની પાછળ પાછળ ચાલતાં હતાં. પણ ઈસુએ તેઓની તરફ પાછા ફરીને કહ્યું, “યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા પોતાનાં છોકરાંને માટે રડો. કેમ કે એવા દિવસ આવે છે કે જેમાં તેઓ કહેશે કે, “જેઓ વાંઝણી છે તથા જેઓના પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી ધવડાવ્યું નથી, તેઓને ધન્ય છે!” ત્યારે તેઓ પહાડોને કહેવા માંડશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરાઓને [કહેશે] કે, ‘અમને ઢાંકી નાખો.’ કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે, તો સૂકાને શું નહિ કરશે?” વળી બીજા બે માણસ ગુનેગાર હતા, તેઓને મારી નાખવા માટે તેઓ તેમની સાથે લઈ જતા હતા.
પ્રકરણ 62
અને ગલગથા નામે એક જગા, જે ખોપરીની જગા કહેવાય છે, ત્યાં તેઓ પહોંચ્યા, ત્યારે તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યા પછી તેમણે તે પીવા ના પાડી. ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યા. દિવસના ત્રીજે કલાકે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા. ‘તે અપરાધીઓમાં ગણાયો’, એવું જે શાસ્ત્રવચન તે પૂરું થયું. ઈસુએ કહ્યું, “હે પિતા, તેઓને માફ કરો. કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.” પિલાતે એક લેખ લખીને વધસ્તંભ પર ચોઢયો. “ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા” એવો એ લેખ હતો. વળી જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે સ્થળ શહેરની પાસે હતું. અને તે લેખ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલો હતો, તેથી ઘણા યહૂદીઓએ તે વાંચ્યો. એથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું, “યહૂદીઓનો રાજા, ” એમ ન લખ; પણ તેણે કહ્યું, “હું યહૂદીઓનો રાજા છું, ” એમ લખ. પિલાતે ઉત્તર આપ્યો, “મેં જે લખ્યું તે લખ્યું.”
હવે સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડયા પછી તેમનાં વસ્ત્ર લઈ લીધાં, અને એના ચાર ભાગ પાડયા, દરેક સિપાઈને માટે એક. અને ઝભ્ભો પણ લીધો. હવે તે ઝભ્ભો સીવણ વગરનો, ઉપરથી આખો વણેલો હતો. એ માટે તેઓએ અંદરોઅંદર કહ્યું, “આપણે એને ફાડવો નહિ, પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી.” ‘તેઓએ અંદરોઅંદર મારાં વસ્ત્ર વહેંચી લીધાં, અને મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠીઓ નાખી’ એમ શાસ્ત્રમાં લખેલું છે એ પૂર્ણ થાય, એ માટે એમ બન્યું. આ કામો તો સિપાઈઓએ કર્યાં. પાસે થઈને જનારાઓએ તેમની નિંદા કરી તથા માથાં હલાવીને કહ્યું, “વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધનાર, 30તું પોતાને બચાવ, ને વધસ્તંભ પરથી ઊતરી આવ.” અને તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સહિત મશ્કરી કરતાં કહ્યું, “બીજાઓને તેણે બચાવ્યા, પણ પોતાને તે બચાવી નથી શકતો. એ તો ઇઝરાયલનો રાજા છે; તે હમણાં વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું. તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેને ચાહતો હોય તો હમણાં તે તેનો છૂટકો કરે; કેમ કે તેણે કહ્યું હતું કે હું ઈશ્વરનો દીકરો છું.” લોકો જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, [એટલે] તેમનો પસંદ કરેલો હોય, તો તે પોતાને બચાવે.” સિપાઈઓએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને તેમને સરકો આપવા લાગ્યા, અને કહ્યું, “જો તું યહૂદીઓનો રાજા છે, તો તું પોતાને બચાવ.”
તેમની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેમની નિંદા કરીને કહ્યું, “શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ.” પરંતુ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું, “તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી? આપણે તો વાજબી રીતે [ભોગવીએ છીએ] ; કેમ કે આપણે આપણાં કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એમણે કંઈ પણ ખોટું કર્યું નથી.” તેણે કહ્યું, “હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભારજો.” તેમણે તેને કહ્યું, “હું તને ખચીત કહું છું કે, આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ.” હવે ઈસુના વધસ્તંભની પાસે તેમનાં મા, તેમની માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભાં રહેલાં હતાં. તેથી જ્યારે ઈસુએ પોતાનાં માને તથા જેના પર પોતે પ્રેમ રાખતા હતા તે શિષ્યને પાસે ઊભાં રહેલાં જોયાં, ત્યારે તે પોતાનાં માને કહે છે, “બાઈ જો, તારો દીકરો!”ત્યાર પછી તે તે શિષ્યને કહે છે, “જો તારાં મા!” તે જ ઘડીએ તે શિષ્ય તેમને પોતાને ઘેર તેડી ગયો.
હમણાં લગભગ બપોર થયા હતા, અને ત્યારથી ત્રીજા પહોર સુધી સૂર્ય [નું તેજ] ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો. નવમા કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લમા શબકથની, ” એટલે “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?” જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના કેટલાકે તે સાંભળીને કહ્યું, “જુઓ. તે એલિયાને બોલાવે છે.” એ પછી ઈસુ હવે બધું પૂરું થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે કહે છે, “મને તરસ લાગી છે.” હવે ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂકેલું હતું. માટે તેઓએ એક વાદળી સરકાથી ભરીને ઝૂફા પર મૂકીને તેમના મોં આગળ ધરી. માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું, “સંપૂર્ણ થયું.” અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડયો. ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું, “ઓ પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું;” એમ કહીને તેમણે પ્રાણ છોડ્યો. ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી, ને ખડકો ફાટી ગયા, ને કબરો ઊઘડી ગઈ, ને ઊંઘેલા સંતોનાં ઘણાં શરીર ઊઠ્યાં, ને તેમના પાછા ઊઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયાં, ને ઘણાંઓને દેખાયાં. ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”
પ્રકરણ 63
તેમના સર્વ ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભાં રહીને આ જોતાં હતાં. તેઓમાં મગદલાની મરિયમ, અને નાના યાકૂબ અને યોસેની મા મરિયમ તથા શાલોમી હતી. જ્યારે તે ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જોયું કે એમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું, “ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો.” જે લોકો એ જોવા માટે એકત્ર થયા હતા તેઓ સર્વ, જે થયું હતું તે જોઈને, પોતાની છાતી કૂટતા પાછા ગયા. તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો (અને તે વિશ્રામવાર મોટો દિવસ હતો), એથી વિશ્રામવારે તેઓનાં શબ વધસ્તંભ પર ન રહે માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગીને તેઓને ઉપાડી લેવા જોઈએ. એથી સિપાઈઓએ આવીને તેમની સાથે વધસ્તંભે જડાયેલા પહેલાના તથા બીજાના પગ ભાંગ્યા પણ જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોઈને તેમના પગ ભાંગ્યા નહિ. તોપણ એક સિપાઈએ ભાલાથી તેમની કૂખ વીંધી, એટલે તરત તેમાંથી લોહી અને પાણી નીકળ્યા. જેણે એ જોયું તેણે જ આ સાક્ષી આપી છે, જેથી તમે પણ વિશ્વાસ કરો. તેની સાક્ષી ખરી છે; અને તે સત્ય કહે છે, એ તે જાણે છે. કેમ કે ‘તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.’ એ શાસ્ત્રવચન પૂર્ણ થવા માટે એમ બન્યું. વળી બીજું શાસ્ત્રવચન છે કે, ‘જેને તેઓએ વીંધ્યો તેને તેઓ જોશે.’
સાંજ પડી ત્યારે સિદ્ધિકરણનો દિવસ એટલે વિશ્રામવારનો આગલો દિવસ હતો, માટે, હવે યૂસફ નામે ન્યાયસભાનો એક સભાસદ હતો, તે સારો તથા ન્યાયી માણસ હતો. તે યહૂદીઓના એક શહેર અરીમથાઈનો હતો તેણે તેઓના ઠરાવો તથા કામમાં પોતાની સંમતિ આપી નહોતી. તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. તેણે પિલાતની પાસે જઈને ઈસુનું શબ માગ્યું. પિલાત નવાઈ પામ્યો, “શું તે એટલામાં મરી ગયો હોય!’ તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને તેને પૂછ્યું, “તેને મરી ગયાને કેટલો વખત થયો?” સૂબેદાર પાસેથી તે વિષે તેને ખબર મળી ત્યારે તેણે યૂસફને લાસ અપાવી. વળી નિકોદેમસ, જે પહેલવહેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ આશરે સો શેર બોળ તથા અગરનું મિશ્ર લઈને આવ્યો. ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું શબ લઈને, તેને સુગંધીદ્રવ્ય લગાડીને, શણના વસ્ત્રમાં લપેટયું. હવે જ્યાં તે વધસ્તંભે જડાયા હતા, તે સ્થળે એક વાડી હતી; અને તે વાડીમાં એક નવી કબર હતી કે, જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો ન હતો. અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી, અને એક મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો. તે દિવસ તૈયારીનો હતો, અને વિશ્રામવાર પણ નજીક આવ્યો હતો. જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનું શબ શી રીતે મૂક્યું હતું તે પણ જોયું તેઓએ પાછી આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.
હવે સિદ્ધિકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકત્ર થઈને કહ્યું, “સાહેબ, અમને યાદ છે કે, તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે, “ત્રણ દિવસ પછી હું ઊઠીશ.” એ માટે ત્રણ દિવસ સુધી કબરનો જાપતો રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય, ને લોકોને એમ કહે કે, ‘મૂએલાંઓમાંથી તે ઊઠ્યો છે;’ અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે.” ત્યારે પિલાતે તેઓને કહ્યું, “ચોકીદારો તમારી પાસે છે. તમે જાઓ, ને તમારાથી બને તેવો તેનો જાપતો રખાવો.” પછી તેઓ ગયા, ને પથ્થર પર મહોર કરીને તેઓએ કબર પર જાપતો રાખ્યો, અને ચોકીદારો તેમની સાથે હતા.
પ્રકરણ 64
તેઓ અંદરઅંદર કહેતી હતી, “આપણે માટે કબરના મોં આગળથી પથ્થર કોણ ગબડાવશે?” અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઊતર્યો, ને ત્યાં આવીને કબરનાં મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું, ને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું. અને તેના ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા ને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્રીઓને કહ્યું, “બીહો નહિ, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેમના કહ્યા પ્રમાણે તે ઊઠ્યા છે. આવો, ને જ્યાં પ્રભુ સૂતા હતા તે જગા જુઓ. અને વહેલાં જઈને તેમના શિષ્યોને કહો કે, મૂએલાંમાંથી તે ઊઠ્યા છે. અને જુઓ, તે તમારી આગળ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને જોશો, જુઓ, મેં તમને ક્હ્યું છે.”
તેઓ અંદર પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ જોયું નહિ. એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓની પાસે ઉભા રહ્યા. તેઓએ બીહીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું, “મૂએલાંઓમાં તમે જીવતાને કેમ શોધો છે? તે અહીં નથી, પણ ઊઠયા છે; તે ગાલીલમાં હતા, ત્યારે તેમણે તમને કહ્યું હતું કે, ‘પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય, તથા વધસ્તંભે જડાય, તથા ત્રીજે દિવસે પાછો ઊઠે, એ અવશ્યનું છે’ તે યાદ કરો.” તેમણે કહેલી વાત તેઓને યાદ આવી, ત્યારે તેઓ બીક તથા હર્ખસહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું, “કુશળતા.” અને તેઓએ આવીને તેમના પગ પકડ્યા, ને તેમનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે, “બીહો નહિ; જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય, ને ત્યાં તેઓ મને જોશે.” અને કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યો ને તથા બીજા સર્વને એ બધી વાતો કહી સંભળાવી. હવે જેઓએ આ વાતો પ્રેરિતોને કહી તે મગ્દલાની મરિયમ, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી બાઈઓ હતી. એ વાતો તેઓને પોકળ લાગી; અને તેઓએ તેઓનું માન્યું નહિ.
અને તેઓ જતી હતી, એટલામાં જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે બધું મુખ્ય યાજકોને કહી દીધું. ત્યારે તેઓએ તથા વડીલોએ એકત્ર થઈને મસલત કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું, “તમે એમ કહો કે, અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. અને જો એ વાત હાકેમને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.” પછી તેઓએ નાણાં લીધાં, ને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું, અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવી છે.
અઠવાડિયાના પહેલા દિવસને પ્રભાતે તે પાછા ઊઠીને મગદલાની મરિયમ, જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્મા કાઢ્યા હતા, તેને તે પહેલા દેખાયા. ત્યારે અઠવાડિયાને પહેલે [દિવસે] વહેલી સવારે અંધારું હતું એવામાં મગ્દલાની મરિયમ કબર આગળ આવી, ને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે જોયો. 2ત્યારે તે દોડીને સિમોન પિતરની પાસે તથા બીજો શિષ્ય, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેની પાસે જઈને તેઓને કહે છે, “તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધા છે, અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે અમે જાણતા નથી.” તેથી પિતર તથા પેલો બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા. તે બન્ને સાથે દોડયા; પણ પેલો બીજો શિષ્ય પિતરને પાછળ મૂકીને કબર આગળ પહેલો પહોંચ્યો. તેણે નીચા વળીને અંદર જોયું તો શણનાં વસ્ત્રો પડેલાં જોયાં. તોપણ તે અંદર ગયો નહિ. પછી સિમોન પિતર પણ તેની પાછળ આવીને કબરમાં પ્રવેશ્યો; અને તેણે પણ શણનાં વસ્ત્ર પડેલાં જોયાં. જે રૂમાલ તેમના માથા પર બાંધેલો હતો, તે શણનાં વસ્ત્રની સાથે પડેલો નહોતો, પણ એક સ્થળે જુદો વાળીને મૂકેલો હતો. પછી બીજો શિષ્ય કે જે કબર આગળ પહેલો આવ્યો હતો, તેણે અંદર જઈને જોયું, ને વિશ્વાસ કર્યો. કેમ કે તેમણે મરી ગયેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, એ શાસ્ત્રવચન તેઓ ત્યાં સુધી સમજતા ન હતા. ત્યારે શિષ્યો પાછા પોતાને ઘેર ગયા.
પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નીચી નમીને કબરમાં ડોકિયાં કર્યાં કરતી હતી. અને જ્યાં ઈસુનું શબ મૂકવામાં આવ્યું હતું, ત્યાં શ્વેત વસ્ત્ર પહેરેલા બે દૂતને, એકને ઓસીકે, ને બીજાને પાંગતે, બેઠેલા તેણે જોયા. તેઓ તેને પૂછે છે, “બહેન, તું કેમ રડે છે?” તે તેઓને કહે છે, “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે [હું રડું છું].” એમ કહીને તેણે પાછળ ફરીને ઈસુને ઊભેલા જોયા, પણ એ ઈસુ છે, એમ તેણે જાણ્યું નહિ. ઈસુ તેને કહે છે, “બહેન, તું કેમ રડે છે? તું કોને શોધે છે?” તે માળી છે એમ ધારીને તેણે તેમને કહ્યું, “સાહેબ, જો તમે તેમને અહીંથી ઉઠાવી લીધા હોય, તો તમે તેમને ક્યાં મૂક્યા છે એ મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.” ઈસુ તેને કહે છે, “મરિયમ.” તે ફરીને તેને હિબ્રૂ ભાષામાં કહે છે, “રાબ્બોની!” એટલે ગુરુજી. ઈસુ તેને કહે છે, “હજી સુધી હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર. પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું ચઢી જાઉં છું.” જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી. “તે જીવતા છે, ને તેના જોવામાં આવ્યા છે, ” એ સાંભળીને તેઓએ માન્યું નહિ.
પ્રકરણ 65
તે જ દિવસે તેઓમાંના બે એમ્મૌસ નામનું એક ગામ યરુશાલેમથી ચારેક ગાઉ દૂર છે, ત્યાં જતા હતા. આ બધી બનેલી બિનાઓ વિષે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા. તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલવા લાગ્યા. પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખી શક્યા નહિ. તેમણે તેઓને પૂછ્યું, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો?”તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. કલીઓપાસ નામે એકે ઉત્તર આપ્યો, “શું યરુશાલેમમાં રહેનારાઓમાં એકલો તું જ આ દિવસોમાં બનેલી બિનાઓ નથી જાણતો?” તેમણે તેઓને પૂછ્યું, “કઈ બિનાઓ?” તેઓએ તેમને કહ્યું, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા બધા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા. વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મરણદંડ ભોગવવા માટે પરસ્વાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યા તે સંબંધી [સર્વ] બિનાઓ. પણ અમે આશા રાખતા હતા કે, જે ઇઝરાયેલને ઉદ્ધાર આપવાના હતા તે એ જ છે! વળી એ સર્વ ઉપરાંત, આ બનાવ બન્યાને આજે ત્રીજો દિવસ થયો. વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું; એટલે તેઓએ તેમનું શબ જોયું નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, ‘અમને દૂતોનું દર્શન પણ થયું હતું કે, જેઓએ કહ્યું કે તે જીવતા છે.’ અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા ત્યારે જેમ સ્ત્રીઓએ કહ્યું હતું, તેમ જ તેઓને માલૂમ પડયું. પણ તેમને તેઓએ જોયા નહિ.”
તેમણે તેઓને કહ્યું, “ઓ અણસમજુઓ, તથા પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિનાઓ! શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?” પછી મૂસાથી તથા બધા પ્રબોધકોથી માંડીને તેમણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. જે ગામ તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું નક્કી કર્યું. તેઓએ તેમને આગ્રહ કર્યો, “અમારી સાથે રહો. કેમ કે સાંજ થવા આવી છે, અને દિવસ નમી ગયો છે.” તેઓની સાથે રહેવા માટે તે અંદર ગયા. તે તેઓની સાથે જમવા બેઠા ત્યારે તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપી. ત્યારે તેઓની આંખો ઊઘડી, અને તેઓએ તેમને ઓળખ્યા. પણ તે તેઓની દષ્ટિમાંથી અદશ્ય થઈ ગયા. તેઓએ એકબીજાને કહ્યું, “જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતા હતા, અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણાં મન આપણામાં ઉલ્લાસી નહોતાં થતાં શું?” તે જ ઘડીએ તેઓ ઊઠીને યરુશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર શિષ્યો ને તથા તેઓની સાથેના માણસોને ત્યાં એકત્ર થયેલા જોયા કે, જેઓ કહેતા હતા, “પ્રભુ ખરેખર ઊઠ્યા છે, અને સિમોનને દર્શન આપ્યું છે.” ત્યારે પેલાઓએ માર્ગમાં બનેલી બિના તથા રોટલી ભાંગતાં તેઓ તેમને કેવી રીતે ઓળખી શક્યા હતા તે કહી બતાવ્યું.
ત્યારે તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે, સાંજ પડયે શિષ્યો જ્યાં એકત્ર થયા હતા, ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યાં હતાં, ત્યારે ઈસુ આવ્યા અને તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે, “તમને શાંતિ થાઓ.” પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. તેમણે તેઓને પૂછ્યું, “તમે કેમ ગભરાઓ છો? અને તમારા મનમાં તર્કવિતર્ક કેમ થાય છે? મારા હાથ તથા પગ જુઓ કે, એ હું પોતે છું! મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છો કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતાં નથી.”એમ કહીને તેમણે પોતાના હાથ તથા કૂખ તેઓને બતાવ્યાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. તે અગિયાર શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે તે તેઓને દેખાયા, તેમણે તેઓના અવિશ્વાસ તથા કઠણ હ્રદયને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેમના પાછા ઊઠ્યા પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું નહોતું. તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને આશ્ચર્ય પામતા હતા, ત્યારે તેમણે તેઓને પૂછ્યું, “તમારી પાસે અહીં કંઈ ખાવાનું છે?” તેઓએ તેમને શેકેલી માછલીનો એક કકડો આપ્યો. તે લઈને તેમણે તેઓની આગળ ખાધો. તેમણે તેઓને કહ્યું, “હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકો [નાં પુસ્તકો] માં તથા ગીતશાસ્ત્રમાં મારાં સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ.”
ત્યારે ધર્મલેખો સમજવા માટે તેમણે તેઓનાં મન ખોલ્યાં. તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે, ખ્રિસ્તે દુ:ખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ. અને યરુશાલેમથી માંડીને બધી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપનિવારણ પ્રગટ કરાવાં જોઈએ. એ વાતના સાક્ષીઓ તમે છો. હું મારા પિતાનું વચન તમારા પર મોકલું છું. પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ, ત્યાં સુધી શહેરમાં રહેજો.” તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું, “તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું તમને મોકલું છું.” એમ કહીને તેમણે તેઓના પર શ્વાસ નાખ્યો, અને તે તેઓને કહે છે, “તમે પવિત્ર આત્મા પામો 2જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓનાં પાપ માફ કરવામાં આવે છે અને જેઓનાં પાપ તમે કાયમ રાખો છો, તેઓનાં પાપ કાયમ રહે છે.” તેમણે તેઓને કહ્યું, “આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે. વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે:મારે નામે તેઓ દુષ્ટાત્માઓ કાઢશે, નવી બોલીઓ બોલશે; સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ, તો તેઓને કંઈ પણ ઈજા થશે નહિ. તેઓ માંદાઓ પર હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.”
પણ ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાંનો એક જે દીદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, “અમે પ્રભુને જોયા છે.” પણ તેણે તેઓને કહ્યું, “તેમના હાથમાં ખીલાઓના વેહ જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના વેહમાં મૂક્યા વિના તથા તેમની કૂખમાં મારો હાથ ઘાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી.” આઠ દિવસ પછી ફરીથી તેમના શિષ્યો [ઘર] માં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણાં બંધ કર્યાં છતાં, ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું, “તમને શાંતિ થાઓ.” પછી તે થોમાને કહે છે, “તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ; અને અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.” થોમાએ ઉત્તર આપ્યો, “મારા પ્રભુ અને મારા ઈશ્વર.” ઈસુ તેને કહે છે, “તેં મને જોયો છે, માટે તેં વિશ્વાસ કર્યો છે, જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે.” ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા કે, જે [નું વર્ણન] આ પુસ્તકમાં કરેલું નથી. પણ, ‘ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો; અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે.
પ્રકરણ 66
એ બિનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન આપ્યું; અને તેમણે આવી રીતે દર્શન આપ્યું. સિમોન પિતર, થોમા (જે દીદીમસ કહેવાતો હતો તે), ગાલીલના કાનાનો નાથાનાએલ, ઝબદીના દીકરા, તથા તેમના શિષ્યોમાંના બીજા બે, એકત્ર થયા હતા. સિમોન પિતર તેઓને કહે છે, “હું માછલાં મારવા જાઉં છું” તેઓ તેને કહે છે, “અમે પણ તારી સાથે આવીએ છીએ.” ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા. પણ તે રાત્રે તેઓને હાથ કંઈ આવ્યું નહિ. પણ બહુ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા. પરંતુ તે ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ. તેથી ઈસુ તેઓને કહે છે, “છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે?” તેઓએ તેમને ઉત્તર આપ્યો “નથી.” ત્યારે તેમણે તેઓને કહ્યું, “હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને મળશે.” તેથી તેઓએ [તે તરફ જાળ] નાખી. પછી એટલી બધી માછલી તેમાં [ભરાઈ આવી] કે તેઓ તેને ખેંચી શક્યા નહિ. તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો, તે પિતરને કહે છે, “એ તો પ્રભુ છે.” જયારે સિમોન પિતરે સાંભળ્યું કે, ‘એ તો પ્રભુ છે’, ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો), અને સમુદ્રમાં કૂદી પડ્યો. પણ બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ આશરે બસો હાથ જેટલે છેટે હતા. તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ કોલસાનો દેવતા, તેના પર મૂકેલી માછલી, તથા રોટલી જોયાં. ઈસુ તેઓને કહે છે, “તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.” એથી સિમોન પિતર [હોડી પર] ચઢીને એક સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; અને જો કે એટલી બધી [માછલીઓ] હતી તોપણ જાળ ફાટી ગઈ નહિ. ઈસુ તેઓને કહે છે, “આવો નાસ્તો કરો.” તે પ્રભુ છે, એ જાણીને શિષ્યોમાંના કોઈથી “તમે કોણ છો.” એમ તેમને પૂછવાની હિંમત ચાલી નહિ. ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી. અને માછલી પણ આપી. મરી ગયેલાંઓમાંથી પાછા ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.
હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિતરને પૂછે છે, “યોહાનના દીકરા, સિમોન, શું તું મારા ઉપર તેઓના કરતાં વધારે પ્રેમ રાખે છે?” તે તેમને કહે છે, “હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.” તે તેને કહે છે, “તું મારાં હલવાનોને પાળ.” તે ફરીથી બીજી વાર તેને પૂછે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” તે તેમને કહે છે, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.” તે તેને કહે છે, “મારાં ઘેટાંને સાચવ.” તે ત્રીજી વાર તેને કહે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?” પિતર દિલગીર થયો, કારણ કે તેમણે ત્રીજીવાર તેને પૂછ્યું હતું “શું તું મારા પર હેત રાખે છે? તેણે તેમને કહ્યું, “પ્રભુ તમે બધું જાણો છો. હું તમારા પર હેત રાખું છું એ તમે જાણો છો. ઈસુ તેને કહે છે, “મારા ઘેટાંને પાળ. હું તને ખચીત ખચીત કહું છું કે, જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો. પણ જ્યારે તું ઘરડો થશે, ત્યારે તું તારા હાથ લાંબા કરશે, અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહિ ચાહતો હોય ત્યાં તને લઈ જશે.” હવે કયા પ્રકારના મોતથી તે ઈશ્વરનો મહિમા પ્રગટ કરશે, એ સૂચવતાં તેમણે એમ કહ્યું. એમ કહ્યા પછી તે તેને કહે છે, “તું મારી પાછળ આવ.”
ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, અને જેણે જમતી વેળાએ ઈસુની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ, જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?” તે શિષ્ય ને પાછળ આવતો પિતરે પાછા ફરીને જોયો. તેથી પિતર તેને જોઈને ઈસુને પૂછે છે, “પ્રભુ, એ માણસનું શું થશે?” ઈસુ તેને કહે છે, “હું [પાછો] આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ.” તેથી એ વાત ભાઈઓમાં ફેલાઈ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને વિષે એમ નહોતું કહ્યું કે, તે મરશે નહિ; પણ એમ [કહ્યું હતું] કે, “હું પાછો આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?” જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે. અને તેની સાક્ષી ખરી છે, એ અમે જાણીએ છીએ.
અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી પોતે જે જે કરવા તથા શીખવવા માંડ્યું, તે સર્વ બાબત વિશે, ઓ થિયોફિલ, મેં પહેલું પુસ્તક લખ્યું છે. મરણ સહ્યા પછી તેમણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી, અને ચાળીસ દિવસ દરમિયાન તે તેઓને દર્શન આપતા, અને ઈશ્વરના રાજ્ય વિષેની વાતો કહેતા રહ્યા; તેમણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી, “યરુશાલેમથી જતા ના, પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો; કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.” હવે તેઓ એકત્ર થયા ત્યારે તેઓએ તેમને પૂછયું, “પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો?” તેમણે તેઓને કહ્યું, “જે કાળ તથા સમય પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું તમારું કામ નથી. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને [જવાનું] કહ્યું હતું, ત્યાં ગયા. અને તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું. પણ કેટલાકને શંકા આવી. અને ઈસુએ ત્યાં આવીને તેઓને ક્હ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”
બેથાનિયાની સામે તેઓને બહાર લઈ જઈને તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો. તે તેઓને આશીર્વાદ આપતા હતા, એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને આકાશમાં લઈ જવામાં આવ્યા. અને વાદળોએ તેઓની દષ્ટિથી તેમને ઢાંકી દીધા. તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા, એવામાં શ્વેત વસ્ત્ર પહેરેલા બે પુરુષ તેઓની પાસ ઊભા રહેલા હતા; તેઓએ કહ્યું, “ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ, જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે તે, જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમ જ પાછા આવશે. તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા. અને તેઓ નિત્ય મંદિરમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયા, ને ઈશ્વરને જમણે હાથે બેઠા. તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી. પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતા, ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તા ની સત્યતા સાબિત કરતા. આમીન